રાજકોટ
News of Wednesday, 22nd August 2018

પાણીકાપ ટળ્યો...

કાલાવડ રોડ પર વર્ષો જૂની પાણીની મુખ્ય પાઈપલાઈન તૂટીઃ ઈજનેરોએ રાતોરાત રીપેરીંગ કર્યુ

રાજકોટઃ શહેરના કાલાવડ રોડ પર કે.કે.વી. ચોકથી આગળની તરફ સેન્ટમેરી સ્કૂલ પાસે ગઈકાલે ન્યારી ફીલ્ટર પ્લાન્ટની પાણી વિતરણની ૭૦૦ એમ.એલ. ડાયામીટરની અંદાજે ૩૦ વર્ષ જૂની પાઈપલાઈન તૂટી હતી. જેના કારણે ગઈકાલે દિવસભર ડામર રોડ તોડીને પાણી નીકળી રહ્યુ હતું. દરમિયાન આ બાબતની જાણ આ વિસ્તારના ડે. ઈજનેર પરેશ પટેલને થતા તેઓએ તાત્કાલીક ધોરણે સ્થળ પર પહોંચી પાણીના લીકેજને શોધવાની કાર્યવાહી હાથ ધરી હતી અને સાંજે પાઈપલાઈન લીકેજનું સ્થળ મળતા આ સ્થળે તાબડતોડ જે.સી.બી. મશીનથી ખોદાણ કામ શરૂ કરતા ૧૯૮૦ થી ૯૦નાં દાયકામાં નંખાયેલ વર્ષો જુની સિમેન્ટની ૭૦૦ એમ.એલ.ડાયામીટરની પાઇપલાઇનનાં જોઇન્ટનું રબ્બર સડીને તુટી ગયાનું ખુલ્યુ હતું અને પાઇપલાઇનમાં લાખો લીટર પાણી ભરાયેલું પાણીનાં ફુવારા ઉડયા હતા અને રોડ ઉપર પાણીની નદી વહી હતી. આમ છતાં પાણી ભરેલા ખાડામાં ડુબકીઓ લગાવી મોડી રાત્રીનાં રાા વાગ્યા સુધી આ પાઇપ લાઇનનું રીપેરીંગ ચાલુ રાખી નવો જોઇન્ટ કરી નાંખ્યો હતો જેના કારણે આજે સવારે ન્યારી ઝોન હેઠળનાં ન્યુ. રાજકોટ તથા સેન્ટ્રલ ઝોનમાં ૮ થી ૧૦ વોર્ડમાં વિના વિધ્ને પાણી વિતરણ રાબેતા મુજબ થયું હતું. બાદ ડે. ઇજનેર પરેશ પટેલ આસિ. ઇજનેર શ્રી ગોહેલ અને ફીટર શ્રી પરસાણાએ રાતોરાત પાઇપ લાઇનનું અત્યંત જરૂરી રીપેરીંગ કરી નાંખતા આજે ઇદનાં તહેવારમાં અડધા રાજકોટમાં પાણી કાપનું જોખમ ટળી ગયું હતું. તસ્વીરમાં પાઇપ લાઇનનાં રીપેરીંગ માટે જે.સી.બી.થી ખાડો ખોદવામાં આવી રહેલો તથા રોડ પર પાણી વહયા હતા તે અને રીપેરીંગ માટે પહોંચેલા ઇજનેર પરેશ પટેલ વગેરે અધિકારીઓ દર્શાય છે. પાઇપલાઇનનો જોઇન્ટ નજરે પડે છે (૨-૨૩)

(3:56 pm IST)