રાજકોટ
News of Wednesday, 22nd September 2021

નાણાવટી ચોક પાસેથી ક્રાઇમ બ્રાંચે પીછો કરી કારમાંથી દારૂની ૧૮ બોટલ કબ્જે કરી

પોલીસને જોઇ ચાલક કાર રેઢી મુકી નાશી ગયો : શોધખોળ

રાજકોટ,તા. ૨૨: રૈયા રોડ નાણાવટી ચોક પાસેથી ક્રાઇમ બ્રાંચની ટીમ પીછો કરી કારને ઝડપી લઇ તેમાંથી દારૂની ૧૮ બોટલ કબ્જે કરી હતી.

મળતી વિગત મુજબ શાંતીનિકેતન પાર્ક રોડ પર વિદેશી દારૂ ભરેલી કાર નીકળવાની હોવાની ક્રાઇમ બ્રાંચના હેડ કોન્સ. સુભાષભાઇ ધોધારી તથા નિતેષભાઇ બારૈયાને બાતમી મળતા પીઆઇ વી.કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી.બી. જેબલીયા તથા હેડ કોન્સ. વિક્રમભાઇ ગમારા, સુભાષભાઇ તથા નિતેષભાઇ બારૈયા, સહિત વોચમાં હતા. ત્યારે શાંતિનિકેતન પાર્ક રોડ પરથી પસાર થતી જીજે૨૭-કે-૬૧૮૨ને રોકવા જતા ચાલકે પોલીસને જોઇ કાર ભગાવી હતી. પોલીસે તેનો પીછો કરી રૈયા રોડ નાણાવટી ચોક પાસેથી કાર પકડી પાડી હતી. તપાસ કરતા ચાલક કાર ચાલુ હાતલમાં રેઢી મુકી ભાગી ગયો હતો. કારની તલાશી લેતા તેમાંથી રૂ.૯૩૬૦ની કિંમતની દારૂની ૧૮ બોટલ કબ્જે કરી હેડ કોન્સ. ક્રિપાલસિંહ, અંશુમાનભા, પ્રતાપસિંહ, તથા દેવાભાઇ એ કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.

(3:12 pm IST)