રાજકોટ
News of Tuesday, 22nd September 2020

ઉંમર ૧૫...ચોરીના ગુના ૦૯...ખુલ્લું ઘર જોતાં જ ઘુસી જઇ હાથફેરો કરી લેતોઃ ક્રાઇમ બ્રાંચે પકડ્યો

શહેરની ૮ અને ડીસાની ૩ાા લાખની ચોરી કબુલીઃ રૂ. ૩.૯૫ લાખનો મુદ્દામાલ કબ્જેઃ ચોરી કરી મિત્રોને મોજશોખ કરાવવાની આદતઃ ચોરી કરવાની ચપળતા ભલભલાને વિચારતા કરી મુકે તેવી : હેડકોન્સ. પ્રતાપસિંહ ઝાલા, એભલભાઇ બરાલીયા અને હરદેવસિંહ જાડેજાની બાતમી

રાજકોટ, તા. ,રર :  ખુલ્લુ ઘર જોતાં જ પળવારમાં ઘુસી જઇ ખુબ ચપળતાથી ચોરી કરી ભાગી જતો ૧૫ વર્ષની વય ધરાવતો કાયદાના સંઘર્ષમાં આવેલો એક તસ્કર પકડી લેવામાં ક્રાઇમ બ્રાંચને સફળતા મળી છે. આ ટેણીયો પકડાઇ જતાં લાખોની ૦૯ ચોરીના ભેદ ખુલ્યા છે. જેમાં રાજકોટની આઠ અને ડીસાની એક ચોરી સામેલ છે.  મિત્રોને ચોરીના પૈસાથી મોજશોખ કરાવવાની ટેવ ધરાવતાં આ ટાબરીયા પાસેથી રૂ. ૩.૯૫ લાખની માલમત્તા કબ્જે કરવામાં આવી છે.  પી.ડી. માલવીયા કોલેજ પાછળથી આ સગીરને પકડી લેવાયો હતો.

મળતી વિગત મુજબ શહેરમાં ઘરફોડ ચોરીના ગુનામાં અગાઉ પકડાયેલો સગીર ગોંડલ રોડ પી.ડી. માલવીયા કોલેજ પાછળ ચોરીનો મુદ્દામાલ સગેવગે કરવાની નીકળ્યો હોવાની ક્રાઇમ બ્રાંચના હેડ કોન્સ પ્રતાપસિંહ ઝાલા, કોન્સ. એભલભાઇ બીરાલીયા, હરદેવસિંહ જાડેજાને બાતમી મળતા પી.આઇ. વી.કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ તથા એસઓજીના પી.આઇ. આર.વાય. રાવલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એમ.વી. રબારી તથા એએસઆઇ જયુભા પરમાર, હેડ કોન્સ. પ્રતાપસિંહ ઝાલા, જે.પી. મેવાડ, હરદેવસિંહ જાડેજા, કોન્સ. એભલભાઇ બરાલીયા, સોકતભાઇ ખોરમ તથા મહિલા કોન્સ. તોરલબેન જોષી સહિતે  એક સગીરને શંકાના આધારે રોકી તલાશી લેતા તેની પાસેથી સોનાની બે વીટીં અને રોકડ રકમ મળી આવતા પોલીસે તેની પુછપરછ કરતા રોકડ સહિતની મતા ચોરી કર્યાની કબુલાત  આપતા પોલીસે તેને પકડી રૂ. ૩પ હજારની કિંમતની સોનાની બે વીંટી તથા રૂ. ૩,૬૦,૦૦૦ રોકડ મળી રૂ. ૩,૯પ,૦૦૦ની માલમતા કબ્જે કરી હતી.

પુછપરછમાં સગીર દિવસ દરમ્યાન મકાનનો દરવાજો ખુલ્લો હોય તે મકાનની રેકી કરી મકાન માલીક આડા અવળા જાય ત્યારે મોકો જોઇને બીલ્લી પગે મકાનમાં પ્રવેશ કરી બેડરૂમ સુધી પહોંચી જતો અને કબાટમાંથી રોકડ અથવા દાગીના જે મળે તે ચોરી કરી નાસી જતો હતો.
 તેણે ભકિતનગર, માલવીયા અને બનાસકાંઠાના ડીસામાં ચોરી કર્યાની કબુલાત આપી હતી. ઉપરાંત દસ મહિના પહેલા ગોંડલ રોડ, એક વર્ષ પહેલા હરી ધવા મેઇન રોડ પર સંસ્કાર ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં ગણેશ કલીન કાસ્ટ નામના કારખાનામાં, પીરવાડી પાસે આત્મીય ડમ્પર નામના ડેલામાંથી કોપરની, ગોંડલ રોડ રામનગરમાં મકાનમાંથી અને લોધેશ્વર સોસાયટીમાં આવેલી ગોકુલ પ્રોવીઝન નામની દુકાનમાંથી કટકે કટકે રોકડ રકમની ચોરી કર્યાની કબુલાત આપી હતી. આ અંગે પોલીસે તેની સામે કાર્યવાહી કરી રૂ. ૩,૯પ,૦૦૦નો મુદામાલ કબ્જે કર્યો હતો.

(3:57 pm IST)