રાજકોટ
News of Thursday, 22nd July 2021

પુનઃલગ્ન કરનાર પત્નિના આંગળીયાત પુત્રોના ભરણ પોષણની જવાબદારીમાંથી પિતા છટકી શકે નહિં: કોર્ટનો મહત્વનો ચુકાદો

રાજકોટ તા. રરઃ પુનઃ લગ્ન કરનાર પત્નીના આંગળીયાત પુત્રોના ભરણપોષણની જવાબદારીમાંથી પિતા છટકી ન શકેઃ વચગાળાનું ભરણ પોષણ મંજુર કરી અદાલતે મહત્વનો ચુકાદો આપેલ હતો.

અહીંના ગ્રીનપાર્ક સોસાયટી હુડકો ચોકડી પાસે રહેતી પરણીતા નામે નીતુબા એ રાજકોટ ખાતે રાજકોટ ડેરીમાં નોકરી કરતા ભરતસિંહ ઝાલા સાથે પુનઃ લગ્ન કરેલ હતા અને પોતાના આગલા ઘરના બે સગીર સંતાનોને આંગળીયાત સંતાન તરીકે સાથે લઇ અને ભરતસિંહના ઘરે રહેવા આવેલ હતી.

અરજદારની અરજીની વિગતે પતિ સતત શંકા કરતો રહેતો હતો અને પત્ની તથા આંગળીયાત બંને સગીર સંતાનોની જવાબદારી ઉપાડવાનું તેણે લગન પહેલા સ્વીકારેલ હોઇ તેમ છતાં પુનઃ લગ્ન કરનાર પતિ ભરતસિંહ પરણીતાને તથા તેના આગલા ઘરના બંને સગીર સંતાનોને નોંધારા મુકી અન્ય સ્ત્રી મિત્ર સાથે રહેવા જતા રહેલ હતા અને પરણીતા પાસે આવકનું કોઇ સાધન ન હોઇ તેણે પોતાના વકીલ શ્રી અંતાણી મારફતે રાજકોટની ફેમીલી કોર્ટમાં પોતાના અને તેના આગલા ઘરના બંને સંતાનોની ભરણ પોષણની માંગ કરતી અરજી દાખલ કરેલ હતી અને પરણીતા પાસે આવકનું કોઇ સાધન ન હોઇ કેસ ચાલુ થાય તે પહેલાંજ વચગાળાના ભરણ પોષણની માંગ કરતી અરજી પણ દાખલ કરેલ હતી.

ત્યારબાદ વચગાળાની રકમની માંગ કરતી અરજી દલીલ પર આવતાં પરણીતાના વકીલ શ્રી અંતાણી એ લંબાણ પુર્વકની દલીલો રજુ કરેલ અને આ તમામ દલીલોથી સહમત થઇ પુનઃ લગ્ન કરનાર પતિ ભરતસિંહે પરણીતા અને તેના આગલા ઘરના બંને સંતાનોને કેસ શરૂ થયા પહેલા વચગાળામાં માસીક પ૦૦૦/- પાંચ હજાર પુરા ભરણ પોષણ પેટે અરજીની દાખલ તારીખથી એટલે કે તા. ૭-૧-ર૦થી ચુકવવાનો હુકમ કરી કેસની નવી મુદત મુકરર કરેલ હતી.

આમ કેસ ચાલુ થયા પહેલા પરણીતા પોતાના અને તેના આગલા ઘરના સગીર સંતાનોના રૂ. ૯૦,૦૦૦/- નેવું હજાર ભરણ પોષણ પેટે પુનઃ લગ્ન કરનાર પતિ ભરતસિંહ પાસેથી મેળવવા હકકદાર બનેલ અને હવેથી પતિએ હુકમ મુજબ રૂ. પ૦૦૦ નીયમીત તમામ અરજદારોના ચુકવવાના થતા હોઇ પરીણતાએ રાહતનો દમ લીધેલ હતો.

આ કામે પરણીતા નીતુબા વતી રાજકોટના એડવોકેટ શ્રી સંદીપ કે. અંતાણી તથા સમીમબેન એમ. કુરેશી રોકાયા હતા.

(2:54 pm IST)