રાજકોટ
News of Tuesday, 22nd September 2020

રાજકોટ- સૌરાષ્ટ્રનાં નામાંકિત ડો.યોગેન્દ્રભાઈ માંકડના પત્નિ જહાનવીબેન કોરોના સામે જંગ હાર્યા

કોરોનાની સાથે ફાઈબ્રોસીસની તકલીફ થતાં તબીયત નાજુક બની ગઈ હતીઃ પ્લાઝમા પણ ડોનેટ કરાયા હતાઃ ડો.માંકડની તબીયત સારી

રાજકોટ,તા.૨૨:રાજકોટ સૌરાષ્ટ્રનાં નામાંકિત અને માનભર્યું સ્થાન ધરાવતા ડો.યોગેન્દ્રભાઈ માંકડ અને તેમના પત્નિ જહાનવીબેનને કોરોના પોઝીટીવ આવતા તબીબી જગત અને તેમનાં અનેક ચાહકો અને સગાઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. બંનેની તબીયત બગડતા વોકહાર્ટની કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ થયા હતા. જયાં જહાનવીબેન માંકડની તબીયત વધુ નાદુરસ્ત થતા તેમને પ્લાઝમાની જરૂરિયાત ઉભી થઇ હતી પણ અંતે જહાનવીબેન કોરોના સામેની લડાઇમાં હાર્યા હતા અને તેમણે વિદાય લીધી હતી.

જહાનવીબેન ખુબ કુટૂંબવત્સલ હતા. તેઓ કાયમ હસતો ચહેરો ધરાવતા. તેઓ મૂળ અમદાવાદના સનતભાઇ મહેતાના દીકરી હતા અને ડો. યોગેન્દ્રભાઇ માંકડ સાથે લગ્નબાદ વર્ષોથી રાજકોટમાં જ રહેતા. શમ્મી કપૂરની ફિલ્મો જોવાનો તેમને જબરો શોખ હતો. એટલુંજ નહીં તેઓને ચા પીવાની પણ ખુબ પસંદ હતી. નિયમીત રીતે ચાલવું તેઓને ખુબ ગમતું. પહેલા રેસકોર્ષ રીંગરોડ પર તેમનો બંગલો આવેલ હતો ત્યારબાદ તેઓ પંચવટી સોસાયટીમાં આવેલ કસ્તુરી પ્રાઇડ એપાર્ટમેન્ટમાં રહેતા.

છેલ્લા બે અઠવાડિયાથી જહાનવીબેન વોકહાર્ટની કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. અંગત વર્તુળોમાંથી એવી પણ માહિતી મળી હતી કે જહાનવીબેનને કોરોનાની સાથે ફાઈબ્રોસીસની તકલીફ થતાં હાલ તબીયત વધુ નાજુક બની હતી. તેઓને પ્લાઝમાંની જરૂરિયાત ઉભી થતા પ્લાઝમાં પણ ડોનેટ કરવામાં આવ્યા હતા. તેમના માટે ઓકસીજન લેવલમાં વધારા સાથે સારી રીકવરીની આશા હતી. તેમની દિકરી હેમલ કે જે અમેરિકા છે તેઓ બે દિવસ પહેલાજ રાજકોટ આવ્યા છે.

જયારે ખાનગી હોસ્પિટલોની શરૂઆત થઈ ત્યારે રાજકોટ શહેરનાં સરદારનગર મેઈનરોડ પર 'પાંડુરંગ  કિલનીક''નામે ડો.યોગેન્દ્રભાઈ માંકડે દર્દીઓની સારવાર શરૂ કરેલી. તેમનાં સચોટ નિદાન અને લાગણીશીલ સ્વભાવે અનેક દર્દીઓને સાજા કર્યા છે. રાજકોટ સૌરાષ્ટ્રનાં મોટાભાગનાં ફેમેલીમાં જનરલ પ્રેકટીસનર્સ તરીકે ડો.યોગેન્દ્ર માંકડનું નામ આજે પણ માનભેર લેવાય છે. અનેક ફેમેલીનાં ડોકટર તરીકે તેઓ આજે પણ સક્રિય રહ્યા છે. મેલેરિયા, ફાલ્સીફેરમ જેવા રોગોનું નિદાન રીપોર્ટ કરાવ્યા પહેલા આપી દેવાની આવડત, હાર્ટએટેકનાં દર્દીઓના શ્વાસ પરથી તેમની તકલીફ જાણવાની તેમની માસ્ટરીએ અનેક લોકોનાં જીવ બચાવ્યા છે. ડો. યોગેન્દ્રભાઇ માંકડને જહાનવીબેને છેલ્લે સુધી સાથ આપ્યો. જયારે ડો.યોગેન્દ્રભાઈ માંકડને પણ કોરોના થયો હતો જો કે તેમની તબીયત સારી છે. સૌરાષ્ટ્રનાં નામાંકિત ફિઝિશ્યન ડો.યોગેન્દ્રભાઈ માંકડના પત્નિ જહાનવીબેનના અવસાનના સમાચાર આવતા તેમનાં કુટુંબિજનો અને બહોળા ચાહક વર્ગમાં શોકનું મોજું ફેલાઈ ગયું હતું.

(4:00 pm IST)