રાજકોટ
News of Tuesday, 22nd September 2020

ગાંજાના બે ગુનામાં સામેલ બજરંગવાડીના પ્રતિપાલસિંહને નવા કાયદા હેઠળ પાસા

રાજકોટમાં પહેલી જ વખત દરખાસ્તઃ પીઆઇટી એનડીપીએસના એકટ હેઠળ સીઆઇડી ક્રાઇમના વડાએ દરખાસ્ત મંજુર કરતાં પીઆઇ આર. વાય. રાવલ અને પીઆઇ એન. કે. જાડેજાએ વોરન્ટ બજવણી કરી

રાજકોટ તા. ૨૨: ગાંજો, બ્રાઉન સ્યુગર સહિતના માદક પદાર્થો પકડાય અને પોલીસ નાર્કોટિકસના કાયદા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરે છે. મારામારી, દારૂ, જૂગાર સહિતના કેસોમાં જેમ પોલીસ કમિશનર જે તે પોલીસ સ્ટેશન કે પીસીબીની દરખાસ્ત ધ્યાને લઇ પાસાની કાર્યવાહી કરે છે. તેમ નાર્કોટિકસના ગુનામાં સામેલ હોય તેવા શખ્સો વિરૂધ્ધ એનડીપીએસ એકટમાં થયેલી જોગવાઇ મુજબ પીઆઇટી હેઠળ પણ પગલા લઇ જે તે શખ્સને પાસા તળે જેલમાં ધકેલી શકાય છે. પરંતુ આ અંગેની મંજુરી આપવાની સત્તા માત્ર સીઆઇડી ક્રાઇમના વડાને જ હોય છે. રાજકોટમાં પ્રથમ જ વખત આ રીતના પગલા લેવાયા છે. જેમાં અગાઉ બે વખત ગાંજા સાથે પકડાઇ ગયેલા શખ્સ સામે પીઆઇટી (ધ પ્રિવેન્ટશન ઓફ ઇલિસિટ ટ્રાફિક ઇન નાર્કોટિક ડ્રગ્સ  એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સ એકટ) હેઠળ કાર્યવાહી કરી તેને પાસા તળે અમદાવાદ જેલહવાલે કરાયો છે.

બજરંગવાડી શેરી નં. ૫માં યોગેશ્વર મકાનમાં રહેતાં પ્રતિપાલસિંહ ભુપેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.૨૮)ને અગાઉ શહેર પોલીસે  બે વખત ગાંજા સાથે પકડી લઇ એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. શેહરમાંથી નાર્કોટિકસની બદ્દી નાબુદ કરવા હવે અગાઉ આવા કેસમાં પકડાયા હોઇ તેની સામે પીઆઇટી હેઠળ અટકાયતી પગલા લેવાની શરૂઆત થઇ છે. પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા અને એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની રાહબરીમાં એસઓજી પીઆઇ આર.વાય. રાવલે પીઆઇટી એનડીપીસીએસ અધિનિયમ ૧૯૮૮ની કલમ-૩ હઠળ પ્રતિપાલસિંહ વિરૂધ્ધ પાસા પ્રપોઝલ તૈયાર કરી સીઆઇડી ક્રાઇમના પોલીસ મહાનિર્દેશક-ગાંધીનગરને મોકલતાં તેઓએ દરખાસ્ત મંજુર કરતાં પ્રતિપાલસિંહનો કોવિડ-૧૯ ટેસ્ટ કરાવી તેને અમદાવાદ જેલમાં ધકેલવા કાર્યવાહી કરી છે.

આ શખ્સ વિરૂધ્ધ અગાઉ એ-ડિવીઝન અને આજીડેમ પોલીસમાં ગાંજાના ગુના તથા માલવીયાનગરમાં મારામારી, આજીડેમમાં દારૂના ગુનો નોંધાઇ ચુકયો છે. તેમજ ૨૦૧૭માં પાસામાં પણ જઇ આવ્યો છે. કામગીરી પીઆઇ આર.વાય. રાવલ, પીસીબી પીઆઇ એન. કે. જાડેજા, એએસઆઇ વિજયભાઇ શુકલ, હેડકોન્સ. ધર્મેન્દ્રસ્િંહ ઝાલા, કોન્સ. રણછોડભાઇ આલ અને હરદેવસિંહ વાળાએ કરી હતી.

(3:12 pm IST)