રાજકોટ
News of Monday, 22nd October 2018

મયુરનગરમાં પૈસાની ઉઘરાણી મામલે મનસુખનો ભાભી કુંદન ફતેપરા અને તેના પિતા પર હુમલો

સામે મનસુખ ઉર્ફ કિરણભાઇએ પણ પોતાને ભાભીના માતા-પિતા-ભાઇઓએ છરીથી ઘાયલ કર્યાની ફરિયાદ નોંધાવી

રાજકોટ તા. ૨૨: ભાવનગર રોડ પર રાજમોતી મીલ પાછળ મયુરનગરમાં કોળી મહિલા પર પૈસાની તકરારમાં તેના દિયરે લોખંડના પાઇપથી હુમલો કરતાં અને તેણીના પિતા વચ્ચે પડતાં તેને પણ પાઇપ ફટકારી દેવાતાં બંનેને દાખલ કરાયા છે. સામા પક્ષે આ મહિલાનો દિયર પણ પોતાના પર ભાભીના માતા-પિતા અને ભાઇઓએ છરીથી હુમલો કરી ઇજા કર્યાની ફરિયાદ કરી છે.

બનાવની જાણવા મળેલી માહિતી મુજબ મયુરનગર-૨માં રહેતી કુંદનબેન કિશોરભાઇ ફતેપરા (ઉ.૩૦) નામની કોળી પરિણીતાને રાત્રે સાડા દસેક વાગ્યે ઘરે હતી ત્યારે દિયર મનસુખ ઉર્ફ કિરણ બાબુ ફતેપરાએ આવી પૈસાની ઉઘરાણી બાબતે ડખ્ખો કરી પાઇપથી હુમલો કરતાં કુંદનબેનને માથામાં, શરીરે ઇજા થઇ હતી. તેણીના પિતા જયંતિભાઇ રવજીભાઇ ચારોલા (ઉ.૪૫) બચાવવા વચ્ચે પડતાં તેને પણ પાઇપ ફટકારી દેવાતાં બંને પિતા-પુત્રી સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં પોલીસે કુંદનબેનની ફરિયાદ પરથી દિયર મનસુખ સામે ગુનો નોંધ્યો હતો.

બીજી તરફ મનસુખ ઉર્ફ કિરણભાઇ બાબુભાઇ ફતેપરા (ઉ.૩૫) પણ પોતાના પર ભાભી કુંદનબેનના પિતા જયંતિભાઇ, માતા મંજુબેન અને તેણીના બે ભાઇઓ જયેશ તથા શૈલેષે પોતાના પર છરીથી હુમલો કરી છાતીમાં ઇજા કર્યાની તેમજ ઢીકા-પાટુનો માર માર્યાની ફરિયાદ સાથે સિવિલમાં દાખલ થતાં પોલીસે તેની ફરિયાદ પરથી ચારેય સામે ગુનો નોંધ્યો હતો.

કુંદનબેનના કહેવા મુજબ તેના પતિને પૈસાની જરૂર પડતાં દિયર મનસુખ પાસેથી ૧ લાખ લીધા હતાં. તે હવે વ્યાજ સહિત પાંચ લાખ માંગી માથાકુટ કરે છે. સામે પક્ષે મનસુખે કહ્યું હતું કે તેણે હાથ ઉછીના પૈસા આપ્યા હતાં. આ રકમ પાછી મેળવવા તેણે વારંવાર ઉઘરાણી કરી હતી અને પાંચ-પાંચ હજારના હપ્તા કરીને ચુકવી આપે તેમ પણ જણાવ્યું હતું. છતાં પૈસા પાછા અપાતાં નહોતાં. પીએસઆઇ કે. કે. પરમાર અને નારણભાઇએ બંને બનાવમાં વિશેષ તપાસ હાથ ધરી છે.

(3:46 pm IST)