રાજકોટ
News of Thursday, 22nd July 2021

રાજકોટ કલેકટરે બીનખેતીની એકી સાથે ૭૦ ફાઇલો અગ્રાહય રાખતા અરજદારોમાં દેકારોઃ વકીલોમાં દોડધામ

જૂદી જૂદી અનેક કવેરીઓ નીકળીઃ પ્રિમીયમના હુકમો વાળી ૧પ૯ ફાઇલોના ઓર્ડરો પણ પેન્ડીંગ : અરૂણ મહેશ બાબુ ગાંધીનગરમાં મહેસૂલ અંગે મીટીંગઃ દબાણ-તુમાર-પડતર નોંધ-અપીલના કેસો સહિતની કામગીરી અંગે સમીક્ષા રાજકોટથી મોકલાયેલ ફાઇલો અંગે પણ નિર્ણયની શકયતા.

રાજકોટ તા. રરઃ રાજકોટ જીલ્લા કલેકટર શ્રી અરૂણ મહેશ બાબુએ કડક હાથે ધોકો પછાડી બીનખેતીની એકી સાથે ૭૦ જેટલી ફાઇલો ગયા અઠવાડીયે એકી સાથે અગ્રાહય રાખતા અરજદારોમાં ભારે દેકારો મચી ગયો છે, અને સતત પુછપરછ કરતા નજરે પડી રહ્યા છે, તો સાથોસાથ તેમના અમુક વકીલોમાં ભારે દોડધામ થઇ પડયાનું જાણવા મળ્યું હતું.

કલેકટર લોબીના અધિકારી સૂત્રોએ ઉમેર્યું હતું કે, કલેકટરશ્રીએ ૧૦ દિવસમાં બીનખેતીની ૭૦ જેટલી ફાઇલો અગ્રાહય રાખી છે, જુદી જુદી કવેરીઓ સંદર્ભે આ ફાઇલો રીજેકટ કરાઇ છે, હવે પૂર્તતા માટે દરેક અરજદારોને પત્ર દ્વારા જાણ કરવામાં આવી રહી છે.

દરમિયાન મળતી વિગતો મુજબ પ્રિમીયમ ભરવાના હુકમો થયા હોય એવી ૧પ૯ ફાઇલોના પણ હજૂ સુધી હુકમો જે તે પાર્ટી અરજદારને નહિ અપાતા દેકારો મચી ગયો છે. દરમિયાન રાજકોટ જીલ્લા કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુને આજે સરકારે ગાંધીનગર બોલાવતા તેઓ ગાંધીનગર દોડી ગયા છે, એડી. કલેકટરશ્રી કેતન ઠકકરે જણાવ્યું હતું કે, મહેસુલ ખાતાની મીટીંગ અર્થે ગયા છે, મહેસુલના મુદાઓ તુમાર-દબાણ-પડતર નોંધ, રાજકોટથી મોકલાયેલ ફાઇલો અંગે નિર્ણય વિગેરે બાબતે ચર્ચા થશે.

(2:46 pm IST)