રાજકોટ
News of Thursday, 22nd August 2019

લોક વિજ્ઞાન કેન્દ્રમાં ડો. વિક્રમ સારાભાઇ જન્મ શતાબ્દિની ઉજવણી

રાજકોટ : મહાનગરપાલિકા સ્થાપિત સૌરાષ્ટ્ર એજયુકેશન ફાઉન્ડેશન સંચાલિત ઓ.વે.શેઠ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે દેશના અગ્રગણ્ય વૈજ્ઞાનિક ડો. વિક્રમ સારાભાઇની જન્મ શતાબ્દિની ઉજવણી કરવામાં આવી હતી. અહીં 'સ્વપ્ન દ્રષ્ટા ડો. વિક્રમ સારાભાઇ' વિષય પર નિબંધ સ્પર્ધા યોજી વિજેતાઓને પુરસ્કાર અને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. મુખ્ય વકતા તરીકે ઉપસ્થિત ડો. રેખાબેન ગોસલીયાએ કલા, વિજ્ઞાન, અને ઔદ્યોગિક કુનેહ અંગે ઘણી વાતો જણાવી ડો. વિક્રમ સારાભાઇના બાળપણથી માંડીને તેમણે બનાવેલ ઉજવળ કારકીર્દીની વાતો વર્ણવી હતી. ઉપરાંત ડો. શકુંતલાબેન નેનેએ મલ્લીકા સારાભાઇના તેમના પિતા સાથેના વાર્તાલાપની વાતો કરી હતી. લોક વિજ્ઞાન કેન્દ્રના નિયામક ડો. રમેશભાઇ ભાયાણીએ પણ ડો. વિક્રમ સારાભાઇના ખાસ જીવન પ્રસંગો વર્ણવ્યા હતા. બાદમાં નિબંધ સ્પર્ધાના વિજેતાઓને ડો. વિક્રમ સારાભાઇનું પુસ્તક અને પ્રથમ, દ્વીતીય, તૃતિયને અનુક્રમે રૂ.૨૫૦,૧૫૦,૧૦૦ પુરસ્કાર અપાયો હતો. જેમાં ધો. ૯ થી ૧૦ માં પ્રથમ હેતલ રબારી લાલ બહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલય, દ્વીતીય સ્થાને માનસી વઘાસિયા કડવીબાઇ વિદ્યાલય, તૃતિય સ્થાને બ્રિજેશ સોલંકી મોદી સ્કુલ ઇશ્વરીયા વિજેતા બનેલ. જયારે ધો.૧૧ અને ૧૨ માં પ્રથમ મીરા ગૌસ્વામી કે. જે. કોટેચા ગર્લ્સ હાઇસ્કુલ તેમજ આશ્વાસન ઇનામના હકદાર સૈયદ રોઝેમીન કડવીબાઇ વિદ્યાલય બનેલ. કોલેજ કક્ષાએ બીજો ક્રમ વિશ્વા ધનેશા ક્રાઇસ્ટ કોલેજે મેળવ્યો હતો.

(3:39 pm IST)