રાજકોટ
News of Tuesday, 22nd October 2019

સિવિલ હોસ્પિટલમાં લોહીની વ્યવસ્થા કરી અપાવવાના બહાને દર્દીઓ પાસેથી નાણા પડાવતાં શખ્સને સિકયુરીટીએ પકડ્યો

પરંતુ ફરિયાદીએ પૈસા પાછા મળી જાય તો 'કંઇ નથી કરવું' કહી દેતાં પોલીસે પુછતાછ કરી જવા દીધો

રાજકોટ તા. ૨૧: સિવિલ હોસ્પિટલમાં અવાર-નવાર મોબાઇલ ચોર, પાકિટ ચોર કે ખિસ્સા કાતરૂ અને વાહન તથા સાઇકલના ઉઠાવગીરોને સિકયુરીટીનો સ્ટાફ પકડતો રહે છે. આ વખતે એક ગઠીયો ઝપટે ચડી ગયો હતો. હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સગાને પોતે લોહીની વ્યવસ્થા કરી આપશે તેમ કહી પૈસા પડાવતો હતો. આ રીતે અમુક પાસેથી હજાર તો અમુક પાસેથી બે થી ત્રણ હજાર રોકડા લઇ લીધા હતાં. સિકયુરીટીએ પકડી પોલીસને સોંપવા તજવીજ કરી હતી. જો કે દર્દીના સગાઓએ બાદમાં પોતાના પૈસા નહિ મળે તો કોર્ટમાં ફરિયાદ કરીશું તે પ્રકારનું નિવેદન પોલીસને આપતાં આ શખ્સને જવા દેવાયો હતો.

જાણવા મળ્યા મુજબ નવાગઢના રમેશભાઇ નામના એક યુવાનના માતા બિમાર હોઇ તે સિવિલ હોસ્પિટલમાં દાખલ હોઇ તેને લોહી ચડાવવાની જરૂર પડતાં રમેશભાઇ લોહીના બાટલાની વ્યવસ્થા કરવા દોડધામ કરતાં હતાં. એ દરમિયાન તેને એક શખ્સ મળ્યો હતો અને પોતાનું નામ યોગેશ હોવાનું કહી પોતે લોહીની વ્યવસ્થા કરી આપશે તેમ કહી રૂ. ૩૦૦૦ મેળવી લીધા હતાં અને હમણા લોહી લઇને આવે છે તેમ કહી જતો રહ્યો હતો. પરંતુ પાછો આવ્યો નહોતો. આ ઘટના ૧૩મીએ બની હતી.

એ પછી મુળી પંથકના તારાબેનન નામના મહિલા પાસેથી પણ આ જ રહીતે એક હજાર રૂપિયા લઇ લીધા હતાં. પોતાનો મોબાઇલ નંબર આપી હમણા લોહી લઇને આવે છે તેમ કહી એ શખ્સ જતો રહ્યો હતો. પછી ફોન બંધ થઇ ગયો હતો. દરમિયાન સિકયુરીટીની ટીમ આ શખ્સને શોધવા દોડધામ કરી રહી હતી અને ખાનગીમાં તપાસ કરી રહી હતી. એ દરમિયાન શનિવારે ફરીથી એક શખ્સ લોહીની વ્યવસ્થા કરવાની વાતો કરતો જોવા મળતાં તેને સકંજામાં લઇ અગાઉ છેતરાયેલા દર્દીના સગા સમક્ષ રજૂ કરતાં તેણે આ શખ્સને ઓળખી બતાવ્યો હતો. ત્યારે આ શખ્સે પોતાનું નામ અલગ જણાવ્યું હતું.

સિકયુરીટીની ટીમે પોલીસને જાણ કરતાં પોલીસ આવી હતી. જો કે ત્યારે દર્દીના સગાઓએ પોતાના પૈસા પાછા મળી જતાં હોય તો ફરિયાદ નથી કરવી, અન્યથા કોર્ટમાં ફરિયાદ કરશે તેવું નિવેદન લખાવ્યું હતું!

પોલીસે આ કાર્યવાહી પછી એ શખ્સને જવા દેતાં તે થોડીવારમાં જ પાછો સિવિલ હોસ્પિટલમાં આવ્યો હતો અને પોતે છુટી ગયો છે તેવી હોશીયારી સિકયુરીટી ગાર્ડ સમક્ષ મારીને જતો રહ્યો હતો. પોલીસે જો થોડી પુછતાછ કરી હોત અને ફરિયાદીઓ જાગૃત બન્યા હોત તો કદાચ વધુ ઠગાઇના ભેદ ખુલી શકયા હોત. તસ્વીરમાં છેતરનાર અને છેતરાયેલા નજરે પડે છે. ફરિયાદ થઇ ન હોઇ જેથી ચહેરા ઢાંકી દેવામાં આવ્યા છે.

(4:17 pm IST)