રાજકોટ
News of Wednesday, 22nd September 2021

રાજસ્થાનથી ગઇકાલે જ રાજકોટ મિત્ર પાસે આવેલા પ્રકાશનું વિજકરંટ લાગવાથી મોત

રાજકોટ તા. ૨૨: માર્કેટ યાર્ડ નજીક ગમારા પેટ્રોલ પંપ પાસે રહેતાં અને ત્યાં જ મજૂરી કરતાં મુળ રાજસ્થાનના યુવાનને મળવા ગઇકાલે જ રાજસ્થાન બાડમેરથી આવેલા તેના મિત્રને વિજકરંટ લાગતાં મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

જાણવા મળ્યા મુજબ રાજસ્થાનના બાડમેરમાં રહેતો પ્રકાશ શંકરભાઇ રબારી (ઉ.વ.૧૭) ગઇકાલે તેના વતનથી રાજકોટ ગમારા પેટ્રોલ પંપ પાસે કામ કરતાં તેના મિત્ર રામારામ ચોૈધરીને મળવા આવ્યો હતો. અહિ મિત્ર કન્ટેનરનું વેલ્ડીંગ કામ કરતો હોઇ  પ્રકાશ તેની બાજુમાં ઉભો હતો ત્યારે પગ નીચે ઇલેકટ્રીક વાયર હોઇ તેમાંથી વિજકરંટ લાગી જતાં બેભાનથઇ જતાં મધુરમ્ હોસ્પિટલમાં અને ત્યાંથી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દીધો હતો.

તે ત્રણ ભાઇમાં મોટો હતો અને છુટક મજૂરી કરતો હતો. અહિ મિત્રને મળવા અને આટો મારવા આવ્યો હતો ત્યારે આ બનાવ બની ગયો હતો. હોસ્પિટલ ચોકીના એએસઆઇ આર. બી. ગીડાએ જાણ કરતાં થોરાળાના હેડકોન્સ. શૈલેષભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી. 

(3:12 pm IST)