રાજકોટ
News of Tuesday, 22nd June 2021

ખેતીની જમીન ધરાવતા અને ઓનલાઈન અરજી કરનાર હજારો ખેડૂતો પાસેથી ૧૯૫૫ની સાલનું જમીનનું પ્રમોલગેશન મંગાતા ભારે દેકારો : સેંકડો ખેડૂતો લાચાર : નોટીસો ફટકારવા તજવીજ

રાજકોટ તાલુકાનો ખેડૂત અન્યત્ર ખેતીની જમીન ખરીદે તો તેની પાસે ૧૯૫૫ની સાલનું જમીનનું પ્રમોલગેશન ન હોય સોદાઓ અટકી પડ્યા : અમુક પ્રાંત કચેરી દ્વારા ભારે જડ વલણ : સરકારે ૬ મહિના પહેલા આવો પરિપત્ર કરી ખેડૂતોને મુશ્કેલીમાં મૂકી દીધા : આ બાબતે પરિપત્રમાં તાકીદે ફેરફાર કરવો જરૂરી : ખેતીની જમીન ધરાવતા હજારો લોકોની માંગણી

રાજકોટ, તા. ૨૨ : તાજેતરમાં રાજય સરકારે પાંચ થી છ મહિના પહેલા ઓનલાઈન ખેડૂતના દાખલા સંદર્ભે કરેલી કાર્યવાહી અને પ્રાંત અધિકારીઓને આપેલી સત્તા બાદ રાજકોટ શહેર - જીલ્લામાં જે તે પ્રાંત કચેરીઓ દ્વારા ઓનલાઈન જે અરજી કરે તે ખેડૂતો પાસેથી ૧૯૫૫ના કાયદા અનુસાર ૧૯૫૫ની સાલનું જમીનનું પ્રમોલગેશન માંગવામાં આવતા અને સેંકડો ખેડૂતો દ્વારા આ રજૂ નહિં કરી શકાતા રાજય સરકારે જે તે પ્રાંત કચેરીઓ દ્વારા ઓનલાઈન જાણ કરી નોટીસ ફટકારવાની કાર્યવાહી શરૂ થતાં ખળભળાટ મચી ગયો છે.

રાજકોટ તાલુકા ખેડૂત અન્ય કોઈ ગામ કે તાલુકામાં કે જીલ્લામાં જમીન ખરીદ કરે તો તેણે ૧૯૫૫ની સાલનું જમીનનું પોતાનું પ્રમોલગેશન આપવાનું ફરજીયાત કરાયુ, પરંતુ અનેક ખેડૂતો એવા છે જે ૧૯૫૫ કે પછી પણ જન્મ્યા હોય. અથવા તો તેમની પાસે ઉત્તરોત્તર ખેતીનો આધાર પણ ન હોય તે ખેત જમીનની કોઈ વારસાયીક આવક પણ ન હોય આ લોકો ૧૯૫૫ની સાલનું પોતાની જમીનનું પ્રમોલગેશન રજૂ નહી કરી શકતા હોવાનું બહાર આવ્યુ છે.

સરકારે આ ઓનલાઈન કર્યુ એની પાછળ કોઈ બોગસ વ્યકિત ખાતેદાર ન બની જાય તે આશય રહેલો છે. પરંતુ ૧૯૫૫ની સાલનો નિયમ અમલમાં મૂકાતા આજે ૬૫ થી ૭૦ વર્ષ બાદ આવુ પ્રમોલગેશન કયાંથી કાઢવુ તે પ્રશ્ન થઈ પડ્યો છે અને તેમજ આ કાર્યવાહી પ્રાંત સમક્ષ કરવાની હોય અમુક પ્રાંત દ્વારા જળ અને જટકી વલણને કારણે બારના જીલ્લાના અને રાજકોટ જીલ્લાના હજારો ખેડૂતો મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે. સરકારે ૧૨ મહિના પહેલા બહાર પાડેલા પરિપત્રમાં થોડો ફેરફાર કરી અને સરળ કાયદાની જોગવાઈ કરાય તેવી ખેતીની જમીન ધરાવતા હજારો ખેડૂતોની માંગણી ઉભી છે.

(4:17 pm IST)