રાજકોટ
News of Wednesday, 22nd August 2018

ચંદ્રકાંત બક્ષીના સ્મરણાર્થે યોજાયેલ વાર્તાસ્પર્ધા

૧ર૬ સ્પર્ધકોએ ભાગ લીધોઃ પ્રથમ ત્રણે વિજેતા મહિલાઓઃ કામિની મહેતા પ્રથમઃ દ્વિતીય જયશ્રીબા ગોહિલઃ તૃતીયઃ પ્રિયંકા જોશી

રાજકોટ તા. રર : અરસપરસ મેગેઝીન અને સ્વ.ચંદ્રકાંત બક્ષી સાહિત્ય વર્તુળ રાજકોટ દ્વારા સાહિત્ય જગતના સરતાજ સ્વ. ચંદ્રકાંત બક્ષીના સ્મરણાર્થે ટુંકી વાર્તા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વાર્તા સ્પર્ધામાં રાજકોટ, સૌરાષ્ટ્ર, ગુજરાત અને મહારાષ્ટ્રના શહેરોમાંથી સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ૧ર૬ સ્પર્ધકોએ પોતાની ટૂંકી વાર્તા સ્પર્ધામાં મોકલી હતી. જે પૈકી સ્વ. ચંદ્રકાંત બક્ષીની જન્મજયંતિ તા.ર૦ ઓગસ્ટના રોજ આ સ્પર્ધાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ ક્રમે મુંબઇના સ્પર્ધક કામિની મહેતાની કૃતિ 'ઉડાન', દ્વિતીય ક્રમે રાજકોટના જયશ્રીબા ગોહિલની કૃતિ 'માલુમ થાય કે', અને તૃતિય સ્થાને અમદાવાદના પ્રિયંકા જોશીની કૃતિ 'ધાગે' વિજેતા થઇ છે.આમ પ્રથમ ત્રણેય કૃતિઓ મહિલાઓની જાહેર થઇ છે.

 

આ ઉપરાંત પાંચ આશ્વાસન વિજેતાઓમાં પ્રથમ-મુંબઇના મિતલ પટેલની 'છિન્ન ભિન્ન', બીજા ક્રમે વડોદરાના ફ્રેડરીક ક્રિષ્ચનની 'શીવલીનો વલોપાત', ત્રીજા ક્રમે વાવોલ (ગાંધીનગર)ના નટવર હેડાઉની 'વલખા', ચોથા ક્રમે કેરીયા (લાઠી)ના કાજલ ભુવાની 'ચોથુ સપનું' અને પાંચમાં ક્રમે જંબુસર (ભરૂચ)ના સંકેત શાહની કૃતિ 'બેબસ' વિજેતા જાહેર થઇ છે.

આ સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતાને રૂ.૩૦૦૦, દ્વિતીય વિજેતાને રૂ.ર૦૦૦, તૃતિયને રૂ.૧૦૦૦ અને આશ્વાસન વિજેતાઓને પ્રત્યેકને રૂ.પ૦૦ રોકડ તેમજ એક સરપ્રાઇઝ ગીફટ અને એક વર્ષનું 'અરસ પરસ'નું લવાજમ એનાયત કરવામાં આવશે. આ ઉપરાંત સ્પર્ધામાં  ભાગ લેનાર તમામ સ્પર્ધકોને સર્ટીફીકેટ તેમજ એક સરપ્રાઇઝ ગીફટ આપવામાં આવે છે.

આ સ્પર્ધાના નિર્ણાયક તરીકે રાજકોટના જાણીતા સાહિત્યકાર અને નિવૃત શિક્ષક શ્રી નટવરભાઇ આહલપરા તેમજ શ્રી ધર્મેન્દ્રસિંહ રાઠોડ અને ભાવનગરના જિલ્લા પંચાયતના કર્મચારી શ્રી યોગેશભાઇ પંડયાએ સેવા આપી હતી. (૬.૮)

 

(4:07 pm IST)