રાજકોટ
News of Saturday, 22nd September 2018

રાષ્ટ્રસંત પૂ.શ્રી નમ્રમુનિ મ.સા.ના ૪૮માં જન્મોત્સવ નિમિતે

ત્રિદિવસીય ચંદનબાળા તપની બુધવારે ભકિતભીની ઉજવણી

મેન્ટલી રીટાર્ડેડ તથા, અંધ, મૂક, બધિર બાળકો દ્વારા પ્રેરણાત્મક કાર્યક્રમોઃ સવારે રોયલપાર્ક ઉપાશ્રયમાં પ્રભુભકિતનું આયોજન

રાજકોટ,તા.૨૨: પરમાત્મા પ્રત્યેની શ્રધ્ધા અને ભકિતભાવમાં ઝબોળીને ભાવિકોને કલ્યાણમાર્ગ દર્શાવી રહેલા રાષ્ટ્રસંત પૂજય શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના ૪૮માં જન્મોત્સવ નિમિતે તા. ૨૩, ૨૪, ૨૫નાં ચંદનબાળા અઠ્ઠમ તપ ઉપરાંત તા. ૨૬ થી ૩૦ સપ્ટેમ્બર પંચદિવસીય વિશિષ્ટ માનવતાનાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

તા.૨૬ને બુધવારે સવારે ૧૦ કલાકે ડુંગર દરબારમાં  ૨૬૦૦ વર્ષ પહેલાં બેડીઓના બંધનમાં જકડાઈને અઠ્ઠમ તપ કરનાર સતી ચંદનબાળા દ્વારા પ્રભુ મહાવીરને બાકુળા વહોરાવવાની જે ઐતિહાસિક ઘટના ઘટી હતી, તે ઘટનાને તાદ્રશ્ય કરતી નાટિકાની સુંદર પ્રસ્તુતિ બાદ, તે જ ભાવથી બેડીઓનાં પ્રતિકરૂપ બંધનમાં જકડાઈને,  ત્રિદિવસીય ઉપવાસ, એકાસણા કે આયંબિલનું તપ કરનાર ભાવિકો સતી ચંદનબાળાના પરિવેશમાં હાથમાં સૂપડું લઈ પગમાં બેડીઓ અને અશ્રુધારા સાથે પૂજય ગુરૂભગવંતોના કરકમલમાં બાકુળા વહોરાવીને અંતરભાવોની અભિવ્યકિત કરશે.

આ અવસરે શ્રી વી.ડી. પારેખ અંધ મહિલા વિકાસ ગૃહ, વિરાણી બહેરા મૂંગા સ્કૂલ,  જીનીયસ સુપર કીડ્સ, મેન્ટલી રીટાર્ડેડ સ્પેશિઅલ ચાઈલ્ડ માટેની સંસ્થા શ્નઉંડજીજ્રક્નઝ્રલૃ નાં બાળકો તેમજ અન્ય અંધ મૂક, બધિર બાળકો રાસ, નૃત્ય, ભકિત અને પ્રેરણાત્મક સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરીને રાષ્ટ્રસંત પૂજયશ્રીને જન્મદિવસની શુભેચ્છા આપશે. તા.૨૬ સવારે ૭ કલાકે રોયલપાર્ક ઉપાશ્રયમાં દેશ-વિદેશનાં અનેક ભાવિકો પ્રભુભકિત દ્વારા પોતાનાં ભકિતભાવને પ્રગટ કરશે.

વિશેષમાં  રાષ્ટ્રસંત પૂજયશ્રીનાં જન્મોત્સવ અવસરે આયોજિત માનવતા મહોત્સવમાં તા. ૩૦ને  રવિવારે સવારે ૮:૪૫ કલાકે વર્ષમાં માત્ર એકવાર જ કરાવવામા આવતા રાષ્ટ્રસંત પૂજયશ્રીનાં બ્રહ્મ નાદથી વિશિષ્ટ પ્રકારનાં ઉવસગ્ગહરં સ્તોત્રનાં જાપનાં આયોજન સાથે અનેકવિધ માનવતાનાં, જીવદયાનાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. પૂજયશ્રીનાં જન્મોત્સવ અવસરે ભાવવંદના અર્પણ કરવા  કાર્યક્રમોંમાં સર્વને પધારવા શ્રી સંઘે હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે.(૩૦.૬)

(3:55 pm IST)