રાજકોટ
News of Wednesday, 22nd August 2018

મોડલ સ્ટેન્ડીંગ ઓર્ડર ૧૯૪૬ માં કરેલા સુધારાનો લાભ સૌરાષ્ટ્ર કચ્છને પણ આપો : ભારતીય મઝદુર સંઘની ઝુંબેશ

રાજકોટ તા. ૨૨ : તાજેતરમાં કેન્દ્ર સરકારે 'મોડલ સ્ટેન્ડીંગ ઓર્ડર ૧૯૪૬ માં સુધારો 'ફીકસ ટર્મ એમ્પ્લોયમેન્ટ'માં ઔદ્યોગિક એકમો અને સંસ્થામાં કામ કરતા કર્મચારીઓના લાભમાં કરેલ છે. તેનો પુરો લાભ સૌરાષ્ટ્ર કચ્છને પણ મળે તે માટે ભારતીય મઝદુર સંઘ રાજકોટ દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

મઝદુર સંઘની યાદીમાં જણાવાયુ છે કે પ્રથમ તા.૭-૧૦-૧૮ ના ગારમેન્ટ અને લેધર ઉદ્યોગમાં કામ કરતા કર્મચારીઓ માટે જ હતો પરંતુ તેના માલીકો દ્વારા ગેરઉપયોગ થતા ફરીથી બીજો સુધારો તા.૧૬-૩-૧૮ ના રોજ કેન્દ્ર સરકારે રૂલ્સમાં કરેલ છે જે અન્ય તમામ ઉદ્યોગ તથા સંસ્થાઓને લાગુ કરેલ છે.

આ સુધારામાં જણાવેલ કે આ નોટીફીકેશન પ્રસિધ્ધ થયા પછી હવેથી ઔદ્યોગિક સંસ્થાના માલીકો સંસ્થામાં કાયમી જગ્યા અને કાયમી કર્મચારી કામ કરે છે તે જગ્યાઓને 'ફીકસ ટર્મ એમ્પ્લોયમેન્ટ'માં બદલી શકશે નહીં. ફીકસ ટર્મ એમ્પ્લોયમેન્ટમાં જે કામ કરતા હશે તેઓને હવેથી કાયમી કર્મચારીઓને જે લાભ મળે છે ત તમામ આપવાના રહેશે.

આ બાબતમાં કોઇ કર્મચારીઓને અન્યાય થતો હોય તો ભારતીય મઝદુર સંઘના કાર્યાલય 'શ્રમ સાધના' ઢેબર રોડ, ગુરૂકુળ પાણીના ટાંકાની સામે સવારે ૧૧ થી ૧ અને સાંજે પ થી ૮ દરમિયાન સંપર્ક કરવા ભારતીય મઝદુર સંઘ રાજકોટના અગ્રણીઓ સહદેવસિંહ જાડેજા, મહેશભાઇ વેકરીયા, મનુભાઇ ત્રિવેદી, હરીભાઇ પરમારે અનુરોધ કરેલ છે. (૧૬.૨)

(4:07 pm IST)