રાજકોટ
News of Tuesday, 22nd September 2020

ખેડુતોની વહારે સરકાર, અતિવૃષ્ટિમાં નુકશાન બદલ સહાય પેકેજઃ ભંડેરી-ભારદ્વાજ-મિરાણી

રાજકોટ, તા., રરઃ ગુજરાત ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી અને પ્રદેશ ભાજપ અગ્રણી નીતીન ભારદ્વાજની સંયુકત યાદીમાં જણાવાયું છે કે ર૦ર૦ના ચોમાસામાં ગુજરાતના ખેડુતોને અતિવૃષ્ટિએ પરેશાન કર્યા છે. આ વર્ષે ગુજરાતના તાતને વધુ વરસાદ નુકશાન પહોંચાડી રહયો છે. ત્યારે રાજયની સંવેદનશીલ રૂપાણી સરકાર ખેડુતોની વ્હારે આવી છે. સરકારે રાજયના ખેડુતો માટે આ વર્ષે રૂ. ૩૭૦૦ કરોડના સહાય પેકેજની જાહેરાત કરી છે.

આ આર્થિક પેકેજથી રાજયના અંદાજે ર૭ લાખ ખેડુતોને સહાય મળશે. ૧૯ મી સપ્ટેમ્બર સુધીના સર્વે મુજબ રાજયની ૩૭ લાખ હેકટર જમીનને આવરી લેવામાં આવશે. જે ખેડુતોના પાકને ૩૩ ટકાથી વધુ નુકશાન થયું છે. તેવા જ ખેડુતોને રાજય સરકાર સહાય આપશે. ૩૩ ટકાથી નુકશાન થયું હશે તો પ્રતિ હેકટર રૂ. ૧૦,૦૦૦ ચુકવવામાં આવશે અને નાના સીમાંત ખેડુતોને ઓછામાં ઓછા રૂ.પ૦૦૦ ચુકવવા જણાવાયું છે. ૧ લી ઓકટોબરથી સહાય માટેની ઓનલાઇન અરજી કરી શકાશે.

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કીશોર રાઠોડની સંયુકત યાદીમાં જણાવાયું છે કે, રાજયના ખેડૂતો માટે આ વર્ષે રૂ. ૩૭૦૦ કરોડના સહાય પેકેજની જાહેરાતથી રાજયના અંદાજે ર૭ લાખ ખેડૂતોને સહાય મળશે.

૧લી ઓકટોબરથી સહાય માટેની ઓનલાઇન અરજી કરી શકાશે, અને પ્રક્રિયાને અંતે સહાયની રકમ સીધી ખેડૂતોના બેંક ખાતામાં ઓનલાઇન જમા થશે. ત્યારે જગતના તાતની વિપદામાં સંવેદનશીલતા દાખવતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનાં નિર્ણયને શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે આવકારી અભિનંદન પાઠવેલ હતાં.

(3:58 pm IST)