રાજકોટ
News of Wednesday, 22nd August 2018

ગોંડલ રોડ પર ધૂમ સ્ટાઇલથી ત્રણ સવારીમાં નીકળેલા શખ્સોનો જીઆરડી જવાન પર હુમલો

આશિષ મકવાણા કાર સર્વિસમાં મુકવા જતો હતો ત્યારે બાઇકચાલકે જોરદાર કાવો માર્યોઃ સરખું ચલાવવા કહેતાં છરીથી તૂટી પડ્યાઃ ઢીકાપાટુ પણ માર્યાઃ યુવાન સારવાર હેઠળ

રાજકોટ તા. ૨૨: ગોંડલ રોડ પર મોબાઇલના શો રૂમ નજીક જીઆરડી જવાન પોતાની મારૂતિ વેન લઇને જતો હતો ત્યારે ત્રણ સવારમાં બાઇક પર નીકળેલા શખ્સોએ ધૂમ સ્ટાઇલથી કાવો મારતાં તેને સરખી રીતે ચલાવવાનું કહેતાં ત્રણેયે છરીથી હુમલો કરી ઇજા કરી ઢીકા-પાટુનો માર પણ મારતાં આ યુવાન સારવાર માટે દાખલ થયો હતો.

જાણવા મળ્યા મુજબ કોઠારીયા પાસે સુભાષ પાર્કમાં રહેતો અને આજીડેમ પોલીસ મથકમાં જીઆરડી તરીકે ફરજ બજાવતો આશિષ વિરજીભાઇ મકવાણા (કોળી) (ઉ.૨૫) સાંજે પોણા સાતેક વાગ્યે પોતાની નવી મારૂતિ વેન સર્વિસમાં મુકવા જતો હતો ત્યારે એસ.ટી. વર્કશોપ પાસે ત્રણ સવારીમાં બાઇક પર નીકળેલા શખ્સે ધૂમ સ્ટાઇલથી જોરદાર કાવો મારતાં અને આગળ જઇ ફરીથી કાવો મારતાં આશિષે તેને સરખી રીતે ચલાવવાનું કહેતાં પૂજારાના શો રૂમ પાસે તેની કાર ઉભી રખાવી ઝઘડો કરી છરીથી હાથ-મોઢા પર છરકા કરી તેમજ ઢીકા-પાટુનો માર મારી ત્રણેય ભાગી ગયા હતાં. આશિષ સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં માલવીયાનગર પોલીસને જાણ કરવામાં આવી હતી. (૧૪.૬)

 

(4:03 pm IST)