રાજકોટ
News of Thursday, 22nd August 2019

બ્રોકરોનો બિઝનેસ વધારાશે : નવા સર્વર નવી ટેકનોલોજી લવાશે : એમસીએકસ,મ્યુ.ફંડ,કરન્સી, મોબાઇલ ટ્રેડીંગ સહિતની સુવિધાઓ ઉભી કરાશે : જયેશભાઇ શાહ (સોનમ ગ્રુપ)

એકેએસઇ સીકયુરીટી ખરીદનાર સોનમ ગ્રુપવાળા જયેશભાઇ શાહની અકિલા સાથે વાતચીત : સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં બ્રાંચ શરૂ કરવામાં આવશે : નવા બોર્ડમાં પાંચ ડાયરેકટરો : ૯૭.પ૭ ટકા હિસ્સો ખરીદવામાં આવ્યો

રાજકોટ, તા. રર : સૌરાષ્ટ્ર કચ્છ સ્ટોક એક્ષચેંજની સબસીડીયરી એવી એસકેએસઇ સીકયુરીટી ખરીદનાર સોનમ ગ્રુપવાળા જયેશભાઇ શાહે આજે અકિલા સાથેની વાતચચીતમાં જણાવ્યું હતું કે આજથી અમોએ સીકયુરીટી સંભાળી લીધી છે અને નવું બોર્ડ નવા વિચારો અને બ્રોકરોના બિઝનેસ વૃધ્ધિના ધ્યેય સાથે અમલમાં આવ્યું છે.

અકિલા સાથેની વાતચીતમાં જયેશભાઇ શાહે જણાવ્યું હતું કે સીકયુરીટીનો ૯૭.પ૭ ટકા હિસ્સો મેં અંગત રીતે ખરીદેલ છે અને હવે સીકયુરીટી નવા મેનેજમેન્ટ અને નવી ઓફીસ સાથે કાર્યરત બની છે. તેમણે જણાવ્યું હતું કે જુના બોર્ડના રાજીનામા આપવામાં આવ્યા બાદ તમામ સતાવાર વિધીની પતાવટ કરવામાં આવી હતી અને હવે અમારા પાંચ ડાયરેકટરોનું બોર્ડ અસ્તિત્વમાં આવ્યું છે.

તેમણે જણાવ્યું હતું કે અમારો એક જ ધ્યેય છે કે બ્રોકરોનો બિઝનેસ કેમ વધે આ માટે અમે ભરપુર પ્રયાસો કરીશું તેમણે ઉમેર્યુ હતું કે સમયની સાથે કદમ મિલાવતા અમો ટુંક સમયમાં ડિઝીટલ થશું. મોબાઇલ ટ્રેડીંગની સુવિધા બે થી ત્રણ મહિનામાં અમલી બનાવશુ એટલું જ નહીં કરન્સી, કોમોડીટી અને મ્યુચ્યુલ ફંડ ક્ષેત્રે પણ ઝંપલાવવાનો નિર્ધાર રાખીએ છીએ.

જયેશભાઇ શાહે અકિલાને વધુમાં જણાવ્યું હતું કે સીકયુરીટીનો વ્યાપ વધે એ માટે સૌરાષ્ટ્રના વિવિધ સેન્ટરોમાં બ્રાંચ શરૂ કરવા પણ અમારૃં પ્લાનીંગ છે. અમે નવા સર્વર અને નવી ટેકનોલોજી સાથે આ બિઝનેસમાં ઝંપલાવ્યું છે. અમારો ધ્યેય બ્રોકરોનો બિઝનેસ થકી વિકાસ કરવાનો છે. નિષ્ણાંતોનું માર્ગદર્શન સતત લેવામાં આવશે અને સંસ્થા  સારી રીતે કાર્યરત બને એ માટે સીઇઓ તરીકે જુના અને જાણીતા ચિરાગ ડેડકીયાની નિમણુંક કરવામાં આવી છે. નવી સંસ્થા સાકેત પ્લાઝા ખાતે કાર્યરત બની છે તેમ તેમણે અંતમાં જણાવ્યું હતું.

(3:27 pm IST)