રાજકોટ
News of Wednesday, 22nd September 2021

કાલથી મનપાની ફરિયાદોનો OTPથી નિકાલ : હવે ગોલમાલને બ્રેક...

મ.ન.પા પ્રજાલક્ષી કામગીરી ડીજીટલ યુગમાં : પુષ્કર પટેલનાં સફળ પ્રયાસો : ફરિયાદીને એક SMS દ્વારા PIN નંબર મોકલવામાં આવશે આ પીન નં. ફરિયાદીને પોતાની ફરિયાદીનો નિકાલ થયા બાદ તંત્રને આપવાનો રહેશે : ટોલ ફ્રી નં. ૧૮૦૦-૧૨૩-૧૯૭૩નો પ્રારંભ

રાજકોટ તા. ૨૨: મ.ન.પા. દ્વારા હવેથી ફરીયાદ નિકાલ, જન્મ-મૃત્યુ નોંધ સર્ટી, વેરા બીલ, વેરો ભર્યાની રીસીપ્ટ વગેરે પ્રજાલક્ષી કામગીરીનું ડીજીટલાઇઝેશન કરવામાં આવનાર છે. આ ડીજીટલાઇઝેશનનાં ભાગરૂપે આવતીકાલે મનપાના કોલ સેન્ટરમાં નોંધાતી ફરીયાદનો નિકાલ અરજદારના ઓ. ટી. પી. થી જ થાય અને ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૧૨૩-૧૯૭૩નો પ્રારંભ  આવતી કાલે સવારે ૧૧:૩૦ કલાકે સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી હસ્તે કરવામાં આવશે.

સૌ પ્રથમ મ.ન.પા.ની ફરીયાદ નિકાલ માટેનાં કોલ સેન્ટરનો ફોન નંબર ટોલ ફ્રી કરીને જે કોઇ નાગરીક ફરીયાદ નોંધાવે તેની ફરીયાદનો નિકાલ થયા બાદ ફરીયાદ કરનાર નાગરીક તેના મોબાઇલ ફોનમાં જનરેટ થયેલ. ઓ. ટી. પી. કોલ સેન્ટરને મળ્યા બાદ જ ફરીયાદ નીકાલનો મેસેજ ફરીયાદનો મળે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેથી ફરીયાદ નિકાલ થઇ ગઇ છે. તેવા ખોટા મેસેજ ફરીયાદીને મોકલી નાગરીકોને મૂરખ બનાવી ન શકે.

આ અંગે સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન પુષ્કરભાઈ પટેલ વિગતો આપતા જણાવે છે કે, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણીનાં હસ્તે તા.૨૩ના રોજ સવારના ૧૧:૩૦ કલાકે સેન્ટ્રલ ઝોન ઓફીસ ખાતેથી રાજકોટ મહાનગરપાલિકાની પીન આધારિત ફરિયાદ નિવારણ સેવા તેમજ ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૧૨૩-૧૯૭૩નો શુભારંભ કરવામાં આવશે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષ ૨૦૦૮માં ૨૪ * ૭ કોલ સેન્ટરના નં. ૦૨૮૧-૨૪૫૦૦૭૭ પર મહાનગરપાલિકાની વિવિધ સેવાઓ અંગેની લોકોની ફરિયાદ નોંધણીની શરૂઆત કરવામાં આવી. સને ૨૦૧૦થી મહાનગરપાલિકાની વેબસાઈટ પર તેમજ સને ૨૦૧૬થી મહાનગરપાલિકાની મોબાઈલ એપ્લીકેશન પરથી પણ ફરિયાદ નોંધણી શરૂ કરવામાં આવી. હાલમાં બાંધકામ, વોટરવર્કસ, સો.વે.મે., રોશની, ડ્રેનેજ સહિતનાં ૩૦થી વધારે વિભાગોની અંદાજે ૧૦૦ કરતા વધુ પ્રકારની વાર્ષિક ૨ લાખ થી વધારે ફરિયાદો કોલ સેન્ટર પર નોંધી , સંબંધિત વિભાગોને આગળની કાર્યવાહી અર્થે મોકલવામાં આવે છે.

આધુનિક ટેકનોલોજી નાં ઉપયોગ વડે લોકોની ફરિયાદનુ નિરાકરણ ઝડપ થી અને વધારે સારી રીતે કરી શકાય તે માટે રાજકોટ મહાનગરપાલિકા સમય સાથે તાલ મિલાવવા કટિબદ્ઘ છે. આ પ્રયાસ નાં ભાગ રૂપે ટોલ-ફ્રી નંબર ૧૮૦૦-૧૨૩-૧૯૭૩ નો શુભારંભ કરવામાં આવી રહ્યો છે.

લોકોની ફરિયાદોનો સમયસર તેમજ સચોટ નિકાલ થાય તેમજ ખરેખર ફરિયાદ નિકાલ થયા અંગેની ખરા અર્થમાં જાણ લોકોને પણ મળે તે માટે પીન આધારીત ફરિયાદ નિવારણ પધ્ધતિનો શુભારંભ કરવામાં આવી રહયો છે. આ પદ્ઘતિમાં જયારે લોકો ની ફરિયાદનું મહાનગરપાલિકા દ્વારા નિવારણ કરવામાં આવશે ત્યારે ફરિયાદીને એક SMS દ્વારા PIN નંબર મોકલવામાં આવશે. આ પીન નંબર ફરિયાદીને પોતાની  ફરિયાદ નો નિકાલ થયા બાદ મહાનગરપાલિકાનાં કાર્મચારી/અધિકારીશ્રીને આપવાનો રહેશે જે પીન નંબર સંબધિત અધિકારી પોતાના મોબાઈલમાં દાખલ કરશે, ત્યારબાદ જ ફરિયાદ નો ખરા અર્થમાં નિકાલ થયો ગણાશે. આ સમગ્ર પ્રકિયા અમલમાં આવતા, લોકોનો રાજકોટ મહાનગરપાલિકા પરનો વિશ્વાસ વધારે સુદ્રઢ બનશે.

કોલ સેન્ટર પરની ફરિયાદોને નિકાલ કઇ રીતે થશે

*દરેક ફરિયાદ નાં ઉકેલ માટે સમય મર્યાદા નક્કી કરવામાં આવેલ છે.

*જો નિયતસમય મર્યાદામાં ફરિયાદ નો ઉકેલ ન કરવામાં આવે તો ફરિયાદ આપો આપ ઉપરના અધિકારી સુધી એસ્કેટ થશે.

* ફરિયાદ ની નોધની સમયે ફરિયાદીને તેની ફરિયાદ નોધાઈ ગયેલ છે તેની SMS દ્વારા જાણ કરવામાં આવશે.

* ફરિયાદ નાં નિવારણ થયે ફરિયાદીને તેની ફરિયાદ નું નિવારણ થયેલ છે તેની પણ SMS દ્વારા જાણકારી આપવામાં આવશે.

* ફરિયાદ નિકાલ ની ગુણવતા અંગે ફરિયાદી નું ફીડબેક લેવામાં આવશે તેમજ ફરિયાદી નાં ફીડબેક નું એનાલીસીસ કરવામાં આવશે.

*મહાનગરપાલિકા નાં કાર્મચારી/અધિકારીશ્રીઓ માટે એક આધુનિક મોબાઈલ એપ બનાવવામાં આવેલ છે જેનાં પરથી કાર્મચારી/અધિકારીશ્રીઓ પોતાના તાબા હેઠળ નાં વિસ્તાર માં નોધાતી દરેક ફરિયાદ નું મોનીટરીંગ તેમજ નિરાકરણ કરી શકશે.

(3:09 pm IST)