રાજકોટ
News of Tuesday, 22nd September 2020

બેંક-ફાયનાન્સ પેઢીની તિજોરીઓ કાપી લાખ્ખો ઉસેડવાનો પ્રયાસઃ ક્રાઇમ બ્રાંચે ૪ને દબોચ્યા

૮મીએ સોરઠીયાવાડીની બેંક ઓફ ઇન્ડિયામાં અને ૧૨મીએ મવડી ચોકડીના મન્નપુરમ ફાયનાન્સમાં ત્રાટકયા'તાઃ ગ્રાઇન્ડર મશીનથી તિજોરીઓ કાપવાનો પ્રયાસ કર્યો પણ સફળતા ન મળીઃ ગત રાતે ફિલ્ડ માર્શલમાં ત્રાટકે એ પહેલા ઝપટમાં આવી ગયા : ચાપડી ઉંધીયાના ધંધાર્થી રવિ ચોૈહાણને એક લગ્ન તૂટી ગયા બાદ બીજા લગ્ન કરવા માટે રૂપિયાની જરૂર હોઇ ચાના થડાવાળા અનિલ તાવીયા અને વિશાલ ધલવાણીયા સાથે મળી ગેંગ રચીઃ સાથે રાહુલ તાવીયા પણ જોડાયોઃ આ ચારેય પકડાયાઃ અન્ય બે દિપક સરવૈયા અને સાહીલ લોહીયાની શોધખોળ : પીએસઆઇ પી.એમ. ધાખડાની ટીમના કુલદીપસિંહ જાડેજા, નગીનભાઇ ડાંગર અને અમિતભાઇ અગ્રવાલની બાતમી પરથી એસીપી ક્રાઇમ ડી.વી. બસીયા, પીઆઇ વી. કે. ગઢવી, પીઆઇ આર.વાય. રાવલની રાહબરીમાં કામગીરી : ચાપડી ઉંધીયુ અને ચાવાળાઓએ મળી પ્લાન મોટો ઘડ્યો પણ મહેનત માથે પડી

ચોરને નિષ્ફળતા, ક્રાઇમ બ્રાંચને સફળતાઃ એસીપી ક્રાઇમ ડી.વી. બસીયા, પીઆઇ આર.વાય. રાવલ, પીએસઆઇ પી.એમ. ધાખડા સહિતની ટીમ તથા ઝડપાયેલા ચારેય શખ્સો રવિ, અનિલ, વિજય અને રાહુલ તથા કબ્જે થયેલુ ગ્રાઇન્ડર, તોડવાનો પ્રયાસ થયો હતો તે તિજોરીઓ અને કબ્જે થયેલા વાહનો જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૨: છેલ્લા એક પખવાડીયામાં સોરઠીયાવાડી સર્કલ પાસે આવેલી બેંક ઓફ ઇન્ડિયાની તિજોરી અને મવડી ચોકડીએ આવેલી મન્નપુરમ ફાયનાન્સ પેઢીની તિજોરીઓ ગ્રાઇન્ડર મશીનથી કાપી ચોરી કરવાનો પ્રયાસ થયાની બે ઘટના બની હતી. આ બંનેનો ભેદ ક્રાઇમ બ્રાંચે ઉકેલી સુત્રધાર ચાપડી-ઉંધીયાના ધંધાર્થી સહિત ચારને દબોચી લીધા છે અને બીજા બે સાગ્રીતના નામ ખુલતાં તેની શોધખોળ હાથ ધરી છે. જો બેંક કે ફાયનાન્સ પેઢીની તિજોરીઓ કપાઇ ગઇ હોત તો આ ટોળકીને કરોડોનો દલ્લો મળ્યો હોત. આ બે સ્થળે નિષ્ફળ પ્રયાસ બાદ ટોળકી ગત રાતે જાણીતી ફિલ્ડ માર્શલ પેઢીમાં ત્રાટકવાનો પ્લાન બનાવ્યો હતો. પરંતુ એ પહેલા જ તેને દબોચી લેવાયા હતાં.

ક્રાઇમ બ્રાંચની ટીમે રવિ કોૈશિકભાઇ ચોૈહાણ (રજપૂત) (ઉ.વ.૨૭-રહે. ૮૦ ફુટ રોડ સત્યમ્ પાર્ક મેઇન રોડ બ્લોક નં. ૨૦૧ તથા ઘનશ્યામનગર), અનિલ જયંતિભાઇ તાવીયા (કોળી) (..વ.૨૦-રહે. મોઢુકા તા. જસદણ), વિશાલ કાબાભાઇ ધલવાણીયા (કોળી) (ઉ.વ.૨૧-રહે. નવી પીપળી રામજી મંદિર પાસે મુળ ઓરી તા. વિંછીયા) અને રાહુલ રમેશભાઇ તાવીયા (પરમાર) (કોળી) (ઉ.વ.૧૯-રહે. મોઢુકા તા. જસદણ)ને ગત રાતે ૮૦ ફુટ રોડ પર આંબલીયા એગ્સથી આગળ ખુલ્લા પટમાંથી એકટીવા અને બાઇક સાથે પકડી લીધા હતાં. આ ચારેય પાસે ગ્રાઇન્ડર મશીન, લોખંડની કોશ, લોખંડની છીણીઓ મળી આવતાં આ અંગે વિશેષ પુછતાછ કરતાં ગલ્લા તલ્લા કર્યા બાદ પોતે ફિલ્ડ માર્શલમાં ચોરી કરવા જવાનો પ્લાન ઘડી રહ્યાની કબુલાત આપી હતી.

અગાઉ બેંક અને ફાયનાન્સ પેઢીમાં ચોરીનો પ્રયાસ થયો હોઇ તેમાં પણ આ ટોળકી સામેલ હોવાની પાક્કી બાતમી ડીસીબીના કુલદીપસિંહ જાડેજા, નગીનભાઇ ડાંગર અને અમિતભાઇ અગ્રાવતને મળી હોઇ વિશીષ્ટ ઢબે પુછતાછ થતાં કબુલાત આપી હતી. ગત તા. ૮/૯/૨૦ના રોજ રવિ, વિશાલ અને દિપકે મળી સોરઠીયા વાડી સર્કલ પાની બેંક ઓફ ઇન્ડિયામાં બાથરૂમની સિમેન્ટની બારી તોડી અંદર પ્રવેશી સીસીટીવીના કેબલ કાપી બે લોખંડની પેટીઓ અને તિજોરીને ગ્રાઇન્ડરથી કાપવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તિજોરી ન કપાતાં લાંબી મહેનત બાદ બહાર નીકળી ગયા હતાં.

આ પછી તા. ૧૨/૯/૨૦ની રાતે રવિ, અનિલ, રાહુલ અને સાહિલ લોહીયા મવડી ચોકડીએ ઇન્દ્રપ્રસ્થ બિલ્ડીંગમાં મન્નપુરમ (મણીપુરમ) ફાયનાન્સ લિ. નામની પેઢીમાં વંડી ટપી દરવાજાની જાળીના નકુચા તોડી અંદર ઘુસ્યા હતાં અને સાયરનના તથા સીસીટીવીના કેબલ કાપી ડીવીઆર તોડી અંદર જઇ તિજોરીઓ કાપવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ અહિ પણ સફળતા મળી નહોતી. જો તિજોરી કપાઇ ગઇ હોત તો ખુબ મોટો દલ્લો હાથ લાગી ગયો હોત.

બબ્બે વખત તિજોરીઓ કાપવામાં નિષ્ફળતા મળી છતાં આ ટોળકી હિમ્મત હારી નહોતી અને ગત રાતે ફરીથી ત્રાટકવા પ્લાનમાં હતી ત્યાં જ ક્રાઇમ બ્રાંચની ટીમ ત્રાટકી હતી અને ચારેયને દબોચી લીધા હતાં. બીજા બે સાગ્રીતો દિપક બુધાભાઇ સરવૈયા (કોળી) (રહે. ઓરી તા. વિછીયા) અને સાહિલ રહિમભાઇ ઉર્ફ રમેશભાઇ લોહીયા (રહે. મોઢુકા જસદણ)ને પકડાવાના બાકી છે. પકડાયેલા ચારમાં વિશાલ અગાઉ દારૂના ગુનામાં મોરબી પોલીસના હાથે પકડાયો હતો.

ગેંગની રચના કઇ રીતે થઇ?

સુત્રધાર રવિ ચોૈહાણ સવા વર્ષ પહેલા ૮૦ ફુટ રોડ શેઠ હાઇસ્કૂલ પાસે આશાપુરા ચાપડી ઉંધીયુ નામે ધંધો કરતો હતો. તેની સામેના ભાગે મોમાઇ ટ્રાવેલ્સ પાસે અનિલ અને વિશાલ ચાનો થડો ધરાવતાં હોઇ ત્રણેય એકબીજાને ઓળખતા હતાં. બાકીના ત્રણેય વિશાલ અને રાહુલના સંપર્કમાં હતાં. રવિનો ચાપડી ઉંધીયાનો ધંધો લોકડાઉનમાં બંધ થઇ ગયો હતો. તે હાલમાં કુરીયરમાં કામે ચડ્યો હતો. તેના પ્રથમ લગ્ન તૂટી ગયા હોઇ બીજા લગ્ન કરવા માટે સાદી ડોટકોમ નામની સાઇટમાંથી મધ્યપ્રદેશની છોકરી પસંદ કરી હોઇ તેના માટે રૂપિયાની જરૂર હોઇ સામે અનિલે પ્રેમ લગ્ન કર્યા હોઇ તેને પણ પૈસાની જરૂર હોઇ અને બીજા બધાને મોજશોખ માટે રૂપિયા જોઇતા હોઇ બધાએ પખવાડીયા પહેલા ભેગા મળી ચોરીઓ કરવાનો પ્લાન ઘડ્યો હતો. જો કે આવું કરવા જતાં આ બધા ગુનેગારના લિસ્ટમાં આવી ગયા છે.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની રાહબરીમાં પીઆઇ વી. કે. ગઢવી અને પીઆઇ આર.વાય. રાવલના માર્ગદર્શનમાં પીએસઆઇ પી.એમ. ધાખડા, હેડકોન્સ. અમિતભાઇ અગ્રાવત, વિરેન્દ્રસિંહ ઝાલા, કોન્સ. નગીનભાઇ ડાંગર, કુલદીપસિંહ જાડેજા, સંજયભાઇ રૂપાપરા અને પ્રદિપસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી.

બધાએ ભેગા મળી પવનચક્કીના વ્હીલ ચોરવાની વાત મુકી પણ...

રવિએ 'કરવું તો મોટુ કામ કરવું'...કહેતાં બેંક-ફાયનાન્સ પેઢી તોડવાનું નક્કી કર્યુ

. રવિ તથા બીજા સાગ્રીતો અલિન, વિશાલ, રાહુલ, દિપક અને સાહિલ ભેગા થયા ત્યારે પહેલા તો બીજા બધાએ રવિને જુદા-જુદા ગામોમાં પવનચક્કીઓ હોઇ તેના વ્હીલ ચોરી રોકડી કરી લેવાની સલાહ આપી હતી. પરંતુ રવિએ-જો કરવું જ હોય તો ખુબ મોટુ કામા કરવું જોઇએ જેથી એક જ ઘાએ બધુ પતી જાય...તેમ કહી બેંક કે મોટી ફાયનાન્સ પેઢીમાં ત્રાટકી તિજોરીઓ કાપી લાખો-કરોડોનો દલ્લો ઉસેડી લેવાનો પ્લાન ઘડ્યો હતો. જેમાં બધા સહમત થયા હતાં અને પ્રથમ પ્રયાસમાં બેંકમાં તથા બીજા પ્રયાસમાં ફાયનાન્સની ઓફિસમાં ત્રાટકયા હતાં. પરંતુ સફળતા મળી નહોતી. ત્રીજો પ્રયાસ પણ મોટી ફેકટરીમાં ત્રાટકવનો હતો. પરંતુ એ પહેલા ચાર પકડાઇ ગયા હતાં.

બેંક-પેઢીમાં ઘુસતાની સાથે જ સીસીટીવી અને સાયરનના કેબલ કાપી નાંખ્યા હતાં

. બેંક અને મોટી પેઢીમાં ત્રાટકવું હોય તો સોૈ પહેલા તેની સિકયુરીટી ચેક કરવી પડે. આ ટોળકીએ પણ રેકી કરીને બધુ તપાસી લીધુ હતું. આથી બેંકમાં ત્રાટકયા એ સાથે જ સીસીટીવી કેમેરાના કેબલો કાપી નાંખ્યા હતાં. બાદમાં લોખંડની બે પેટીઓ અને તિજોરી કાપવાનો પ્રયાસ કર્યો હતો. એ જ રીતે ફાયનાન્સ પેઢીમાં ઘુસતાની સાથે જ સ્કિયુરીટી માટેના સાયરન અને સીસીટીવીના કેબલ કાપી નાંખી ડીવીઆરના વાયર તોડી નાંખ્યા હતાં.

મસમોટી તિજોરીઓ કાપવા ગ્રાઇન્ડર મશીન, લોખંડની કોશ, છીણી સાથે લઇ ગયા'તા

. ટોળકી ગત આઠમીએ બેંક ઓફ ઇન્ડિયામાં ત્રાટકી હતી ત્યારે ત્યાંની તિજોરી કાપવા પ્રયાસ કર્યો હતો. એ પછી બારમીએ મન્નપુરમ ફાયનાન્સ પેઢીમાં ત્રાટકી ત્યાં પણ ઇલેકટ્રીક ગ્રાઇન્ડર મશીન, કોશ અને છીણીથી તિજોરી કાપવા પ્રયાસ કર્યો હતો. પરંતુ આ બંને પ્રયાસમાં નિષ્ફળતા મળી હતી. જો તિજોરીઓ કપાઇ ગઇ હોત તો લાખો-કરોડોની રોકડ, સોનુ સહિતની મત્તા હાથ આવી ગઇ હોત.

કઇ રીતે અંદર પ્રવેશવું-કયાં શું છે? તે સહિતની રેકી કરી લીધી હતી

. રવિ ચોૈહાણ અને સાગ્રીતોએ બેંક અને ફાયનાન્સ પેઢીને નિશાન બનાવી તેમાં ત્રાટકતા પહેલા રેકી કરી લીધી હતી. બેંકમાં કયાં કેમેરા છે? તેના કેબલ કયાં છે? સાયરન છે કે કેમ? તે સહિતની માહિતી રેકી કરીને મેળવી લીધી હતી. તેમજ ફાયનાન્સ પેઢીમાં રવિએ મિત્ર સાથે લોનનના કામ માટે જઇ અંદરની ભોૈગોલિક પરિસ્થિતિથી વાકેફ થઇ જઇ તમામ તૈયારી કરીને સાગ્રીતો સાથે એન્ટ્રી કરી હતી. પરંતુ તિજોરીઓ કાપવામાં સફળતા મળી નહોતી.

(3:21 pm IST)