રાજકોટ
News of Wednesday, 22nd September 2021

શુક્રવારે મેટોડામાં રાજકોટના ૧૨૫ એકસપોર્ટરોની મહત્વની એકસપોર્ટ કોન્કલેવ : અમદાવાદમાં મુખ્ય કાર્યક્રમ

રાજકોટ સહીત રાજયના ૧ર જીલ્લામાં મેગાઇવેન્ટઃ કલેકટર તથા DGFTના અભિષેક શર્મા મુખ્ય મહેમાન : વાણીજય સપ્તાહની ઉજવણી અંતર્ગત કાર્યક્રમઃ ઓટો પાર્ટસ-રમકડા-પ્લાસ્ટીક-ટેક્ષટાઇલ્સ સહીતની એકસપોર્ટ આઇટમો જોવા મળશે

રાજકોટ, તા., રરઃ કેન્દ્ર સરકારના કોમર્સ ડીપાર્ટમેન્ટ સાથે સંકળાયેલા ડીજીએફટી વિભાગ દ્વારા હાલ રાજકોટમાં વાણીજય સપ્તાહની ઉજવણી થઇ રહી છે.

તે સપ્તાહ અંતર્ગત આગામી તા. ર૪મીએ રાજકોટમાં મેટોડા જીઆઇડીસી ખાતે રાજકોટ શહેર-જીલ્લાના ૧રપ થી વધુ એકસપોર્ટરો અને અન્ય ઉદ્યોગપતિઓની મહત્વની એકસપોર્ટ કોન્કલેવ સવારે ૧૧ વાગ્યાથી યોજાશે. રાજકોટ જેવો કાર્યક્રમ રાજકોટ ઉપરાંત રાજયના ૧૨ જીલ્લામાં મેગા ઇવેન્ટ રૂપે યોજાશે. જેમાં સૌરાષ્ટ્રમાં જામનગર, દેવભુમી દ્વારકા, મોરબીનો પણ સમાવેશ થાય છે. અમદાવાદ ખાતે મુખ્ય કાર્યક્રમ છે જેનું લાઇવ પ્રસારણ પણ થનાર છે.

અધિકારી સુત્રોના ઉમેર્યા પ્રમાણે રાજકોટમાં યોજાનાર આ કાર્યક્રમમાં કુલ ૧૨૫ એકસપોર્ટરો ભાગ લેશે. કાર્યક્રમમાં રાજકોટની અમુક મહત્વની પ્રોડકટ કે જેનું એકસપોર્ટ થાય છે. તેનું શો-કેલીંગ થશે. એકસપોર્ટર કેવી રીતે બની શકાય. સહીતના મુદ્દે સંવાદ યોજાશે. તેમજ એકસપોર્ટને લગતી મુખ્ય સમસ્યા-પ્રશ્નો બનાવાયેલ પેનલ સાંભળશે. આ કાર્યક્રમમાં ઇન્વેસ્ટીંગ કાસ્ટીંગ, ઓટો પાર્ટલ, પ્લાસ્ટીક, ટેક્ષટાઇલ્સ, રમકડાની આઇટમોનું થતુ પ્રદર્શન જોવા મળશે.

આ કાર્યક્રમમાં અધ્યક્ષપદે રાજકોટ કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુ, ડીજીએફટીના જોઇન્ટ ડાયરેકટર શ્રી અભિષેક શર્મા, તથા એકસપોર્ટ કમીટી સાથે સંકળાયેલ તમામ ડીપાર્ટમેન્ટના અધિકારીઓ ખાસ હાજરી આપશે. 

(3:16 pm IST)