રાજકોટ
News of Thursday, 22nd August 2019

વિનોદનગરમાં પિતાની રિક્ષામાંથી માતાની નજર સામે પડી જતાં ૨ાા વર્ષના પ્રિન્સનું મોત

કૈલાશભાઇ અગ્રાવત પત્નિ-પુત્રને લઇ રિક્ષામાં ગેસ પુરાવવા જવા નીકળ્યા ત્યારે ઘર પાસે વળાંકમાં જ બનાવ

રાજકોટ તા. ૨૨: કોઠારીયા રોડ હુડકો પોલીસ ચોકી પાસે વિનોદનગરમાં બાવાજી યુવાન અને તેના પત્નિની નજર સામે જ રિક્ષામાંથી ૨ાા વર્ષનો પુત્ર પડી જતાં માથામાં ઇજા થતાં મોત નિપજતાં ગમગીની છવાઇ ગઇ હતી.

જાણવા મળ્યા મુજબ હુડકો ચોકી પાસે વિનોદનગરમાં રહેતાં રિક્ષાચાલક કૈલાસભાઇ કાંતિભાઇ અગ્રાવત સાંજે પોતાની રિક્ષામાં ગેસ પુરાવવા દેવપરા તરફ જતાં હોઇ સાથે પત્નિ પૂજાબેન અને પુત્ર પ્રિન્સ (ઉ.૨ાા)ને પણ લીધા હતાં. પુત્ર પ્રિન્સ માતા સાથે પાછળ બેઠો હતો. દરમિયાન વળાંકમાં કોઇપણ કારણોસર પ્રિન્સે જે દાંડી પકડી હતી તેની પક્કડ છુટી જતાં તે ચાલુ રિક્ષામાંથી બહાર ફેંકાઇ ગયો હતો. રિક્ષાની સ્પીડ સાવ ઓછી હતી. પરંતુ નીચે પટકાતાં માથામાં ઇજા થતાં માસુમ પ્રિન્સ બેભાન જેવો થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ તેણે દમ તોડી દીધો હતો.

બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં ભકિતનગર પોલીસ મથકના એએેસઆઇ આર.ડી. ગોહિલે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર પ્રિન્સ એક બહેનથી નાનો હતો. લાડકવાયાનું અચાનક મોત થતાં માતા-પિતા સહિતના સ્વજનો ઉંડા આઘાતમાં ગરક થઇ ગયા હતાં.

(11:11 am IST)