રાજકોટ
News of Tuesday, 22nd September 2020

જયુબેલી માર્કેટ-પરાબજારમાં માસ્ક વગર ફરતા ૫૮ વ્યકિતઓને દંડ ફટકારાયો

ઘરની બહાર નિકળો ત્યારે મોઢુ અને નાક ઢંકાઇ રહે તે પ્રકારે માસ્ક પહેરવું ફરજીયાત : નિયમ નહીં પાડો તો ૧,૦૦૦નો દંડ : ઉદિત અગ્રવાલ

રાજકોટ,તા. ૨૨: સરકારશ્રી દ્વારા કેટલીક શરતો સાથે લોકોને પોતાનો વ્યવસાય ચાલુ કરવા છૂટ આપવામાં આવેલ છે, લોકોએ સામાજિક અંતર રાખવું, માસ્ક પહેરવું જેવા નિયમોનું પાલન કરવું આવશ્યક છે. શહેરમાં સોશિયલ ડિસ્ટન્સનો અને ફરજીયાત માસ્ક અંગેના ભંગ કરતા ધંધાર્થીઓ અને લોકો સામે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કડક અને દંડ વસુલ કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે, મહાનગરપાલિકા દ્વારા માસ્ક વિના જાહેરમાં ફરતા લોકો સામે પણ દંડ વસુલ કરવાની કામગીરી કરવામાં આવે છે. દરમ્યાન આજે ૨૨-૦૯-૨૦૨૦ ના રોજ જયુબેલી શાક માર્કેટ અને પરા બજાર ખાતે માસ્ક નહી પહેરતા લોકો સામે ડ્રાઈવ કરવામાં આવી હતી, જે અંતર્ગત માસ્ક નહી પહેરનારા ૫૮ લોકો પાસેથી ૫૮,૦૦૦/- નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો, તેમ મ્યુનિ, કમિશનરશ્રી ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

વહેલી સવારે શાક માર્કેટ ખાતે માસ્ક પહેર્યા વગર અવર જવર કરાતા ધંધાર્થીઓ અને આસામીઓ પાસેથી ફરજીયાત માસ્ક પહેરવાના જાહેરનામાંનો ભંગ કરવા બદલ દંડ વસુલાત કરવાની કામગીરી કરવામાં આવી હતી. લોકો ઘરની બહાર નીકળે ત્યારે ફરજીયાત મ્હો અને નાક ઢંકાઈ તેનું ધ્યાન રાખે તેમ પણ મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

(3:55 pm IST)