રાજકોટ
News of Thursday, 22nd August 2019

૨૧ વર્ષના કિરીટ પારઘીનું તળાવમાં ડૂબી જવાથી મોત

બુધવારે કારખાનામાં રજા હોઇ પાળ-કાંગશીયાળી વચ્ચે રામાપીરના મંદિરે પિતા અને મિત્ર સાથે દર્શને ગયો'તોઃ તળવા જોઇ ન્હાવા ગયો ને કાળ ભેટ્યોઃ દલિત પરિવારમાં શોક : પિતા અને મિત્રએ ના પાડી પણ કાળ જાણે બોલાવતો હતો!

રાજકોટ તા. ૨૨: ગોંડલ રોડ એસ.ટી. વર્કશોપ પાછળ આંબેડકરનગરમાં રહેતાં ૨૧ વર્ષના દલિત યુવાન કિરીટ વલ્લભભાઇ પારઘીનું કાંગશીયાળી અને પાળ વચ્ચેના રસ્તા પર આવેલા રામાપીરના મંદિર નજીક પિતા અને મિત્રની નજર સામે જ તળાવમાં ન્હાવા જતાં ડૂબી જવાથી મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઇ છે.

જાણવા મળ્યા મુજબ આંબેડકરનગરમાં રહેતો કિરીટ પારઘી ગઇકાલે બુધવારે કારખાનામાં રજા હોઇ જેથી મિત્ર રોહિત સોણાલીયા સાથે કાંગશીયાળી-પાળ વચ્ચે આવેલા રામાપીરના મંદિરે દર્શન કરવા ગયો હતો. તેના પિતા વલ્લભભાઇ ટપુભાઇ પારઘી પણ સાથે ગયા હતાં. લગભગ દર બુધવારે કિરીટ મિત્ર અને પિતા સાથે આ રીતે મંદિરે જતો હતો.

ગઇકાલે ત્રણેય દર્શન કર્યા બાદ બેઠા હોઇ નજીકમાં તળાવ ભરેલુ જોઇ કિરીટને ન્હાવાની ઇચ્છા થઇ હતી. પણ તેને તરતા આવડતું ન હોઇ પિતા અને ભાઇએ ન્હાવા જવાની ના પાડી હતી. આમ છતાં કાળ જાણે બોલાવતો હોઇ તેમ કિરીટ તળાવમાં જવાની પોતાની ઇચ્છા રોકી શકયો નહોતો અને ન્હાવા ગયો હતો. અંદર જતાં જ તે ડૂબવા માંડ્યો હતો. પિતા-મિત્ર મદદે દોડી ગયા હતાં પણ બંનેને તરતા આવડતું ન હોઇ તેઓ આગળ જઇ શકયા નહોતાં. બૂમાબૂમ કરતાં બીજા તરવૈયાઓ ન્હાતા હોઇ તે મદદે આવ્યા હતાં અને કિરીટને બેભાન હાલતમાં બહાર કાઢ્યો હતો.

તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પરંતુ અહિ મૃતદેહ જ પહોંચ્યાનું તબિબે જાહેર કરતાં કલ્પાંત સર્જાયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર યુવાન બે ભાઇમાં મોટો અને અપિરિણિત હતો. તેના માતાનું નામ કાંતાબેન છે. નાના ભાઇનું નામ મહેન્દ્ર છે જે અભ્યાસ કરે છે. કિરીટ કારખાનામાં કામ કરી પરિવારને મદદરૂપ થતો હતો. યુવાન દિકરાનું સપરમા તહેવારમાં મોત નિપજતાં સ્વજનો શોકમાં ગરક થઇ ગયા છે.

(11:11 am IST)