રાજકોટ
News of Wednesday, 22nd September 2021

નવરાત્રીમાં બાલભવનના ભૂલકાઓ થીરકશે

ગાઇડ લાઇન પાલન સાથે વય ગ્રુપ પ્રમાણે એક એક દિવસીય રાસ ગરબાનું આયોજન

રાજકોટ તા. રરઃ દર વર્ષે બાલભવન રાજકોટ દ્વારા નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે. જયાં ફકત બાળકો ઓરકેસ્ટ્રાનાં તાલમાં, જગમગાટ રોશની તેમજ વિઝયુઅલ સ્ક્રીન ઇફેકટ અને માતાજીની આરાધના સાથે ઝુમી ઉઠે છે.

પરંતુ આ વર્ષે સરકારશ્રીની ગાઇડલાઇન મુજબ માત્ર ચારસો વ્યકિતની જ છૂટ મળેલ હોવાથી નવરાત્રીનું દર વર્ષ જેવું આયોજન અશકય છે. પરંતુ વારંવાર બાળકોનાં આગ્રહવશ બાળ ખેલૈયાઓ માટે નવરાત્રીનું આયોજન અનોખી રીતે કરવા તૈયારી શરૂ કરવામાં આવી છે.

નવરાત્રી મહોત્સવ તા. ૦૭-૧૦-ર૦ર૧ થી તા. ૧૧-૧૦-ર૦ર૧ સુધી રેકોર્ડેડ બાલભવનની સાઉન્ડ સિસ્ટમનાં તાલે રાસ-ગરબા નૃત્યનાં પડઘમ સાથે ઉજવાશે. જેમાં ગુરૂવારે ફકત પ થી ૧૦ વર્ષ (ગૃપ-એ)નાં બાલસભ્યો માટે જ કે જેની જન્મ તા. ૦૧-૧૦-ર૦૧૧ થી તા. ૩૧-૧૦-ર૦૧૬ વચ્ચે હોય. તા. ૮ ના શુક્રવારે ફકત બાલસભ્યો માટે જ જેમાં ૧૧ થી ૧૬ વર્ષ (ગૃપ-બી) નાં બાળકો કે જેની જન્મ તારીખ ૦૧-૧૦-ર૦૦પ થી તા. ૩૦-૯-ર૦૧૧ વચ્ચે હોય.

તા. ૯ના શનિવારે ફકત બહેનો માટે અને તેની સાથે સાથે (૧) આરતી શણગાર (ર) ડાંડિયા શણગાર (૩) ગરબા શણગારની સ્પર્ધા રહેશે. તા. ૧૦ના રવિવારે ઓપન રાજકોટ એટલે કે બાલસભ્યો સિવાય પણ પ થી ૧૦ વર્ષ (ગૃપ-એ) નાં બાળકો માટે કે જેની જન્મ તારીખ ૦૧-૧૦-ર૦૧૧ થી ૩૧-૧૦-ર૦૧૬ વચ્ચે હોય તે બાળકો ભાગ લઇ શકશે. જયારે તા. ૧૧ના સોમવારે ઓપન રાજકોટ એટલે કે બાલસભ્યો સિવાય પણ ૧૧ થી ૧૬ વર્ષ (ગૃપ-બી) નાં બાળકો માટે કે જેઓની ઝન્મ તારીખ ૦૧-૧૦-ર૦૦પ થી ૩૦-૯-ર૦૧૧ વચ્ચે હોય તેઓ ભાગ લઇ શકશે.

આ અનોખા એક દિવસીય નવરાત્રી મહોત્સવમાં ભાગ લેવા ઇચ્છતા બાળકો તથા બહેનોએ બાલભવન રાજકોટ કાર્યાલયે પોતાના નામ અને ફોન નંબર નોંધાવવાનાં રહેશે. તા. ૦૧-૧૦-ર૦ર૧ થી ફોર્મ આપવામાં આવશે. મર્યાદિત સંખ્યા લેવાની હોય માટે વહેલા તે પહેલાનાં ધોરણે એન્ટ્રી સ્વીકારવામાં આવશે. એન્ટ્રીના આધારે સમય સાંજે પ થી ૭-૩૦ અથવા સાંજે ૭-૩૦ થી ૧૦ સુધીનો રહેશે. જેની માહિતી નોટીસ બોર્ડ અને ફોન નંબર ર૪૪૯૩૦ પરથી મેળવી શકાશે. તેમ બાલ ભવનની એક યાદીમાં જણાવાયું છે. 

(3:14 pm IST)