રાજકોટ
News of Tuesday, 22nd September 2020

પૂજનીય આચાર્યો અને સંત- સતીજીઓએ પૂ. નમ્રમુની મા. સા.ને શુભેચ્છા ભાવ અર્પણ કર્યા

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવના ૫૦માં જન્મોત્સવ નિમિત્તે : ગચ્છાધિપતિ આચાર્યદેવ પૂજય શ્રી અભયદેવસૂરીશ્વરજી મા.સા., અચલગચ્છાધિપતિ સાહિત્યદિવકર આચાર્ય પૂજય શ્રી કલાપ્રભસાગરસૂરીશ્વરજી મ. સા, ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત, પૂજય શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મ. સા, આચાર્ય ભગવંત પૂજય રત્નસુંદરસૂરીશ્વરજી મ. સા, શ્રી લીંબડી ગોપાલ સંપ્રદાયના પૂજય શ્રી રામઉત્તમમુનિજી મ. સા, આચાર્ય પૂજય શ્રી કે.સી. મ.સા., આચાર્ય પૂજય શ્રી ભાઈચંદ્રજી મ. સા, ગણીવર્ય પૂજય શ્રી નયપદ્મસાગરજી મ.સા, આચાર્ય પૂજય શ્રી લોકેશમુનિજી મ.સાએ શુભેચ્છા અભિવંદના કરી

રાજકોટ, તા.૨૨: અનેક અનેક જીવોના તારણહાર બનીને સર્વત્ર જિન શાસનની ધજા - પતાકા લહેરાવીને જીવનને ધન્યાતિધન્ય બનાવી રહેલાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવની શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના 50th જન્મોત્સવ નિમિત્તે પૂજનીય આચાર્યો અને સંત- સતીજીઓ તરફથી સદભાવના- શુભેચ્છાનો અવિરત પ્રવાહ સતત વહી રહ્યો છે.

લાઈવ પ્રસરણના માધ્યમે પરમ ગુરુદેવને ૫૦ માં જન્મદિનની શુભેચ્છા- સદભાવના અર્પણ કરતાં આ અવસરે ગણીવર્ય પૂજય શ્રી નયપદ્મસાગરજી મહારાજ સાહેબે કહ્યું હતું કે, જન્મ તો અનેકોના થતાં હોય છે પરંતુ જન્મ સાર્થક તો પૂજય શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ જેવા વ્યકિતત્વનો જ થતો હોય છે. જેમનું જીવન અનેકોના ઉત્થાન માટે વ્યતીત થતું હોય છે યુવાઓના તારણહાર, વિરલ વ્યકિતત્વના ધારક એવા આ સંત પોતાની સ્વયંની સાધના સાથે અદ્વિતીય અને અદ્બૂત કર્યા કરી રહ્યાં છે. આવા મહાન આત્માઓ આ સંસારમાં મળવા સહજ નથી હોતા.

આચાર્ય પૂજય શ્રી કે.સી. મહારાજ સાહેબ વતી પૂજય શ્રી બાલમુનિ મહારાજ સાહેબે કહ્યું હતું કે, હજારોને ધર્મમાર્ગ માં જોડી રહેલાં પૂજય શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ સંતના ત્રણ કર્તવ્ય સ્વરૂપ સંસ્કૃતિનું રક્ષણ, સંસ્કારોનું રક્ષણ અને અનેક અનેક આત્માઓને સાચી શિક્ષા આપી પોતાના સંતત્વને યથાર્થ કરી રહ્યાં છે. માત્ર ૫૦ વર્ષની ઉમરમાં પણ એમણે ૫૦૦૦ થી વધુ શાસન પ્રભાવનાના કાર્યો કર્યા છે. શ્રી કચ્છ આઠ કોટી મોટી પક્ષના આચાર્ય પૂજય શ્રી ભાઈચંદ્રજી મહારાજ સાહેબે શુભેચ્છા અર્પણ કરતા કહ્યું કે, જેવી ઉત્કૃષ્ટ ભાવના સાથે પૂ નમ્રમુનિ મ.સા. શાસનની સેવા કરી રહ્યા છે એવી જ સેવા આગળ પણ ઉત્કૃષ્ટ ભાવે કરતાં રહે એવી મંગલ શુભેચ્છા અર્પણ કરીએ છીએ.

આચાર્ય પૂજય શ્રી લોકેશમુનિ મહારાજ સાહેબે યુવાપેઢીને ધર્મમાં જોડવાના અનુકરણીય કાર્યની પ્રશસ્તિ કરી શુભેચ્છા અર્પણ કરી હતી.

વિરલપ્રજ્ઞા પૂજય શ્રી વિરમતીબાઈ મહાસતીજીએ આ અવસરે અત્યંત સુંદર અને ભાવવાહી શૈલીમાં પરમ ગુરુદેવને શુભેચ્છા - વંદના અર્પણ કરતાં કહ્યું હતું કે, અનેકોને તારવા, શાસનની પ્રભાવના કરવા પ્રબળ પુરુષાર્થ અને પ્રયત્ન કરી રહેલાં પરમ ગુરુદેવનો દરેક સમય સફળતા તરફ ગતિ કરી રહ્યો છે .ત્યારે એમના આત્માની અંનતકાળની આવન - જાવનની યાત્રા હવે વિરામ પામીને અંતિમ પડાવ પામે એવી મંગળ ભાવના ભાવીએ.

આ સાથે જ, આ અવસરે પરમ ગુરુદેવ પ્રત્યે જન્મદિનની શુભેચ્છા અર્પણ કરતાં, ગચ્છાધિપતિ આચાર્યદેવ પૂજય શ્રી અભયદેવસૂરીશ્વરજી મહારાજ સાહેબ, અચલગચ્છાધિપતિ સાહિત્યદિવકર આચાર્ય પૂજય શ્રી કલાપ્રભસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબ આચાર્ય ભગવંત પૂજય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજ સાહેબ, ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત, પૂજય શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ તેમજ શ્રી લીંબડી ગોપાલ સંપ્રદાયના પૂજય શ્રી રામઉત્તમમુનિજી મહારાજ સાહેબના સુંદર ભાવો આલેખિત પત્રોનું વાંચન કરવામાં આવતાં સહુના હદય અહોભાવિત બન્યાં હતા.આ અવસરે પૂજય શ્રી પરમ સૌમ્યાજી મહાસતીજી અને પૂજય શ્રી પરમ સમ્યકતાજી મહાસતીજીએ સુંદર ભાવો સાથે ગુરુ ગુણ વંદનાવલીની હદયસ્પર્શી પ્રસ્તુતિ કરી હતી.

(3:15 pm IST)