રાજકોટ
News of Thursday, 22nd August 2019

આરોગ્ય કમિશનર જયંતિ રવિ સિવિલ હોસ્પિટલની મુલાકાતેઃ દર્દીઓની સુવિધા પ્રત્યે વધુ ધ્યાન આપવા તબીબોને ટકોર0

દર્દીઓ દાખલ થાય અને રજા અપાય ત્યાં સુધીનો અભિપ્રાય ટ્રાઇઝીંગ સિસ્ટમથી ઓનલાઇન આપી શકે તેવી સુવિધા ઉભી થશેઃ બાળક ગર્ભમાં હોય ત્યારથી લઇ બે વર્ષનું થાય ત્યાં સુધી માતા-બાળકની માવજત થાય તેવી સરકારની યોજના પણ અમલમાં: રોગી કલ્યાણ સમિતીની બેઠક પણ યોજાઇ

રાજકોટ તા. ૨૨: રાજ્યના આરોગ્ય કમિશનર જયંતિ રવિ આજે રાજકોટ સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવ્યા હતાં. તેમણે રોગી કલ્યાણ સમિતીની બેઠકમાં પણ ભાગ લીધો હતો. એ પહેલા અલગ-અલગ વિભાગોની મુલાકાત લઇ તમામ તબિબો અને સ્ટાફને દર્દીઓની સુવિધા પ્રત્યે વધુ ધ્યાન આપવા અને રોગચાળો કાબુમાં રહે તેવી કામગીરી કરવા તાકીદ કરી હતી. આરોગ્ય કમિશનરએ જણાવ્યું હતું કે રાજ્યની તમામ સિવિલ હોસ્પિટલમોમાં આગામી દિવસોમાં નવી યોજના આવી રહી છે. તે અંતર્ગત દર્દી દાખલ થાય અને રજા અપાય ત્યાં સુધીનો પોતાનો હોસ્પિટલ અંગેનો, સ્ટાફના વર્તન અંગેનો તથા સુવિધા-સારવાર અંગનો અભિપ્રાય તે આપી શકશે. આ માટે ઓનલાઇન સુવિધા ઉભી કરાશે અને તેનું હેન્ડલીંગ નર્સિંગ વિભાગ દ્વારા થશે.

જયંતિ રવિએ સરકારની અન્ય એક યોજના વિશે પણ માહિતી આપતા કહ્યું હતું કે બાળક માતાના પેટમાં હોઇ ત્યારથી માંડીને તે બે વર્ષ સુધીનું થાય ત્યાં સુધી તેની તકેદારી રાખવાની યોજના પણ અમલી બનાવાઇ છે. આ પ્રોજેકટનું સમગ્ર માર્ગદર્શન એઇમ્સના તજજ્ઞ શ્રી અરૂણ સિંઘ આપશે. આ માટે અગાઉથી જ રાજકોટ સિવિલ હોસ્પિટલ સક્ષમ હોવાનું ફલીત થઇ ગયું છે. અન્ય હોસ્પિટલોમાં પણ આ સુધિવા ઉપલબ્ધ થશે. તેમણે હોસ્પિટલમાં આવતાં તમામ દર્દીઓની સુવિધા પ્રત્યે અને રોગચાળો કાબૂમાં રહે તે માટે તમામ ડોકટરો સજાગ રહે તેવી તાકીદ કરી હતી.

હોસ્પિટલમાં અવાર-નવાર ગંદકી ઉભરાતી હોવાની રજૂઆતો પણ આરોગ્ય કમિશનર સમક્ષ થઇ હતી. તો સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજના કાઉન્સેલર જયંત ઠાકરે સફાઇ ઝુંબેશ, કાયદો વ્યવસ્થા જાળવવા સિકયુરીટી એજન્સીને જરૂરી સુચના અપાય, ડોકટરો અને નર્સિંગ સ્ટાફ દર્દીઓ સાથે ગેરવર્તન ન કરે અને સારવારમાં પુરતુ ધ્યાન આપે તથા સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં પડ્યા પાથર્યા રહેતા અમુક લેભાગુઓને હાંકી કાઢવાની કામગીરી થાય તે માટે વિસ્તૃત રજૂઆતો કરી હતી. તબિબી અધિક્ષક ડો. મનિષ મહેતાને પણ જયંત ઠાકરે રજૂઆત કરી હતી.

વિવિધ પ્રશ્નો અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી અને એ પછી રોગી કલ્યાણ સમિતીની બેઠક યોજાઇ હતી. જેમાં તબિબી અધિક્ષક ડો. મનિષ મહેતા, મેડિકલ કોલેજના ડીન ડો. ગોૈરવી ધ્રુવા, ગોવિંદભાઇ પટેલ અન્ય આરોગ્ય અધિકારીઓ તથા સમિતીના સભ્યો હાજર રહ્યા હતાં.

(3:36 pm IST)