રાજકોટ
News of Thursday, 22nd August 2019

આરોગ્ય કમિશનરના વિવિધ આદેશો-સુચનો

સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે બેટરીવાળી ત્રણ ગાડી આવશેઃ દરેક વોર્ડમાં સાતેય દિવસે સાત રંગની ચાદરોઃ હળવુ સંગીતઃ મા કાર્ડમાં પુરો લાભ અપાવોઃ સફાઇમાં જરાપણ કચાશ નહિ ચાલે

ઇલેકટ્રોનિકસને લગતી ફરિયાદો, પાણી ટપકવાની ફરિયાદો તથા અનેક મુદ્દે પીઆઇયુના જવાબદારોને તતડાવ્યાઃ પોસ્ટમોર્ટમ રૂમની જગ્યા વિકસાવાશે : સફાઇ ઝુંબેશ, સિકયુરીટીને જરૂરી સુચના, ડોકટરો-નર્સિંગ સ્ટાફ દર્દીઓ સાથે ગેરવર્તન ન કરે અને કમ્પાઉન્ડમાં પડ્યા પાથર્યા રહેતા લેભાગુઓને હાંકી કાઢવા કાઉન્સેલર જયંત ઠાકરની રજૂઆત

આરોગ્ય કમિશનર જયંતિ રવિએ આજે રાજકોટ સિવિલ હોસ્પિટલની મુલાકાત લઇ તબિબી અધિક્ષક ડો.મનિષ મહેતા, મેડિકલ કોલેજના ડીન ડો. ગોૈરવી ધ્રુવા તથા અન્ય તબિબો અને જુદા-જુદા વિભાગના વડા સાથે આરોગ્યને લગતી ચર્ચાઓ કરી હતી. તેમજ રોગી કલ્યાણ સમિતીની બેઠકમાં ભાગ લીધો હતો. (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૨: આજે રાજ્યના આરોગ્ય કમિશનર જયંતિ રવિએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લઇ હોસ્પિટલ, મેડિકલ કોલેજ, આરડીડી તેમજ  પીઆઇયુના, કોર્પોરેશનના અધિકારી તેમજ સિવિલ હોસ્પિટલ-મેડિકલ કોલેજના સંબંધીતોને જરૂરી સુચનો કર્યા હતાં. તેમજ દર્દીઓના હિતમાં સત્વરે અમુક નિર્ણયો લીધા હતાં. જયંતિ રવિએ કહ્યું હતું કે દર્દીઓને એક વોર્ડમાંથી બીજા વોર્ડમાં સ્ટ્રેચરમાં જે રીતે લઇ જવામાં આવે છે તે દ્રશ્ય જોઇને દુઃખ થાય છે. આવું ન થવું જોઇએ. આ માટે બેટરીવાળી ત્રણ ગાડી ખરીદવા તેમણે તાકીદે મંજુરી આપી દીધી હતી. આ ઉપરાંત દર્દીઓની સુવિધા માટે દરેક વોર્ડમાં દરરોજ એટલે કે સાત દિવસના સાત અલગ-અલગ રંગની ચાદરો બેડ પર પાથરવામાં આવે અને તેનો અમલ કરવામાં આવે તે અંગે સુચન કરી વોર્ડમાં એકદમ હળવુ મનને શાંતિ આપતું સંગીત વગાડવામાં આવે તેવી વ્યવસ્થા ઉભી કરવા પણ સુચન કર્યુ હતું.

આ ઉપરાંત સફાઇની બાબતમાં જરાપણ કચાશ ચલાવી લેવામાં નહિ આવે તેમ કહી જવાબદારોને ખાસ કરીને તમામ વોર્ડના જાજરૂની સફાઇના દરરોજ સોશિયલ મિડીયા મારફત પોતાને ફોટા મોકલવામાં આવે તેવી સુચના આપી હતી અને આજે ચાલુ મિટીંગે જ આવા ફોટા મંગાવી ખરાઇ કરી હતી. આજે જે રીતે જાજરૂ ચોખ્ખા છે એ રીતે દરરોજ ચોખ્ખાઇ કાયમ રાખવા સુચના અપાઇ હતી. ટોઇલેટ સફાઇ મુદ્ે ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે ખાસ રજૂઆત કરી હતી.

હોસ્પિટલ-મેડિકલ કોલેજમાં ઘણી જગ્યાએ ઇલેકટ્રોનિકસને લગતા પ્રોબ્લેમ હોઇ અને તેની ફરિયાદો છતાં ઝડપથી નિરાકરણ થતું ન હોઇ તેમજ મેડિકલ કોલેજના ઓડિટોરીયમમાં પાણી ટપકતું હોઇ તેનું તાકીદે રિપેરીંગ કરવામાં આવે તે માટે પીઆઇયુના અધિકારીને કડક શબ્દોમાં  ખખડાવ્યા હતાં અને ગાંધીનગર સુધી જાણ કરી હતી. એક વર્ષથી આરડીડીનું બિલ્ડીંગ તૈયાર પડ્યું છે તેનું પજેશન હજી કેમ નથી થયું? તે અંગે આરડીડી રૂપાલીમેડમને પુછવામાં આવતાં તેમણે તેમાં પાણી લિકેજનો પ્રોબ્લેમ હોવાનું અને ફર્નિચર નહિ હોવાની રજૂઆત કરતાં આ બાબતે પણ પીઆઇયુને કડક સુચન કરાયું હતું....

આ ઉપરાંત જયંતિ રવિએ મા યોજના કાર્ડનો વધુમાં વધુ લોકો લાભ લ્યે તે માટે દરેક વોર્ડમાં સુવિધા ઉભી કરવા અને દર્દી આવે તે સાથે તુરત જ મા કાર્ડ વિશે પુછવા અને એ પ્રમાણેની સુવિધા ઉપલબ્ધ કરાવવા સુચના અપાઇ હતી.  રોગી કલ્યાણ સમિતીમાં ભરતી થઇ હોઇ તેવા કર્મચારીઓ પાછળ ફંડ ન વાપરી આઉટ સોર્સની મદદ લેવા જણાવાયું હતું. મેડિકલ કોલેજ સ્ટાફ કવાર્ટરમાં લિફટના પ્રોબ્લેમ છે, લિફટ રૂમમાં પાણી પડે છે, અનેક રજૂઆત થતાં શું કામ રિપેર નથી થયું? તે અંગે પીઆઇયુના સંબંધીતોને કડક સુચના આપી  મહિનામાં રિપેરીંગ કરવા અથવા રિપ્લેસ કરવા જણાવ્યું હતું.

હોસ્પિટલને પ્લાસ્ટિક ફ્રી બનાવવા પણ સુચન કરાયું હતું. અત્યાર સુધી ધુમ્રપાન બાબતે સિકયુરીટી દ્વારા દંડ ઉઘરાવાતો હતો. હવે હોસ્પિટલને પ્લાસ્ટીક ફ્રી બનાવવા ઝુંબેશ શરૂ કરાવવા સુચના અપાઇ હતી. ઉલ્લેખનનિય છે કે અત્યાર સુધીમાં સિકયુરીટીએ ધુમ્રપાનને લગતો ૫૫ હજારનો દંડ ઉઘરાવ્યો છે.

પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે આરોગ્ય કમિશનરે મ્યુનિસિપલ કમિશનર સાથે વાત કરી ૨૪ કલાકનું કનેકશન આપવા જણાવ્યું હતું. શ્રી પાની આ બાબતે સંમંત થયા હોઇ પાણી પ્રશ્ન હલ થશે. સફાઇ અને સિવિલમાં પડ્યા પાથર્યા રહેતા તત્વોને હાંકી કાઢવા અને બંને મુખ્ય પ્રવેશ દ્વારે જરૂર પડ્યે ચેકીંગ કરવામાં આવે તેવી વ્યવસ્થા ગોઠવવા સુચન કરાયું હતું. રોગી કલ્યાણ સમિતીએ હોસ્પિટલમાં કાયમી તબિબી અધિક્ષકની પોસ્ટ મુદ્દે રજૂઆત કરી હાલના તબિબી અધિક્ષક ડો. મનિષ મહેતાને કાયમી તબિબી અધિક્ષક તરીકે યથાવત રખાય તેવી રજૂઆત કરી હતી.

મિટીંગમાં તબિબી અધિક્ષક ડો. મનિષ મહેતા, મેડિકલ કોલેજના ડીન ડો.ગોૈરવી ધ્રુવ, ગાયનેક વિભાગના વડા ડો.કમલ ગોસાઇ, આરડીડી રૂપાલીમેડમ, પી.આઇ.યુ.ના અધિકારીઓ, આરએમસીના આરોગ્ય અધિકારી, ગોવિંદભાઇ પટેલ, જયંત ઠાકર, ભરતભાઇ ડાભી સહિતના જોડાયા હતાં.

હોસ્પિટલને પ્લાસ્ટીક ફ્રી ઝોન બનાવાશે

. આરોગ્ય કમિશનરે હોસ્પિટલને પ્લાસ્ટીક ફ્રી ઝોન બનાવવા પર ભાર મુકયો હતો અને શરૂઆત કોન્ફરન્સ રૂમથી જ કરી હતી. તેમણે કહ્યું હતું કે ટેબલ પર પાણી પ્લાસ્ટીકની બોટલમાં નહિ પણ સ્ટીલ કે પિત્તળના ગ્લાસમાં આપવાનું રહેશે. પ્લાસ્ટીક ફ્રી ઝોન બનાવવા ગંભીરતાથી કાર્યવાહી કરવા સુચન કર્યુ હતું.

ઓર્ગન ડોનેટ બેંક અને સ્કીન બેંક ઉભી કરવા વિચારણા

સિવિલ હોસ્પિટલમાં ઓર્ગન ડોનેટ બાબતે કમિટી બનાવવા તથા સ્કીન બેંક ઉભી કરવાની કામગીરી કરવાની હોઇ તે માટે કમિટી રચવા પણ સુચના અપાઇ હતી.

સફાઇની કામગીરીના વખાણ કર્યા

સિવિલ હોસ્પિટલ વોર્ડના જાજરૂની સફાઇનો પ્રશ્ન ઉભો થતાં આરોગ્ય કમિશનરે તાકીદે ચાલુ મિટીંગે જ જાજરૂના ફોટા મંગાવ્યા હતાં. જેમાં એકદમ ચોખ્ખાઇ જણાઇ આવતાં સફાઇ કામગીરીના વખાણ કાયમી ધોરણે આવી સફાઇ રહે તે જરૂરી હોવાનું કહ્યું હતું.

પોસ્ટ મોર્ટમ રૂમ મોટો બનાવાશે

પોસ્ટ મોર્ટમ રૂમ નાનો પડતો હોઇ તેનો વિસ્તાર વધારવા સુચન કરાયું હતું. હાલમાં પોસ્ટ મોર્ટમ રૂમની બાજુમાં જ આરડીડી સ્ટોર હોઇ તેને અલગ જગ્યાએ ટ્રાન્સફર કરી પોસ્ટ મોર્ટમ રૂમને વિશાળ બનાવવાની કાર્યવાહી તાકીદે કરવા પણ આરોગ્ય કમિશનરે સુચના આપી હતી. આ ઉપરાંત મેડિકલ કોલેજની લાયબ્રેરીમાં એસી, મોંઘી મશીનરી માટે એસીની જરૂર હોઇ પીઆઇયુને સુચના અપાઇ હતી. મેડિકલ કોલેજના છાત્રો માટે બે મીનીબસની જરૂરિયાત હોવાની રજૂઆત પણ થઇ હતી.

(3:38 pm IST)