રાજકોટ
News of Thursday, 22nd July 2021

પોલીસ હેડકવાર્ટરમાં એમટી વિભાગ પાછળ નશો કરેલા બે શખ્સ પકડાયા

બંને પૂર્વ લાઇનબોયઃ પીઆઇ મયુર કોટડીયા અને ટીમના ચેકીંગમાં મળી આવતાં કાર્યવાહી

રાજકોટ તા. ૨૨: શહેરના પોલીસ હેડકવાર્ટરમાં અંબાજી માતાના મંદિર નજીક એમ.ટી. શાખાની પાછળના ભાગેથી હેડકવાર્ટરના પીઆઇ અને ટીમે ચેકીંગ દરમિયાન બે પૂર્વ લાઇનબોયને નશો કરેલી હાલતમાં પકડી લઇ પ્ર.નગર પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે.

હેડકવાર્ટરના પીઆઇ મયુર એ. કોટડીયા, હેડકોન્સ. આઇ. બી. જાડેજા અને બીપીનભાઇ પટેલ રાતે સવા અગિયારેક વાગ્યે હેડકવાર્ટર એરિયામાં ચેકીંગમાં નીકળ્યા ત્યારે એમ. ટી. વિભાગની પાછળ બે શખ્સ શંકાસ્પદ નજરે પડતાં સકંજામાં લઇ તપાસ કરતાં બંનેએ દારૂ પી લીધો હોવાનું જણાતાં પ્ર.નગર પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો. પુછતાછમાં પોતાના નામ ઇન્દ્રજીત નરેન્દ્રભાઇ હુદડ (ઉ.૩૦-રહે. ભોમેશ્વર-૧ જામનગર રોડ) તથા રાહુલ કિશોરભાઇ પરમાર (ઉ.૨૫-રહે. મોચીબજાર-૬) જણાવ્યા હતાં. બંને કોન્ટ્રાકટ બેઝ પર ડ્રાઇવીંગ કામ કરે છે.

(12:50 pm IST)