રાજકોટ
News of Wednesday, 22nd September 2021

રૂડાના ૧૧ પ્લોટોની હરાજી : ૪.૯૮ કરોડની આવક

ફુલ ૩૭ લોકોએ ભાગ લીધેલ : દુકાનો-ઓફીસોની હરાજી કરાશે

રાજકોટ, તા. રર : રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા આજ તા.૨૨-ના રૂડા ટ્રાન્સપોર્ટ નગર, આણંદપર (નવાગામ)ના રેવન્યુ સર્વે નં.૨૦૭ પૈકીનાં ૧૧ ખુલ્લા પ્લોટોની જાહેર હરાજી રૂડા ટ્રાન્સપોર્ટ નગર કોમર્શીયલ કોમ્પલેક્ષ ખાતે સવારે ૯ કલાકથી યોજવામાં આવેલ. જેમાં બહોળી સંખ્યામાં ઉદ્યોગકારોએ અને રોકાણકારોએ ઉત્સાહભેર ભાગ લીધેલ. આ જાહેર હરાજીમાં ૧૧ ખુલ્લા પ્લોટની સામે ૩૭ જેટલા આસામીઓએ ભાગ લઈ આ પ્લોટની કુલ કિંમત ૪,૫૩,૬૦,૦૦૦/-ની સામે કુલ ૪,૯૮,૩૦,૦૦૦/- જેટલી ઊંચી કિંમતે ખરીદ કરેલ છે.

સમગ્ર હરાજી દરમિયાન રૂડાના મુખ્ય કારોબારી અધિકારી ચેતન ગણાત્રા તથા રૂડાના અધિકારીઓ તથા કર્મચારીઓની ટીમ સ્થળે હાજર રહેલ . હરાજી દરમિયાન કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના પીએસઆઈ નીરજ વાણીયા તથા તેમની ટીમે બંદોબસ્ત જાળવેલ હતો તથા રાજકોટ મહાનગર પાલિકાના આસિસ્ટન્ટ મેનેજર (એસ્ટેટ) ભરતભાઇ કાથરોટીયા અને તેમની ટીમ તરફથી સહયોગ આપવામાં આવેલ હતો.

આગામી સમયમાં રૂડા ટ્રાન્સપોર્ટ નગર ખાતે આવેલ કોમર્શીયલ કોમ્પલેક્ષમાં રૂડા હસ્તકની દુકાનો અને ઓફીસોની પણ જાહેર હરાજી કરવા આયોજન કરાશે.

(3:52 pm IST)