રાજકોટ
News of Tuesday, 22nd September 2020

ભૌતિક શાસ્ત્ર ભવનના સંશોધકો નિકેશ શાહ અને પ્રો.પિયુષ સોલંકીને નવા પ્રકલ્પ માટે રૂ. ૨૬ લાખનું અનુદાન

મલ્ટી ડિવાઈઝ સેન્સ સેના સંશોધનને રાષ્ટ્રીય વિજ્ઞાનીક ટીમ દ્વારા મંજૂરી

રાજકોટ, તા. ૨૨ : કોરોના મહામારીમાં વર્ક ટુ હોમ અને લોકડાઉનમાં સમયનો સદ્દઉપયોગ કરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર ભવનના સંશોધકો પ્રો. નિકેશ શાહ અને ડો.પિયુષ સોલંકીના મલ્ટી ડીવાઈઝ સેન્ટરો તૈયાર કરવાના સંશોધન પ્રકલ્પને ભારત સરકારની રાષ્ટ્રીય સંશોધન સંસ્થા ડીપાર્ટમેન્ટ ઓફ એટોમીક એનર્જી બોર્ડ ઓફ રીસર્ચ ઈન ન્યુકલીયર સાયન્સ મારફત રૂ.૨૬ લાખ ૪૫ હજારનું પ્રકલ્પ માટે અનુદાન પ્રાપ્ત થયેલ છે. દેશના ૧૫ જેટલા વૈજ્ઞાનિકોની ટીમ મારફત પ્રકલ્પમાં આપવામા ચકાસી ચર્ચા વિચારણા કરી મંજુરી પ્રાપ્ત કરી છે.

સંશોધન પ્રકલ્પ વિશે પ્રો. નિકેશ શાહ અને પ્રો. પિયુષ સોલંકીને જણાવેલ કે મંજૂર થયેલ પ્રકલ્પમાં રૂ. ૯ લાખના ખર્ચ હાઈ રેઝીસ્ટન્સ મીટર વસાવવામાં આવશે જે ૨૦,૦૦૦,૦૦૦,૦૦૦ જેટલો અવરોધ માપી શકે તેની સાથે આગામી ત્રણ વર્ષ માટે એક રીસર્ચ વિદ્યાર્થીની નિમણુંક કરવામાં આવશે. જે વિદ્યાર્થીને પ્રથમ બે વર્ષ દર મહિને રૂ. ૩૧ હજાર અને ત્રીજા વર્ષ રૂ.૩૫ હજાર પ્રતિ માસ સ્કોલરશીપ આપવામાં આવશે. નિમણુંક પામેલ વિદ્યાર્થીને દેશની ખ્યાતનામ ભાભા એટોમીક રીસર્ચ સેન્ટરની લેબોરેટરીમાં કાર્ય કરવાની તક મળશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૌતિક શાસ્ત્ર ભવનના સંશોધકો નિકેશ શાહ અને પ્રો. પિયુષ સોલંકીને કુલપતિ નીતિનભાઈ પેથાણી, ડીન મેહુલ રૂપાણી, ભવનના અધ્યક્ષ મીહીરભાઈ જોષી, હિરેનભાઈ જોષી, ગીરીશભાઈ ભીમાણી, ભાવિનભાઈ કોઠારી, કાર્યકારી કુલસચિવ રાજુભાઈ માંડવીયા, પ્રો. એચ.ઓ. જેઠવા, ધીરેન પંડ્યા સહિતનાએ અભિનંદન પાઠવ્યા છે.

(4:01 pm IST)