રાજકોટ
News of Wednesday, 22nd August 2018

મઢી ચોકમાં સાઇડ આપવાની મોકાણ શરૂ થતાં ટ્રાફિકની સમસ્યા બેફામ વકરીઃ ભારે અંધાધુંધીના દ્રશ્યોઃ વાહનોની લાંબી કતારો

વર્ષોના વર્ષો વીતી ગયા...અહિ કદી સાઇડ આપવાની જરૂર નથી પડીઃ ત્રણ દિવસથી આવું શરૂ થતાં વેપારીઓના ધંધાને પણ માઠી અસરઃ કાર-રિક્ષા-ટુવ્હીલર સહિતના વાહનો દૂકાનો પાસે જ ઉભા રહી જાય છેઃ ગ્રાહકો આવી શકતા નથીઃ ડાબી સાઇડમાં જવા માટેનો રસ્તો પણ ખુલ્લો રહેતો નથીઃ એક તરફની સાઇડ ખુલે પછી કલોક વાઇઝ બીજી ત્રણ સાઇડો ખુલે ત્યાં સુધીમાં પહેલી સાઇડ ખુલી હોય એ તરફના વાહન ચાલકોને પાંચથી છ મિનીટ ઉભવું પડે છેઃ મઢી ચોકથી છેક ભગવતી હોલથી આગળ સુધી, છોટુનગર હોલ સુધી, અંબિકા પાર્કથી આગળ સુધી અને નિર્મલા રોડ પર પણ લાંબી-લાંબી કતારોઃ આ તમામ રસ્તા પરના દૂકાન ધારકોમાં ભારે દેકારોઃ ઉચ્ચ અધિકારીઓ જાતે આવીને નિરીક્ષણ કરે તો સમસ્યા દેખાશેઃ સાઇડ આપવાનું તાકીદે બંધ કરવામાં આવે તેવી માંગણી જામટાવર ચોકમાં પણ આવી જ હાલતઃ જ્યારથી સાઇડ આપવાનું શરૂ થયું છે ત્યારથી ટ્રાફિક જામની સમસ્યા ઉભી થઇ છે સવારથી રાત સુધી મઢી ચોકથી એરપોર્ટ રોડ, રૈયા ચોકડી, નિર્મલા રોડ અને આમ્રપાલી રોડ તરફ જતાં રસ્તાઓ ભારે ભારે હાલાકી

મઢી ચોકમાં ટ્રાફિક સમસ્યા કઇ હદે વકરી ગઇ છે તેની ગવાહી આ તસ્વીરો આપી રહી છે...ઠેર-ઠેર વાહનોની લાંબી-લાંબી કતારો જોઇ શકાય છે...આ ટ્રાફિકમાંથી બહાર નીકળનારાને જાણે મોટી મુશિબતમાંથી ઉગરી ગયા હોય તેવો અહેસાસ થાય છે (અહેવાલઃ ભાવેશ કુકડીયા, તસ્વીરોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૨: શહેરમાં ઠેર-ઠેર ટ્રાફિકની સમસ્યાનો પ્રશ્ન ઉદ્દભવે છે. આ મુશ્કેલીને દૂર કરવાના પોલીસ તંત્ર તરફથી પ્રયાસ શરૂ થયા છે તે ખુબ સારી બાબત છે. પરંતુ આ કામગીરી વચ્ચે અમુક પોઇન્ટ એવા છે જ્યાં 'બકરૂ કાઢતા ઉંટ પેઠે' તેવો ઘાટ ઘડાયો છે. રૈયા રોડના હનુમાન મઢી ચોકમાં આવી જ મુશ્કેલીનું સર્જન થયું છે. અહિ વર્ષોના વર્ષો વિતી ગયા આટલા સમયમાં કોઇ દિવસ ખાસ કિસ્સા સિવાય સાઇડ આપવાની જરૂરિયાત ઉભી થઇ નથી. પણ છેલ્લા ત્રણ દિવસથી મઢી ચોકમાં સાઇડ આપવાની કામગીરી શરૂ કરવામાં આવતાં ભારે અંધાધુંધીના દ્રશ્યો સર્જાઇ રહ્યા છે. વાહન ચાલકો અને ખાસ કરીને આ ચોકના દૂકાનધારકો ત્રાહીમામ પોાકરી ઉઠ્યા છે. ધંધા રોજગાર પર અસર ઉભી થઇ છે. કારણ કે ચારેય રસ્તા એવા છે જેને લગોલગ દૂકાનો આવેલી છે. આ દૂકાનો સામે જ વાહનોની લાંબી કતારો લાગી જાય છે આ કારણોસર ગ્રાહકોની આવ-જા લગભગ બંધ થઇ ગઇ છે. ઉચ્ચ અધિકારીઓ જાત નિરિક્ષણ કરી આ સમસ્યાના ઉકેલ રૂપે સાઇડ આપવાનું બંધ કરાવે એ જ એક રસ્તો દેખાય છે.

મઢી ચોકના વેપારીઓમાં ભારે ઉહાપોહ મચી ગયો છે. મઢી ચોક એવો પોઇન્ટ છે જ્યાં રૈયા ચોકડી તરફથી આવતો ટ્રાફિક, કાલાવડ રોડ કોટેચા તરફથી આવતો ટ્રાફિક તેમજ આમ્રપાલી ફાટક અને એરપોર્ટ રોડ છોટુનગર તરફથી આવતો ટ્રાફિક પસાર થતો રહે છે. વર્ષોથી આ રસ્તા પર કદી પણ સાઇડ આપવામાં આવી નથી અને એ કારણે કદી પણ તહેવારના કે કોઇ ખાસ સંજોગો સિવાય અહિ ટ્રાફિક નિયમન કરવું પડ્યું નથી. આ હકિકતથી સોૈ કોઇ વાકેફ છે. અહિ સાઇડ આપવાનું ચાલુ ન હોય ત્યારે જરાપણ ટ્રાફિક જામ થતો નથી અને આપમેળે વાહનો સરળતાથી નીકળી જાય છે. પરંતુ છેલ્લા ત્રણ દિવસથી 'મઢી ચોક એટલે ટ્રાફિકની માયાજાળ' એવી હાલતનું નિર્માણ થઇ ગયું છે.અધિકારીઓનો ઇરાદો ચોક્કસપણે ટ્રાફિક નિયમન, વ્યવસ્થાને સુદ્દઢ બનાવવાનો જ છે, અને તેની સામે કોઇને વાંધો પણ નથી. પરંતુ સાઇડ આપવાનું શરૂ કરવામાં આવતાં ટ્રાફિકની સમસ્યા ઉકેલાવાને બદલે વધુ વકરી ગઇ છે, એમ કહી શકાય કે પોલીસ તંત્રએ હાથે કરીને સમસ્યાનું સર્જન કરી નાંખ્યું છે! સવારના સાડા નવથી સાઇડ આપવાનું શરૂ થઇ જાય છે જે મોડી બપોર સુધી ચાલે છે. બાદમાં બપોર પછી સાઇડ આપવાનું ચાલુ થાય છે જે રાતના સાડાઆઠ નવ સુધી ચાલુ રહે છે. આ સમયગાળા દરયિમાન મઢી ચોકની ચારેય રસ્તા પરથી લગભગ તમામ દૂકાનોની સામે જ વાહનોની કતારો જામતી રહે છે.  રિક્ષાઓ, ટુવ્હીલર, કાર, સીટી બસો સહિતના વાહનો દૂકાનની બાજુમાં જ ઉભા રહે છે. સાઇડ બંધ થાય એટલે વાહનોની લાંબી કતારો જામે છે.

મઢી ચોકથી છોટુનગર હોલ સુધી કતારો જામે છે. તો સામે નિર્મલા સ્કૂલ સુધી વાહનોની લાઇન થઇ જાય છે. એ જ રીતે આમ્રપાલી ફાટક તરફ જતાં રસ્તે અંબિકા પાર્ક સુધી અને કયારેક તેનાથી પણ આગળ સુધી વાહનોનો જામ થઇ જાય છે. તો મઢી ચોક હનુમાનજીના મંદિરથી ભગવતી હોલ અને એનાથી પણ આગળ સુધી વાહનો ઉભા રહી જાય છે. આ કારણે આ તમામ રસ્તા પરથી દૂકાનોના ધારકોના ધંધા પર માઠી અસર થઇ રહી છે. કારણ કે સતત વાહનો આડા ઉભા રહેતાં હોઇ ગ્રાહકોની આવ જા થઇ શકતી નથી. કોઇ ટુવ્હીલર લઇને ખરીદી કરવા આવ્યું હોય તો તે પોતાનું વાહન પાર્ક કરી શકતાં નથી.

એક તરફની સાઇડને દોઢથી પોણા બે મિનીટ સુધી બંધ રખાય છે. એ પછી ડાબા હાથ તરફથી સાઇડ ખુલે છે. એ સાઇડનો સમય દોઢેક મિનીટ પછી કલોક વાઇઝ ત્રીજી સાઇડ અને પછી ચોથી સાઇડ ખુલે છે. આમ સોૈ પહેલા જે સાઇડ ખુલી હોઇ ત્યાં નવા વાહનો આવે તેને ઓછામાં ઓછા પાંચ કે છ મિનીટ સુધી જામમાં ફસાઇ રહેવું પડે છે.  મઢી ચોકના મંગલેશ્વર મહાદેવ મંદિર પાછળના રસ્તા પરથી તો સ્કૂલના બાળકો પણ સાઇકલો સાથે પસાર થતાં રહે છે. સવાર અને સાંજના સમયે છુટતી સ્કૂલના બાળકો સાઇકલો સાથે મોટા વાહનોની વચ્ચે રિતસર ફસાઇ જાય છે. છેક છોટુનગર હોલ સુધી વાહનોની કતારો જામી હોઇ રોડ ટચ મકાન ધરાવતાં લોકો પોતાના ફળીયામાંથી પોતાના વાહનો પણ બહાર કાઢી શકતાં નથી. તેમને કયાંક જવું હોઇ  તો રિતસર ખાલી જગ્યા મળે તેની રાહ જોવી પડે છે. ઉચ્ચ અધિકારીઓ આ સમસ્યાનું જાત નિરિક્ષણ કરી તાકીદે સાઇડ આપવાની કાર્યવાહી બંધ કરાવે તેવી માંગણી વેપારીઓ અને આ ચોકમાંથી સતત આવ જા કરતાં વાહન ચાલકોમાં ઉઠવા પામી છે. (૧૪.૧૧)

(3:58 pm IST)