રાજકોટ
News of Wednesday, 22nd August 2018

ડેરોઇમાં શેઢે ખડ વાઢતાં કરસનભાઇ રૈયાણીને નાના ભાઇએ માર માર્યો

પડખામાં મુક્કા મારતાં ગંભીર ઇજાઃ રાજકોટ સારવાર હેઠળ

રાજકોટ તા. ૨૨: કુવાડવા તાબેના ડેરોઇ ગામમાં રહેતાં અને ખેતી કરી ગુજરાન ચલાવતાં લેઉવા પટેલ વૃધ્ધ કરસનભાઇ દુદાભાઇ રૈયાણી (ઉ.૬૦)ને સગા નાના ભાઇ લક્ષમણ દુદાભાઇ રૈયાણીએ ઝઘડો કરી પડખામાં મુક્કા મારતાં અંદર લોહી મરી જતાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

આ અંગે હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રાજદિપસિંહે કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી. કરસનભાઇને સંતાનમાં બે પુત્ર છે. પોતે બે ભાઇ અને એક બહેનમાં મોટા છે. પુત્ર હસમુખભાઇના કહેવા મુજબ પિતા કરસનભાઇ વાડીના શેઢે ખડ વાઢી રહ્યા હતાં ત્યારે કાકા લક્ષમણભાઇએ ખડ વાઢવાની ના પાડી ઝઘડો કરી હુમલો કર્યો હતો. (૧૪.૬)

(11:47 am IST)