રાજકોટ
News of Tuesday, 22nd September 2020

લોકોની સુરક્ષા માટે સતત કાર્યરત ૬ SRP જવાન થયા કોરોનામુકત

જવાનોએ કહ્યું-ઘરથી દૂર અકે ઘર એટલે સમરસ કોવિડ સેન્ટર : પ્રાણાયામ, યોગ અમારા માટે પોઝિટિવીટીનો ડેઇલી ડોઝ બન્યાઃ સતિષસિંહ સોલંકી : સવાર-સાંજ ઉકાળા, ગરમ પાણી, લીંબુ સરબત, હળદરવાળુ દૂધ અમારી દિનચર્યાનો અભિન્ન હિસ્સોઃ રમેશભાઇ વસાવા

રાજકોટ : કોરોનાના સામેના જંગમાં વિવિધ વિભાગો દ્વારા અનેક મોરચે લડત અપાઈ રહી છે. નાગરિકોના આરોગ્ય સુખાકારી માટે તેમની સુરક્ષામાં તૈનાત આરોગ્ય કર્મીઓની સાથે પોલીસ વિભાગના અધિકારી - કર્મચારીઓ પણ ફ્રન્ટલાઈન કોરોના વોરીયર્સ બની તેમની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી રહયાં છે. આવા અનેક ફ્રન્ટલાઈન કોરોના વોરીયર્સ પોતે કોરોના વાયરસના સંક્રમણનો ભોગ બની કોરોનાને હરાવી પૂનૅં પોતાની ફરજ પર કાર્યરત બન્યા છે,જે પૈકી વડોદરાથી ૩ મહિના માટે રાજકોટ ખાતે બંદોબસ્ત માટે આવેલા ૬ કોન્સ્ટેબલ કોરોનાના સામેની જંગમાં જીતી ચૂકયા છે. સમરસ કોવિડ કેર સેન્ટર ખાતે સારવારબાદ હવે આ તમામ પોલીસ જવાનો પોતાના વતન વડોદરા પરત ફર્યા છે.

આ પોલીસ કર્મીઓ પૈકીના એક એવા કોન્સ્ટેબલ સતિષસિંહ સોલંકી પોતાનાં અનુભવો વર્ણવતાં જણાવે છે કે,'સૌપ્રથમ મેં ૧૧ તારીખે રિપોર્ટ કરાવ્યો હતો,ત્યારે તે નેગેટિવ આવ્યો હતો. ત્યારબાદ ફરી ૧૪ તારીખે રિપોર્ટ કરાવતાં મને કોરોના પોઝિટિવ આવ્યો. ઘરથી દૂર અહીં ફરજ પર અને એમાં કોરોના થયો હવે શુ કરવું?પરંતુ બધાં નકારાત્મક વિચારોને એક જ ક્ષણમાં ખંખેરી હું સમરસ કોવિડ કેર સેન્ટર ખાતે દાખલ થઈ ગયો. ત્યાં ગયા પછી લાગ્યું કે,હું જાણે મારા ઘરે જ પહોંચી ગયો છું. આરોગ્યકર્મીઓ દ્વારા પૂરતી સારસંભાળ અને યોગ્ય સારવાર-દવાઓ સાથે નિત્ય સવારે યોગ,પ્રાણાયામ,કસરત તેમજ પોઝિટિવ વિચારો મારા માટેટોનિક સાબિત થયા હતા. જેના પરિણામે આજે હું એકદમ સ્વસ્થ થઈ વડોદરા મારા પરિવાર પાસે પહોંચી ગયો છું.'

કોરોનામુકત બનેલાં કોન્સ્ટેબલ રમેશભાઈ વસાવાએ કહ્યું હતું કે, 'અમારી દોડાદોડીવાળી નોકરીમાં કોઈ દિવસ અમે પગ વાળીને બેઠાં ન હોઈએ,ત્યારે કોરોના થતાં ૧૦ દિવસ સંપૂર્ણ આરામ કરવાનો વારો આવ્યો. સમરસ કોવિડ કેર સેન્ટર ખાતે ૧૦ દિવસ સારવાર દરમિયાન સવાર સાંજ ઉકાળા,ગરમ પાણી,લીંબુ શરબત અને હળદરવાળું દૂધ તો હવે જાણે અમારી દિનચર્યાનો અભિન્ન હિસ્સો બની ગયા છે.'

આ સાથે જ એસ.આર.પી. ના અન્ય ૪ જવાનો શીંગાજીભાઈ ખરાડી,ફતેહસિંહ રાઠવા,રણછોડભાઈ ચૌધરી તેમજ હિરેનભાઈ ગામીત પણ સમરસમાં અપાયેલ સારવારના કારણે કોરોનાને મ્હાત આપી ઘરે પહોંચ્યા છે.

(3:20 pm IST)