રાજકોટ
News of Monday, 22nd October 2018

સ્વાઇન ફલૂએ રાજકોટમાં વધુ બે જીવ લીધાઃ મૃત્યુઆંક ૨૯

રવિવારે બપોરે રાજકોટના ૭૨ વર્ષના વૃધ્ધાનું અને રાત્રે ગોંડલના ૬૫ વર્ષના વૃધ્ધાનું ખાનગી હોસ્પિટલમાં મોત

રાજકોટ તા. ૨૨: સ્વાઇન ફલૂથી વધુ બે જિંદગી હણાઇ ગઇ છે. રાજકોટ શહેરમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ રાજકોટના ૭૨ વર્ષના વૃધ્ધા અને ગોંડલના ૬૫ વર્ષના વૃધ્ધાએ દમ તોડી દીધો છે. તે સાથે કુલ મૃત્યુઆંક ૨૯ થઇ ગયો છે.

આરોગ્ય તંત્રના અહેવાલ મુજબ યુનિવર્સિટી રોડ પરની સોસાયટીમાં રહેતાં ૭૨ વર્ષના વૃધ્ધાને સ્વાઇન ફલૂની શંકાએ વોકહાર્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. તેમનો રિપોર્ટ પોઝિટીવ આવતાં સઘન સારવાર શરૂ થઇ હતી. દરમિયાન રવિવારે બપોરે બે વાગ્યા આસપાસ તેમનું મોત નિપજતાં સ્વજનોમાં શોક છવાઇ ગયો હતો.

આ ઉપરાંત ગોંડલ રહેતાં ૬૫ વર્ષના વૃધ્ધાનો ગઇકાલે જ રાજકોટ જિનેસીસ હોસ્પિટલમાં સ્વાઇન ફલૂનો રિપોર્ટ પોઝિટીવ જાહેર થયો હતો. તેમણે રાત્રે દમ તોડી દીધો હતો. ગઇકાલે રાજકોટની ૨૪ વર્ષની એક યુવતિનો રિપોર્ટ પણ પોઝિટીવ જાહેર થયો છે. આજના દિવસે કુલ ૧૩ દર્દીઓ  સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જેમાં રાજકોટ, ભાવનગર, મોરબી, જામનગરના દર્દીઓનો સમાવેશ થાય છે.

તા.૧-૯-૧૮થી તા. ૨૧-૧૦-૧૮ સુધીમાં સ્વાઇન ફલૂના કુલ ૧૧૫ દર્દીઓ ખાનગી અને સિવિલ હોસ્પિટલમાં નોંધાયા છે. જેમાંથી કુલ ૨૯ના મૃત્યુ થયા છે. (૧૪.૬)

 

(11:49 am IST)