રાજકોટ
News of Tuesday, 22nd September 2020

સિવિલના ડોકટરને બદનામ ન કરો...મારા શ્વાસ સિવિલના ડોકટરને આભારી : ઉર્મિલાબેન પંડ્યા

બી.પી., સુગર અને ઓકિસજનનું લેવલ માત્ર ૪૮: છતાં કોરોનાને હરાવી ઘરે પહોંચેલા દર્દીનો દર્દભર્યો અનુરોધઃ એમની સેવાની કદર ન કરો તો કંઇ નહિ, પણ બદનામ તો ન જ કરો

રાજકોટ તા. ૨૨ : હાઇ બ્લડ પ્રેશર,ડાયાબિટીસ અને ઓકિસજન લેવલ માત્ર ૪૮,તેમ છતાં આજે જો કોરોના મહામારીમાંથી હું સાજી થઇ શકી હોઉં તો એનો બધો જશ સિવિલ હોસ્પિટલના ડોકટર્સને આભારી છે. તેમની સારવાર અને અગમચેતીથી જ મારા શ્વાસો પૂર્વવત થઇ શકયા છે,એમ ઉર્મિલાબેન પંકજભાઇ પંડયાએ જણાવ્યું હતું.

૧૬ સપ્ટેમ્બરે તાવ-શરદી-ઉધરસના સામાન્ય લક્ષણો ધરાવતા ઉર્મિલાબેનને પહેલાં સમરસ હોસ્ટેલ ખાતે હોમ કવોરન્ટાઇન કરાયા,પરંતુ બીજે દિવસે તેમનું ઓકિસજન લેવલ ઘટીને ૪૮ જ થઇ ગયું આથી તાત્કાલિક તેમને સિવિલ હોસ્પિટલના કોરોના વિભગમાં ૧૧ નંબરના વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા. સિવિલ હોસ્પિટલના ડોકટર્સની અગમચેતીથી ઉર્મિલાબેનને સત્વરે ઓકિસજન આપવાનો શરૂ કરાયો,જેને લીધે તેમનું સ્વાસ્થ્ય જલ્દીથી સામાન્ય થવા લાગ્યું.

હાઇ રીસ્ક કોરોના પેશન્ટ એવા ઉર્મિલાબેન સરકારી સારવારથી સાજા થઇ ગયા,એ બદલ તેમણે સિવિલ હોસ્પિટલના ડોકટર્સનો ખરા અંતઃકરણપૂર્વક આભાર માનતાં કહયું હતું કે,અહીંના ડોકટર્સ જીવતા-જાગતા ભગવાન જેવા છે. તેઓએ દર્દીભર્યો અનુરોધ કરતા ઉમેર્યું હતું કે આપણે તેમનો ઋણસ્વીકાર કે સેવાની કદર ન કરીએ તો ચાલશે,પરંતુ અહીંના ડોકટર્સને બદનામ તો ન જ કરવા જોઇએ. ઉર્મિલાબેને સમરસ હોસ્ટેલ અને સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં મળતી સરકારી સવલતો પ્રત્યે સંપૂર્ણ સંતોષ વ્યકત કર્યો હતો,અને કોરોનાની સારવાર માટે સરકારી હોસ્પિટલનો જ આગ્રહ રાખવા નાગરિકોને અનુરોધ કર્યો હતો.

(3:19 pm IST)