રાજકોટ
News of Friday, 22nd June 2018

હાઇકોર્ટ અઢી-અઢી વર્ષનો કાર્યકાળ રદ કરે તો પંચાયતના નવા પ્રમુખોએ સત્તા છોડવી પડશે

પાંચ વર્ષની મુદત ઘટાડવાના મુદ્દે ૨૬ જુલાઇએ સુનાવણી

રાજકોટ, તા. ૨૨ :. રાજ્ય સરકારે ૨૦૧૫માં તાલુકા અને જિલ્લા પંચાયતોના પ્રમુખો અને ઉપપ્રમુખોની ૫ વર્ષની મુદત ઘટાડી અઢી-અઢી વર્ષની કરી નાખેલ. તેની સામે કોંગ્રેસ શાસિત અમુક જિલ્લા પંચાયતના સુકાનીઓએ હાઈકોર્ટમાં રીટ કરેલ. જેમા અરજદારે ૫ વર્ષની મુદત યથાવત રાખવાની માંગણી કરેલ. હાઈકોર્ટે આ મુદ્દે જવાબ રજૂ કરવા સરકારને નોટીસ આપી છે અને આગળની સુનાવણી ૨૬ જુલાઈએ રાખી છે. બે દિવસ પહેલા જ મોટાભાગની તાલુકા-જિલ્લા પંચાયતોમાં અઢી વર્ષની મુદત પુરી થતા નવા સુકાનીઓની વરણી કરવામાં આવી છે. અમુક પંચાયતોમાં રાજકીય ઉથલ-પાથલ થઈ ગઈ છે. જો હાઈકોર્ટ અઢી-અઢી વર્ષનો કાર્યકાળ રદ કરી ૫ વર્ષની મુદત યથાવત રાખતો ચુકાદો આપે તો નવા ચૂંટાયેલા તમામ પ્રમુખોએ સત્તા છોડવી પડે અને જૂના સુકાનીઓ મૂળ સ્થાને ફરીથી સ્થાપિત થાય તેવી સંભાવના જાણકારો નિહાળી રહ્યા છે. આવા સંજોગોમાં કાનૂની જંગ જામવાની શકયતા રહે છે.

અરજીકર્તાઓએ સપ્ટેમ્બર ૨૦૧૫માં જિલ્લા પંચાયતોના પદાધિકારીઓની મુદત ઘટાડવા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા ફેરફારોની બંધારણીય માન્યતા પર પ્રશ્ન ઉઠાવ્યો છે. સરકારે નગરપાલિકા અને મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રમુખોની મુદતમાં વધારો કર્યો છે અને તેને પંચાયતો માટે ઘટાડી દીધો છે.

અરજીકર્તાઓએ દલીલ કરી હતી કે રાજ્ય સરકાર મ્યુનિસિપાલિટી માટે આવા કાનૂન બનાવી શકે છે, પરંતુ પંચાયતો માટે નહીં. સરકાર પાસે પંચાયતમાં આ પરિવર્તન લાવવાની સત્તા નથી કારણ કે પંચાયત અધિનિયમ ચૂંટાયેલા સભ્યો અને પદાધિકારીઓની પદ પાંચ વર્ષની છે. પંચાયતના પદાધિકારીઓની મુદતમાં ઘટાડો, બંધારણીય જોગવાઈઓથી સ્પષ્ટ અસ્થાને છે. ૨૦ રાજયો હજુ પણ પંચાયતોના પદાધિકારીઓને પાંચ વર્ષ માટે પદ સંભાળવાની પરવાનગી આપે છે. રાજ્ય સરકાર દ્વારા કરાયેલો સુધારો રાજકીય પ્રેરીત છે અને તે બંધારણીય ચૂંટાયેલા પંચાયતોનો દુરૂપયોગ કરશે તેમ અરજીકર્તાઓએ દલીલ કરી છે.(૨-૧૦)

 

(4:25 pm IST)