રાજકોટ
News of Wednesday, 22nd August 2018

ડો. બાબા સાહેબની પ્રતિમા પરથી ચશ્માની ચોરીનો ભેદ ઉકેલાયોઃ મહેબૂબ ખાટકીની ચશ્મા સાથે ધરપકડ

સીસીટીવી ફૂટેજમાં ૧૯મીની રાત્રે શકમંદ દેખાયો તેના આધારે તપાસ થઇ ને ભેદ ઉકેલાયોઃ રખડતું જીવન જીવતા અને નશાની ટેવ ધરાવતાં મહેબૂબે કહ્યું-હું દરરોજ બાબાસાહેબની પ્રતિમાને સાફ કરુ છું, સફાઇમાં ચશ્મા નડતા'તા એટલે કાઢી લીધા'તા

રાજકોટ તા. ૨૨: સિવિલ હોસ્પિટલમાં ચોકમાં આવેલી ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ઉપરથી કોઇ ચશ્મા ચોરી જતાં દલિત સમાજના લોકો મોટી સંખ્યામાં ભેગા થઇ ગયા હતાં અને ઘટનાને વખોડી કાઢી હતી. પોલીસ અને કોર્પોરેશન તંત્રએ તાકીદે પહોંચી લોકોને શાંત પાડ્યા હતાં અને કોર્પોરેશન તંત્ર દ્વારા તાકીદે નવા ચશ્મા બનાવવા ઓર્ડર આપી દેવાયો હતો. પોલીસે પણ આ મામલે તુરત જ ગુનો નોંધી તપાસ શરૂ કરી દીધી હતી. સીસીટીવી ફૂટેજને આધારે તપાસ થતાં કલાકોમાં ભેદ ઉકેલાઇ ગયો છે. પોલીસે ચોરાયેલા ચશ્મા સાથે મોચી બજાર, રૂખડીયા પરા અને હોસ્પિટલ ચોકમાં રખડતું ભટકતું જીવન જીવતાં મહેબુબ ગનીભાઇ ભાડુલા (ખાટકી) (ઉ.૫૫)ની ધરપકડ કરી છે.

એ-ડિવીઝન પોલીસે મ્યુ. કોર્પોરેશનના સાંસ્કૃતિક વિભાગના આસી. મેનેજર રેસકોર્ષ રીંગ રોડ પર શ્રેયશ સોસાયટીમાં રહેતાં અમિતભાઇ ભરતભાઇ ચોલેરા (ઉ.૫૪)ની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ કે શખ્સો તપાસમાં ખુલે તેની સામે આઇપીસી ૨૯૫, ૩૭૯, ડેમેજ ટુ પબ્લીક પ્રોપર્ટી એકટની કલમ-૩ મુજબ કોઇપણ વ્યકિતએ કોઇ વર્ગના લોકોના ધર્મનું અપમાન થાય તેવી જાણકારી હોવા છતાં ઇરાદા પુર્વક ડો. બાબા સાહેબની પ્રતિમાના ચશ્માની ચોરી કરી રૂ. ૬ હજારનું નુકસાન કરવા સબબ ગુનો નોંધ્યો હતો.

ડો. બાબા સાહેબની પ્રતિમા છે એ એંગલ ડાયરેકટ દેખાય તેવા સીસીટીવી કેમેરા નથી. પણ આસપાસના રસ્તા પરના કેમેરાના ફૂટેજ પી.આઇ. એન. કે. જાડેજાની રાહબરીમાં પીએસઆઇ એસ. એન. સાખરા, એએસઆઇ શિવરાજસિંહ જાડેજા, હેડકોન્સ. ભરતસિંહ ગોહિલ, હારૂનભાઇ ચાનીયા, ઇન્દ્રસિંહ જાડેજા, વિરભદ્રસિંહ ઝાલા, કોન્સ. નરેશભાઇ ઝાલા, હાર્દિકસિંહ પરમાર, મેરૂભા ઝાલા, જગદીશભાઇ વાંક, કરણભાઇ વિરસોડીયા સહિતે તપાસવાનું શરૂ કર્યુ હતું.

દરમિયાન ફૂટેજમાં દેખાતો શખ્સ બીજો કોઇ નહિ પણ હોસ્પિટલ ચોકીમાં પ્રતિમા પાસે જ મોટે ભાગે સુઇ રહેતો મહેબૂબ ખાટકી હોવાની બાતમી પીએસઆઇ સાખરા અને હાર્દિકસિંહને મળતાં મહેબૂબને ઉઠાવી લઇ પુછતાછ કરતાં તેણે ચશ્મા કાઢ્યાનું કબુલી લીધુ હતું અને ચશ્મા પણ પોલીસને આપી દીધા હતાં. તેના કહેવા મુજબ તે નશાની ટેવ ધરાવે છે અને ડો. આંબેડકરસાહેબની પ્રતિમાને અવાર-નવાર સાફસફાઇ કરે છે. સફાઇમાં ચશ્મા નડતાં હોવાથી કાઢી લીધા હતાં. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનિય છે કે આ મામલે દલિત સમાજના આગેવાનોએ એ-ડિવીઝન પી.આઇ. એન. કે. જાડેજા સમક્ષ રજૂઆત પણ કરી હતી. ત્યાં કલાકોમાં જ આ ચોરીનો ભેદ ઉકેલાઇ ગયો છે. (૧૪.૧૩)

(3:53 pm IST)