રાજકોટ
News of Wednesday, 22nd August 2018

સામાજીક વિવાદો સર્જીને ચૂંટણી જીતવા ભાજપના ફાંફાઃ પુંજાભાઈ

કોંગ્રેસ શહેરી વિસ્તારમાં થોડી નબળી પડી છે પણ કવર કરી લેવાશે : સમગ્ર કોળી સમાજ કોંગ્રેસ સાથે છે અને રહેશે જઃ કોંગ્રેસ આવો નકારાત્મક વ્યૂહ સફળ થવા નહિં દયે, લોકસભાની ૧૨ બેઠકો ઉપર કોંગ્રેસનો જયજયકાર થશે : સૌરાષ્ટ્રની ૫ બેઠકો ઉપર કોળી સમાજનું પ્રભુત્વ : રાજયમાં વહીવટી તંત્રના ચીથરેહાલ : કોંગ્રેસના દિગ્ગજ નેતા પુંજાભાઈ 'અકિલા'ની મુલાકાતે

રાજકોટ, તા. ૨૨ : એકબીજા સમાજને ભીડવવાની રાજરમત ભાજપ હંમેશા કરતું આવ્યું છે પણ કોંગ્રેસ આવા નકારાત્મક વ્યૂહને કયારેય સફળ થવા નહિં દે. આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો જયજયકાર થશે. આ શબ્દો છે કોંગ્રેસના ઉનાના ધારાસભ્ય શ્રી પુંજાભાઈ વંશના.

આજે બપોરે રાજકોટમાં સૌરાષ્ટ્ર - કચ્છના કોળી સમાજનું કોંગ્રેસ પ્રેરિત સંમેલન હોય તેઓ રાજકોટ આવ્યા છે. સવારે ''અકિલા'' કાર્યાલય ખાતે મુલાકાતે આવેલા. તેઓએ જણાવેલ કે ગત લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા. તે સમયે પ્રજાને અનેક ખોટા વચનો આપી તમામ બેઠકો ઉપર જીત મેળવી લીધી અને વડાપ્રધાન બની ગયા. ગત ચૂંટણી કરતા આ વખતની ચૂંટણી અલગ છે. હવે પ્રજા સમજી ગઈ છે અને ભાજપના પ્રયત્નો કયારેય સફળ નહિં થાય.

એક પ્રશ્નના જવાબમાં પુંજાભાઈએ જણાવેલ કે ગુજરાતનું વહીવટીતંત્ર અંદરથી સાવ ખોખલુ થઈ ગયુ છે. રાજય સરકાર દ્વારા મસમોટી જાહેરાતો કરવામાં આવે છે. જયારથી ભાજપનંુ શાસન છે ત્યારથી દિન પ્રતિદિન ભ્રષ્ટાચાર વધતો જ જાય છે. તંત્રને ખોખલુ કરવામાં આ પણ એક કારણ છે.

પુંજાભાઈએ વધુમાં જણાવેલ કે યુવા નેતા રાહુલ ગાંધીના સફળ નેતૃત્વથી ટીમને જોમ મળ્યુ છે. આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપની નિષ્ફળતાને ઉજાગર કરવા ખાસ વ્યૂહરચના કરવામાં આવી છે. આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ઓછામાં ઓછી ૧૨ બેઠકો તો મેળવશે જ. તેઓએ એ વાતનો પણ સ્વીકાર કર્યો હતો કે છેલ્લા કેટલાક સમયથી જે પ્રકારનું રાજકારણ ચાલી રહ્યું છે. તે જોતા ખાસ કરીને શહેરી વિસ્તારોમાં કોંગ્રેસ નબળી પડી છે. સમાજને સાથે જોડવામાં થોડી કચાસ રહી છે. તે વાતનો તેમણે સ્વીકાર કર્યો હતો. તેઓએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે ભાજપ એકબીજા સમાજને સામસામા ભીડવી વિભાજન કરવાનું કામ કરી રહી છે, પરંતુ તેની આ કારી ફાવશે નહિં.

રાજકોટ - સૌરાષ્ટ્રમાં કોળી સમાજનું ભારે પ્રભુત્વ છે. જેમાં રાજકોટ સહિત સુરેન્દ્રનગર, ભાવનગર, જૂનાગઢમાં કોળી સમાજનું પ્રભુત્વ છે. એક પ્રશ્નના જવાબમાં પુંજાભાઈએ જણાવેલ કે કુંવરજીભાઈ સહિતના નેતા ભાજપમાં જોડાયા તેનાથી કોંગ્રેસને કોઈ ફેર પડતો નથી. જે પક્ષના વિચારોથી આવા લોકોએ નામના મેળવી, પક્ષના બળથી જીત્યા. આવા વિચાર ધારાવાળા લોકો અન્ય પક્ષમાં ગયા, પરંતુ એ લોકો સમજી લે કે ભવિષ્યમાં આવા લોકોને પછડાટ મળી છે. કોળી સમાજના અમુક લોકો પણ છેડો ફાડી ચાલ્યા ગયા ે એ લોકો પણ પક્ષમાં પરત આવવાના છે.

પુંજાભાઈએ વધુમાં કહેલ કે સૌરાષ્ટ્રની પાંચ બેઠકો સહિત ગુજરાતની ધંધુકા, ધોળકા, નવસારી એમ રાજયમાં ૮ બેઠકો ઉપર કોળી જ્ઞાતિનું પ્રભુત્વ રહેલુ છે. છેલ્લા કેટલાક સમયથી જે સમાજના નેતા હોય તેની સામે પણ એ જ સમાજના નેતાને ચૂંટણી લડાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે.આજના બપોરે યોજાએલ કોળી સમાજના સંમેલનમાં તેઓએ જણાવેલ કે કોળી સમાજ સંગઠિત છે અને રહેશે જ. એકાદ બે લોકોના પક્ષ છોડવાથી સમાજને કોઈ ફેર નહિં પડે.

તસ્વીરમાં ''અકિલા'' પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે ઉનાના ધારાસભ્ય શ્રી પુંજાભાઈ વંશ તેમજ પાલીતાણાના પૂર્વ ધારાસભ્ય અને ભાવનગર જીલ્લા પ્રમુખ શ્રી પ્રવિણભાઈ રાઠોડ સાથે કોંગી અગ્રણી શ્રી જીતુભાઈ ભટ્ટ અને પૂર્વ કોર્પોરેટર શ્રી પ્રવિણભાઈ સોરાણી નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:50 pm IST)