રાજકોટ
News of Tuesday, 22nd September 2020

રાજયના ખેડુતો માટે મોટુ રાહત પેકેજ ફાળવી ભાજપે ખેડુતલક્ષી નીતિનો પૂરાવો આપ્યોઃ રાજુ ધ્રુવ

રાજકોટ, તા.૨૨: ગુજરાતની રાજય સરકાર આમ તો દરરોજ લોકો માટે, સમાજના કોઇ ને કોઇ વર્ગ માટે ઉત્કર્ષ અને ઉન્નતિની યોજના જાહેર કરી રહી છે. આજે રાજયના ખેડુતો માટે રૂ.૩૭૦૦ કરોડનું રાહત પેકેજ જાહેર કરીને રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પોતાની સંવેદનશીલતા અને ભાજપની ખેડુત લક્ષી નીતિનો વધુ એક પુરાવો આપ્યો છે. તેવું ભાજપ અગ્રણી રાજુભાઇ ધ્રુવે જણાવ્યું હતું.

તેમણે ઉમેર્યું કે એક તરફ કેન્દ્ર સરકારના કૃષિ ખરડાનો સાવ પાયા વિહોણો વિરોધ કરીને વિપક્ષો વિકાસના રસ્તામાં અવરોધ ઉભો કરી રહ્યા છે. ત્યારે ભાજપની કેન્દ્ર અને રાજયની સરકારો ખેડુતલક્ષી નીતિઓની સતત જાહેરાત કરી રહી છે.

રાજયસભામાં ગઇકાલે કોંગ્રેસ અને અન્ય વિપક્ષોએ વરવાં દ્રષ્યો સજર્યાં અને રાજયસભાની કાર્યવાહી અટકાવી દીધી. કેન્દ્ર સરકારે ખેડુતોના હિતમાં જે ખરડા રજૂ કર્યા તેનો વિપક્ષોએ સાવ પાયા વગરનો, કારણ વગરનો વિરોધ કર્યો. દેશ આખો વડાપ્રધાન નરેન્દ્રભાઇ અને તેમની સરકારમાં વિશ્વાસ ધરાવે છે ત્યારે કોંગ્રેસ અને અન્ય વિપક્ષો પાસે કોઇ મુદ્દો ન હોવાથી તેઓ ખેડુતોને ઉશ્કેરી રહ્યા છે. ભાજપ વિકાસનો રાહ બતાવી રહ્યો છે. કોંગ્રેસ ગુમરાહ કરી રહી છે. તેમ રાજૂભાઇએ જણાવ્યુ છે.

વર્ષ ૨૦૧૮-૧૯માં દુષ્કાળ જેવી પરિસ્થિતી હતી, ત્યારે રાજયના ૫૧ તાલુકાઓ દુષ્કાળગ્રસ્ત અને ૪૫ તાલુકાઓને અસરગ્રસ્ત જાહેર કરી ખેડુતોને થયેલ ખેતી પાકોના નુકશાનમાં મદદરૂપ થવા માટે સહાય ચુકવવા નિર્ણય લીધો હતો. વર્ષ ૨૦૧૯-૨૦માં પણ રાજયમાં કમોસમી વરસાદને કારણે થયેલ નુકશાનમાં રાજયના તમામ ખેડુતોને આવરી લેતુ રૂ. ૩૭૯૫ કરોડનું ઐતિહાસિક 'કૃષિ સહાય પેકેજ'જાહેર કર્યું હતું. ચાલુ વર્ષે પણ ખરીફ ઋતુમાં કેટલાક તાલુકાઓમાં તા. ૧૯-૦૯-૨૦૨૦ની સ્થિતિએ થયેલા નુકશાન અંગે કૃષિ વિભાગ દ્વારા થયેલ સર્વેના આકલન સંદર્ભે રાજય સરકાર દ્વારા વિચારણાને અંતે આ જાહેરાત થઇ છે.

આ પેકેજમાં ૩૩ ટકા કે તેથી વધુ પાક નુકસાનીના કિસ્સામાં વધુમાં વધુ ૨ હેકટર માટે હેકટરદીઠ રૂપિયા ૧૦ હજાર સહાય. ખેડૂત ગમે તેટલી ઓછી જમીન ધરાવતો હશે તો પણ રૂ. ૫ હજારની સહાય ચૂકવાશે. ૨૦ જિલ્લાના ૧૨૩ તાલુકાના ૩૭ લાખ હેકટર વિસ્તાર સહાય પાત્ર સહાય માટે તારીખ ૧ ઓકટોબરથી ઓનલાઇન પોર્ટલ પર અરજી કરી શકાશે, અરજીનો ખર્ચ સરકાર ભોગવશે ખેડૂતોના ખાતામાં સીધી DBTથી સહાય જમા કરાવાશે. તેમ રાજુભાઇ ધ્રૂવે અંતમાં જણાવ્યુ છે.

(11:56 am IST)