રાજકોટ
News of Thursday, 22nd July 2021

પૂ. ધીરજમુનીનો હોટલ ઇમ્પીરીયલ પેલેસમાં ચાતુર્માસ પ્રવેશ કાર્યક્રમ : ભારે રોષ

વિમાન વિવાદ શમ્યો નથી અને કોઇ ખુલાસો કરવામાં નથી આવ્યો ત્યારે :કાર્યક્રમમાં શ્રાવકો અને જૈન સમાજના મોટા માથાઓની સુચક ગેરહાજરીઃ મોટો ફંડ ફાળો કરાયાની ચર્ચા

રાજકોટ તા. રરઃ જૈનોના ચાતુર્માસનો કાલથી પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે આજે શહેરમાં પૂ. ધીરજમુની મ.સા.નો ચાતુર્માસ પ્રવેશ જૈન-જૈનતરોમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. પહેલા વિમાન વિવાદ અને હવે ચાતુર્માસનો ફાઇવ સ્ટાર કેટેગરીની હોટલમાં પ્રવેશ મુદ્દે ભારે નારાજગી ફેલાઇ છે.

કોલકત્તાથી રાજકોટ ચાતુર્માસ અર્થે અમદાવાદ સુધી વિમાનમાં આવ્યાનો વિવાદ હજી શમ્યો નથી ત્યાં પૂ. ધિરજમુની દ્વારા આજે શહેરની ઇમ્પીરીયલ પેલેસ હોટલ ખાતે ચાતુર્માસ પ્રવેશ કરતા નવો વિવાદ ઉભો થયો છે. સામાન્ય રીતે જૈન સાધુ-સાધ્વીજીઓ ચાતુર્માસ દરમિયાન જૈન સ્થાનકોમાં જ પ્રવેશ કરતા હોય છે.

અગાઉ પૂ.શ્રીનો ચાતુર્માસ પ્રવેશ શહેરની એક નામાંકીત શાળામાં યોજાવાનો હતો, આમંત્રણ કાર્ડ પણ છપાય ગયા હોવાનું અને અંત સમયે સ્થળ રદ્દ કરાયાનું પણ જાણવા મળે છે આજના પ્રવેશ કાર્યક્રમમાં અનેક કાર્યો માટે મોટા પાયે ફાળો એકઠો કરાયાનું પણ જાણવા મળેલ છે.

સાધુ-સંતોનું જીવન સાદાઇવાળું અને અન્યોને પ્રેરણાદાયી હોય છે ત્યારે આજે પૂ. ધીરજમુનીનો ચાતુર્માસ પ્રવેશ ફાઇવ સ્ટાર કેટેગરીની હોટલમાં યોજાતા જૈનો ઉપરાંત જૈનેતરોમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. હોટલોમાં અજૈન વસ્તુઓ પણ બનતી હોય છે, ત્યારે આવી જગ્યાએ થયેલ ચાતુર્માસ પ્રવેશ અનેક પ્રશ્નો ઉભા કરે છે.

રાજકોટમાં જૈન સ્થાનકોની કોઇ કમી નથી. શહેરમાં લગભગ ૬૦થી વધુ દેરાસરો-ઉપાશ્રયો છે ત્યારે તેમાંથી એક પણ જગ્યાએ પ્રવેશ ન કરી હોટલમાં કાર્યક્રમ રાખવાનો હેતુ શ્રાવકો અને ઘણા અગ્રણીઓના મનમાં શંકા-કુશંકા ઉપજાવી રહ્યો છે.

આજના મહા ફાઇવસ્ટાર ચાતુર્માસ પ્રવેશ કાર્યક્રમમાં શ્રાવકો ઉપરાંત જૈન અગ્રણીઓ ગેરહાજર હતા. જે આ કાર્યક્રમ અંગેના રોષ સમાન છે. વિમાન પ્રવાસ મુદ્દે કોઇ ચોખવટ નથી કરવામાં આવી અને આ નવો મુદ્દો ઉભો થતા અનેકવિધ ચર્ચાઓ થઇ રહી છે.

(3:56 pm IST)