રાજકોટ
News of Wednesday, 22nd September 2021

કુંવારી યુવતિને પેટમાં દુઃખાવો ઉપડ્યોઃ ઝનાના હોસ્પિટલમાં નિદાન થતાં સગર્ભા હોવાનું ખુલ્યું

ઓરિસ્સાથી ભાઇના ઘરે આવેલી યુવતિને વતનમાં બાજુના ગામના એક શખ્સ સાથે લવ હતોઃ તેણે દગો દીધાનું રટણઃ પોલીસને જાણ કરાઇ

રાજકોટ તા. ૨૨: શહેરના ઇન્દિરા સર્કલ નજીક રહેતાં અને મજૂરી કરતાં મુળ ઓરિસ્સાના યુવાનની ઘરે વતનથી આવેલી તેની ૧૮ વર્ષની બહેનને ગઇકાલે પેટમાં દુઃખાવો ઉપડતાં સિવિલ હોસ્પિટલના ઝનાના વિભાગમાં દાખલ કરવામાં આવતાં નિદાન થતાં તેના પેટમાં ગર્ભ હોવાનું ખુલતાં પોલીસ કેસ જાહેર કરવામાં આવ્યો હતો.

જાણવા મળ્યા મુજબ ગઇકાલે સાંજે એક અઢાર વર્ષની યુવતિને પેટમાં દુઃખાવો ઉપડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. તેને ગાયનેક પ્રોબ્લેમ જણાતાં ઝનાના વિભાગમાં દાખલ કરવામાં આવી હતી. અહિ નિદાન-તપાસ થતાં તેણીના પેટમાં આશરે છએક માસનો ગર્ભ હોવાનું માલુમ પડતાં યુવતિ કુંવારી હોઇ આ અંગે તબિબે એમએલસી કેસ જાહેર કરતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.

યુવતિના સગાના કહેવા મુજબ આ યુવતિને વતનમાં બાજુના કોઇ છોકરા સાથે લવ હતો. તેના થકી આ ગર્ભ રહ્યો હોવાની શકયતા છે. જો કે એ છોકરો ભાગી ગયો હોઇ જેથી એકાદ મહિના પહેલા યુવતિ તેના માતા સાથે રાજકોટ ભાઇ-ભાભીના ઘરે આવી હતી. 

(3:11 pm IST)