રાજકોટ
News of Monday, 22nd October 2018

પાણીની કરકસર

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભુગર્ભ ગટરનું શુધ્ધ કરાયેલ પાણી બગીચામાં વાપરશે

બિલ્ડરોને બાંધકામમાં રિસાયકલીંગ વોટર ઉપયોગ કરવા તંત્રનો અનુરોધ : ર લાખ લીટર પાણીની માંગ કોર્પોરેશન પાસે મુકીઃ રૈયાધાર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી યુનિવર્સિટી સુધી પાઇપ લાઇન નાખીને ટ્રીટેડ વોટર અપાશેઃ પાણી બચાવવા ભુતીયા નળ અને પાણી ચોરીની કડક ઝુંબેશઃ રાજકોટમાં પાણીકાપ વગર ઉનાળો પાર કરવા બંછાનીધી પાનીનું આયોજન

રાજકોટ, તા., ૨૨: આ વર્ષે ઓછો વરસાદ પડયો છે ત્યારે પાણીકાપ વગર રાજકોટવાસીઓ ઉનાળો પાર કરી શકે તે માટે મ્યુ. કમિશ્નર બંછાનીધી પાનીએ ભુગર્ભ ગટરનાં શુધ્ધ કરાયેલ પાણીનો બગીચાઓમાં અને બાંધકામમાં ઉપયોગ કરીને પાણીની કરકસર કરવા સહીતનું આયોજન ઘડયું છે. જે અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને બગીચાના ઝાડ-પાનને પાણી પીવડાવવા માટે ભુગર્ભ ગટરનું શુધ્ધ કરાયેલ પાણી વેચાતુ આપવાની આયોજન છે તેમ મ્યુનિસીપલ કમિશ્નર બંછાનીધી પાનીએ જાહેર કર્યુ હતું.

આ અંગે મ્યુનીસીપલ કમિશ્નર બંછાનીધી પાનીએ વિસ્તૃત માહીતી આપતાં જણાવ્યંુ હતું કે પાણીની કરકસરનો સૌથી મહત્વનો ઉપાય ભુગર્ભ ગટરનું ટ્રીટેડ વોટર બગીચાઓ અને બાંધકામમાં વાપરવાનો છે. આથી હવે મ્યુનીસીપલ કોર્પોરેશન દ્વારા બિલ્ડરોને ભારપુર્વક આગ્રહ કરવામાં આવશે કે તેઓ બાંધકામ માટે રૈયાધાર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતેથી ટ્રીટેટ પાણીનાં ટેન્કરો મંગાવીને તેનો ઉપયોગ કરી મ્યુનિસીપલ આ ટ્રીટેડ વોટર દર હજાર લીટરે રૂ. ૧૩ લેખે બિલ્ડરોને વેચાતુ આપશે.

શ્રી પાનીએ વધુમાં ઉમેર્યુ હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ બગીચાઓમાં પાણી પીવડાવવા માટે ભુગર્ભ ગટરના ર લાખ લીટર ટ્રીટેડ વોટરથી માંગણી મુકી છે. આથી યુનિવર્સિટીને તેઓના ખર્ચે રૈયાધાર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી યુનિવર્સિટી સુધીની પાઇપ લાઇન નાંખવા અનુરોધ કરાયો છે. જેના દ્વારા યુનિવર્સિટી કેમ્પસમાં ટ્રીટેટ વોટર પહોંચાડાશે.

આ ઉપરાંત મ્યુનિસીપલ કમિશ્નર પાનીએ જણાવ્યું હતું કે પાણીની કરકસર માટે શહેરમાં ભુતીયા નળ જોડાણો અને ઇલેકટ્રીક મોટરની થતી પાણીચોરી ઝડપી લેવા માટે ચેકીંગ ઝુંબેશ જોર-શોરથી શરૂ થશે. જેના કારણે પણ પાણીની બચત થશે. ઉપરાંત નાગરીકોને પણ પાણી બચાવવા જાહેર અનુરોધ કરાશે તેમ મ્યુનીસીપલ કમિશ્નરે અંતમાં જણાવ્યું હતું.

નર્મદા નીરથી આજી ર૩ાા ફુટ ભરાયોઃ ન્યારી એપ્રિલમાં ડુકશે ત્યારે વધુ પાણી ખરીદાશે

રાજકોટઃ આ વર્ષે ઓછા વરસાદથી આજી ડેમ પાણી નહી ભરાતા મ્યુ. કોર્પોરેશન દ્વારા સૌની યોજના વાટે નર્મદા નીરથી આજી (૧) ડેમ ભરવાનું શરૂ કર્યુ છે અને આજ સુધીમાં આ ડેમ ર૩ાા  ફુટ સુધી ભરાઇ ગયો છે.

હજુ ડેમને છલોછલ કરાશે. જેથી ઉનાળા સુધી રાજકોટમાં દરરોજ ર૦ મીનીટ પાણી આપી શકાય તેમ મ્યુનિસીપલ કમિશ્નર બંછાનીધી પાનીએ જણાવ્યું હતું. આ ઉપરાંત કમિશ્નરશ્રીએ જણાવ્યું હતું કે ભાદર ડેમમાંથી ૩૧ જુલાઇ સુધી રાજકોટને પાણી મળી શકે તેમ છે જયારે ન્યારી (૧) માં એપ્રિલ સુધીનું જ પાણી છે. આથી એપ્રિલ પછી ખંભાળાથી વધુ ૪૦ એમએલડી જેટલા નર્મદાનીર ખરીદી શહેરમાં પાણીકાપ વગર ઉનાળો પાર કરવાનું આયોજન છે તેમ કમિશ્નરશ્રીએ જાહેર કર્યુ હતું.

(4:01 pm IST)