રાજકોટ
News of Tuesday, 22nd September 2020

રૂખડીયાપરામાં મધરાતે ઝાડની મોટી ડાળખી પતરા સોંસરવી ખાબકીઃ બે બહેનોને ઇજા

રૂમાના અને મુસ્કાનને સારવાર લેવી પડીઃ ઘરમાં નુકસાન

રાજકોટ તા. ૨૨: રૂખડીયાપરાના રાજીવનગરમાં હાજીપીરની દરગાહ પાસે રહેતાં પરિવારના ઘરના છાપરા પર મોડી રાતે બારેક વાગ્યે અચાનક જુના પીપળાના ઝાડની મોટી ડાળખી એકાએક તૂટીને પતરા સોંસરવી આવતાં રૂમમાં સુતેલી બે બહેનોને ઇજા થતાં સારવાર લેવી પડી હતી.

રાજીવનગરની રૂમાના મહેબુબભાઇ મિંયાવા (ઉ.વ.૧૮) અને મુસ્કાન મહેબુબભાઇ મિંયાવા (ઉ.વ.૧૫)ને રાતે ઝાડની મોટી ડાળખી પતરૂ તોડીને પડતાં માથામાં તેમજ હાથે-પગે ઇજાઓ થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરી હતી.

રૂમાનાના કહેવા મુજબ રાતે તેના મમ્મી નસિમબેન બાથરૂમ કરવા ગયા હતાં અને પિતા સામેના ભાગે બીજા રૂમમાં સુતા હતાં. એ વખતે અચાનક પતરૂ તૂટ્યું હતું અને મોટી ડાળખી મારા તથા મારી બહેન મુસ્કાન પર પડતાં અમને ઇજા થઇ હતી. ફાયર બ્રિગેડની ટીમ કે સંબંધીત તંત્ર હજુ પણ બીજી ડાળખીઓ ભયજનક હોઇ અને તૂટી પડે તેમ હોઇ તે કાપીને દૂર હટાવે તેવી આ પરિવારે માંગણી કરી છે. તસ્વીરમાં ડાળખીને કારણે તૂટી ગયેલુ પતરૂ, જે ડાળખી માથે પડી તે અને ઇજાગ્રસ્ત બહેન જોઇ શકાય છે.

(11:53 am IST)