રાજકોટ
News of Tuesday, 22nd September 2020

'અકિલા'ના 'કોલમીસ્ટ' ઈન્દુબેને વિદાય લીધી

રાજકોટ : અકિલા પરિવાર સાથે દાયકાઓથી પારિવારિક નાતો ધરાવતા અને અપ્રતિમ સાહિત્યપ્રેમી, કલારસીક શ્રી વિનુભાઈ જગડા અને શ્રીમતી ઈન્દુબેન જગડા દંપતિ દ્વારા વર્ષોથી 'અકિલા'માં 'આજના શુભ દિવસે' કોલમ દ્વારા લોકોના જીવનને પ્રેરણા આપતી વિગતો પીરસાતી રહી છે. જગડા દંપતિ માહેના ઈન્દુબેને લાંબી માંદગી પછી આજે સવારે લાંબા ગામતરાના પંથે પ્રયાણ કર્યુ છે. અકિલા પરિવારે એક આપ્તજન સદેહે ગુમાવેલ છે. તેનું અપાર દુઃખ છે. સાથે જ તેમની નવી યાત્રા ઉપર અસીમ આર્શીવાદ વરસે તેવી ઈશ્વરને બે કર જોડી પ્રાર્થના.

શ્રીમતી ઈન્દુબેન વિનુભાઈ જગડાની મહેમાનગતિ માણવી એ અલૌકિક લ્હાવો હતો. વિનુભાઈ અને ઇન્દુબેનને મેં અનેક સંગીત - નાટ્ય - લાઈવ કોન્સર્ટ સહિતના સમારોહમાં પ્રથમ હરોળમાં બેઠેલા જોયા છે. બંને એટલા જ ચાર્મીંગ અને સહુની નજર ખેંચે તેવા મનમોહક વ્યકિતત્વ ધરાવતા. અનેક દિગ્ગજ કલાકારો સ્ટેજ ઉપરથી વિનુભાઈ - ઈન્દુબેનની સૌમ્ય પ્રતિભાનું સન્માન કરતા, સાદ પાડીને બોલાવતા.

ઈન્દુબેન ૭૦ વર્ષની વયે પોતાની જીવનસફર પૂર્ણ કરી કોઈ નવી દુનિયાની સફરે નીકળી પડ્યા છે. ઈન્દુબેનના પુત્રી દિપ્તી (દુબઈ), જમાઇ અમીશ વિભાકર, દોહિત્રી અક્ષિતા તથા ઈન્દુબેનના પુત્ર પુનિત, પુત્રવધુ જયોતિ, પૌત્ર - પૌત્રીઓ અર્ષ, ઓર્રા અને વિરૂ સહિત સમગ્ર પરિવાર તેમની વિદાય વેળાએ ઉપસ્થિત હતો. ઈન્દુબેન - વિનુભાઈના એક પુત્ર સ્વ. રોહિતનું થોડા વર્ષો પહેલા નિધન થયેલ.

'અકિલા' પરિવારના શ્રી કિરીટભાઈ ગણાત્રા, અજીતભાઈ ગણાત્રા, રાજેશભાઈ ગણાત્રા, નિમીષભાઈ ગણાત્રાએ બે મિનિટ મૌન પાળી ઈન્દુબેનને અંતિમ વિદાય આપી હતી. શાંતિઃ શાંતિઃ શાંતિઃ

આજના શુભ દિવસે...

વિનુભાઇ જગડા  ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(12:07 pm IST)