રાજકોટ
News of Thursday, 22nd August 2019

ગુડગાંવની કંપની પાસે પેટન્ટ હોવા છતાં કીટનાશક દવામાં તે ઘટકના ઉપયોગ કરવાના ગુન્હામાં રાજકોટના ૩ ઉત્પાદકોનો બિનતહોમત છૂટકારો

ધારાશાસ્ત્રી શ્યામલભાઈ સોનપાલની દલીલો ધ્યાને લઈ આરોપીઓને બિનતહોમત છોડી મૂકવા કોર્ટનો હુકમ

રાજકોટ, તા. ૨૨ : ગત તા.૨૧-૧૦-૨૦૧૬ના રોજ ગુડગાંવની ડ્યુ પોઈન્ટ ઈન્ડિયા પ્રા.લી.નામની કીટનાશક ખેતીની દવાનું ઉત્પાદન કરતી કંપનીને દવામાં વપરાતી સીટીપીએલ નામના ઘટકની પોતાની પાસે પેટન્ટ હોવા છતાં સૌરાષ્ટ્રની અલગ અલગ ઉત્પાદક કંપની દ્વારા દવાના ઉત્પાદનમાં સીટીપીએલનો ઉપયોગ કરતા હોવાના આરોપસર રાજકોટના ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં રાજકોટના અલગ અલગ ઉત્પાદકો વિરૂદ્ધ ઈ.પી.કો. કલમ ૪૨૦ તથા ૧૨૦ (બી) મુજબની ફરીયાદ નોંધાવતા ડી.સી.બી. પોલીસે આરોપીઓ વિરૂદ્ધ ગુન્હો નોંધી રાજકોટની ચીફ જ્યુ. કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરતા કોર્ટે અલગ અલગ ૩ ઉત્પાદક આરોપીઓને બીનતહોતમ (ડિસ્ચાર્જ) છોડી મૂકવા હુકમ ફરમાવેલ છે.

 

આ અંગેની ટૂંકમાં વિગત એવી છે કે ગુડગાંવમાં ખેતીની કીટનાશક દવા બનાવતી વિશ્વની અગ્રગણ્ય કંપની મેસર્સ ઈ આઈ ડયુ પોઈન્ટ ઈન્ડિયા પ્રા.લી.ના ઓથોરાઈઝ પર્સન વિજનકુમાર જીતેન્દ્રકુમાર દાસએ તા.૨૧-૧૦-૨૦૧૬ના રોજ રાજકોટ ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં લેખિત ફરીયાદ આપી એવી રજૂઆત કરેલ કે રાજકોટના ગુજરાત કિશાન ફર્ટીલાઈઝર, ક્રિશ એગ્રો બાયો પ્રોડકટસ, એટલાસ એગ્રીટેક, એપલ ઓર્ગેનીક પ્રા.લી. વગેરે અલગ કીટનાશક ઉત્પાદક કંપનીઓમાં પોતાની કંપનીએ જે સીટીપીએલની પેટન્ટ લીધેલ છે તે ઘટકનો ઉપયોગ કરી દવાઓનું ઉત્પાદન કરવામાં આવે છે. જેથી તે તમામ ઉેત્પાદકો વિરૂદ્ધ પોતાની કંપની સાથે છેતરપીંડી તથા વિશ્વાસઘાત કરવા સંબંધે ગુનો નોંધી સખત નશ્યતે પહોંચાડવા ફરીયાદ કરેલ.

ત્યારબાદ રાજકોટ ડી.સી.બી. પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સ્પેકટર એ.એસ.સોનારાએ દરેક કંપનીમાંથી સ્થળ તપાસ કરી પંચનામાની વિગતે દવાના સેમ્પલ લઈ ફોરેન્સીક સાયન્સ લેબોરેટરીમાં પૃથ્થકરણ અર્થે મોકલેલ. જે અન્વયે અમુક સેમ્પલમાં ફરીયાદી કંપનીની પેટન્ટવાળા સીટીપીએલ ઘટકની હાજરી મળતા ફરીયાદીની ફરીયાદ ઉપરથી વેપારી તથા ઉત્પાદકો કૈલાશ રામજીભાઈ નમેરા, વિપુલ પરસોતમભાઈ જોષી, રાજેશ પરસોતમભાઈ ઠુમર, મિતેષ પરસોતમભાઈ ઘોડાસરા તથા મહેન્દ્ર ગોરધનભાઈ ભુવા વિરૂદ્ધ ઈ.પી.કો. કલમ - ૪૨૦, ૧૨૦ (બી) મુજબનો ગુનો રજીસ્ટરે લઈ આરોપીઓની ધરપકડ કરી રાજકોટની ચીફ જ્યુ.કોર્ટમાં આરોપીઓ વિરૂદ્ધ પુરતો પુરાવો હોવાના કારણે ચાર્જશીટ રજૂ કરેલ.

ત્યારબાદ આરોપી રાજેશ ઠુમર, મિતેષ ઘોડાસરા તથા મહેન્દ્ર ભુવાએ પોતાના એડવોકેટ મારફત કોર્ટમાં ડિસ્ચાર્જ એપ્લીકેશન રજૂ કરી બીન તહોમત છોડી મૂકવા અરજ ગુજારેલ.

સદરહું ડિસ્ચાર્જ અરજીની સુનાવણી થતા અરજદાર પોતાની તરફે રોકાયેલ એડવોકેટ શ્રી શ્યામલભાઈ સોનપાલે કોર્ટ રૂબરૂ પોતાની દલીલમાં હકીકત વિષયક તથા એડવોકેટ શ્રી શ્યામલભાઈ સોનપાલે કોર્ટ રૂબરૂ પોતાની દલીલમાં હકીકત વિષયક તથા કાયદા વિષયક રજૂઆત કરી નામ. સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ રજૂ કરી સદરહુ ત્રણ આરોપીઓ વિરૂદ્ધ પુરતો પુરાવો ન હોવા છતાં પોલીસે રાગદ્વેષ રાખી ખોટી રીજે ચાર્જશીટ રજૂ કરેલ હોય તેવી રજૂઆત કરી ત્રણેય આરોપીઓને બીન તહોમત છોડી મૂકવા રજૂઆત કરેલ.

ફરીયાદ પક્ષ તરફથી સરકારી વકીલશ્રીએ સદરહુ ડિસ્ચાર્જ અરજીનો વિરોધ કરતા કોર્ટ રૂબરૂ એવી રજૂઆત કરી કે અન્ય આરોપીઓએ પોલીસ રૂબરૂની પોતાની કબૂલાતમાં એવું જણાવેલ કે તેઓએ હાલના અરજદાર આરોપીઓ પાસેથી માલ ખરીદ કરેલ જેથી હાલના ત્રણેય અરજદાર આરોપીઓની ગુન્હામાં પ્રથમ દર્શનીય સંડોવણી હોય બીન તહોમત છોડી મૂકવાની અરજી નામંજૂર કરવા જણાવેલ.

ત્યારબાદ બંને પક્ષોની રજૂઆતો ધ્યાને લઈ રાજકોટના ચીફ જ્યુડીશ્યલ મેજી.શ્રીએ અરજદાર આરોપીના એડવોકેટની દલીલો ધ્યાને લઈ ત્રણેય આરોપીઓને બીનતહોમત (ડીસ્ચાર્જ) છોડી મૂકવાનો હુકમ ફરમાવેલ છે. આ કામમાં આરોપીઓ વતી રાજકોટના પ્રખ્યાત ધારાશાસ્ત્રી શ્રી શ્યામલભાઈ સોપાલ, મલ્હાર સોનપાલ, મનોજભાઈ તંતી, નિલેશ વેકરીયા, હેમલ ગોહેલ, હિતેષ ભાયાણી તેમજ અજય દાવડા રોકાયેલ.

(11:33 am IST)