રાજકોટ
News of Thursday, 22nd August 2019

મેડીકલ ફેકલ્ટીમાં પૈસા આપી પાસ થવાનો મામલો ઉગ્રઃ યુનિવર્સિટીમાં રાજા અને વજીર કોણ? ખુલાસો પુછાયો

સીન્ડીકેટે સી.યુ.શાહ કોલેજના ટ્રસ્ટીના નિવેદનની ગંભીર નોંધ લીધી : મંગળવારે રજૂઆત કરવા બોલાવ્યા : કામદાર કોલેજની મંજૂરીમાં વિવાદ : કોંગ્રેસના હરદેવસિંહ કહે છે બધુ ઓકે.. તો ભાજપના શુકલ - કોઠારી કહે છે કે સુવિધા નથી...

રાજકોટ, તા. ૨૨ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સૌથી વધુ ચર્ચાસ્પદ ગણાતી મેડીકલ ફેકલ્ટીમાં વર્ષોથી પૈસા દઈ પાસ થવા કે વધુ ગુણ મેળવવાની અનેક ફરીયાદો થઈ છતાં કોઈ કારણોસર પગલા ન લેતા આખરે સુરેન્દ્રનગરની મેડીકલ કોલેજના કલાર્કનો વિડીયો વાયરલ થયો હતો. આ વિડીયામાં કલાર્ક એક વિદ્યાર્થી સાથે વાતચીત કરતો હોવાનું અને પૈસા  અઢી લાખ રૂપિયા માંગતા હોવાનો દોઢ વર્ષ પહેલાનો વિડીયો વાયરલ થયો હતો.

બનાવ અંગે રાજય સરકારે ગંભીર નોંધ લઈ એન્ટી કરપ્શન બ્યુરોને તપાસ સોંપી છે ત્યારે સુરેન્દ્રનગર સી.યુ.શાહ મેડીકલ કોલેજના કલાર્ક સામે ગુનો નોંધાયો છે અને એન્ટી કરપ્શન બ્યુરો પણ આ મુદ્દે જીણવટભરી તપાસ હાથ ધરી રહી છે.

તાજેતરમાં સી.યુ.શાહ મેડીકલ કોલેજના એક ટ્રસ્ટીએ ચોંકાવનારૂ નિવેદન આપ્યુ હતું કે, કલાર્ક તો માત્ર પ્યાદુ જ છે. અસલી રાજા અને વજીર તો રાજકોટમાં બેઠા છે!! આ નિવેદનથી સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તામંડળના સભ્યો અને મેડીકલ ફેકલ્ટી તેમજ તબીબી મંડળમાં પણ ભારે અનેકવિધ ચર્ચા જાગી હતી.

આજે કુલપતિ નીતિન પેથાણીના વડપણ હેઠળ મળેલી સિન્ડીકેટમાં પણ આ રાજા અને વજીર અંગે ચર્ચા ચાલી હતી. સીન્ડીકેટે આ નિવેદન સબબ સી.યુ.શાહ મેડીકલ કોલેજના ટ્રસ્ટીનો ખુલાસો પૂછયો છે અને મંગળવારે રૂબરૂ રજૂઆત કરવા માટે પત્ર લખવામાં આવશે.

મેડીકલ ફેકલ્ટીમાં પૈસાથી પાસ થવાના ચકચારી પ્રકરણમાં અનેકવિધ ફણગાઓ ફૂટી રહ્યા છે ત્યારે તપાસના અંતે જવાબદારો સામે પગલા લેવાશે કે કેમ? તે અંગે અટકળો ચાલી રહી છે.

આજે મળેલી સીન્ડીકેટની બેઠકમાં ભાજપ અને કોંગ્રેસની ભાગબટાઈ જાણે તૂટી હોય તેમ એક જ કોલેજની મંજૂરીમાં પ્રથમવાર કોંગ્રેસ અને ભાજપના સીન્ડીકેટ સભ્યોનો અલગ મત પ્રકાશમાં આવ્યા છે.

કામદાર કોલેજને બીએસસી કોર્ષની કોલેજ મંજૂર કરાવવા માટે કુલપતિએ કોંગ્રેસના હરદેવસિંહ જાડેજા, ભાજપના નેહલ શુકલ અને ભાવિન કોઠારીની કમીટી રચવામાં આવી હતી.

ત્રણેય સભ્યોએ નવી કોલેજ માટે સ્થળ મુલાકાત કરતા કોંગ્રેસના હરદેવસિંહ જાડેજાને સબ સલામત અને ઓકે હોવાનો રીપોર્ટ આપ્યો હતો, પરંતુ ભાજપના સીન્ડીકેટ સભ્ય નેહલ શુકલ અને ભાવિન કોઠારીએ કામદાર કોલેજમાં સુવિધાનો અભાવ અને અનેક બાબતો અંગે પૂર્ણતા કરવાનું બાકી હોય કોલેજને મંજૂરી ન આપવા ભલામણ કરી છે.

(3:35 pm IST)