રાજકોટ
News of Friday, 22nd June 2018

યે આગ કબ બુઝેગી ?

ભાજપમાં અસંતોષની ચિંગારીઓ : ૬ કોર્પોરેટરો નવાજુનીના મૂડમાં : હોદ્દા ફગાવશે

સાવન જો આગ લગાએ ઉસે કોન બુઝાયે.... શિસ્તબધ્ધ ગણાતા ભાજપમાં એક પછી એક કોર્પોરેટરો જાહેરમાં અસંતોષ વ્યકત કરવા લાગ્યા : મોવડીઓ ધંધે લાગ્યા

રાજકોટ તા. ૨૨ : મ્યુ. કોર્પોરેશનમાં મેયર સહિતના નવા પદાધિકારીઓએ શાસન સંભાળ્યું ત્યારથી જ શહેર ભાજપમાં અસંતોષની ચિંગારીઓ ભડકી રહી છે. નિમણૂંક વખતે જ ત્રણ ત્રણ કોર્પોરેટરોએ સરાજાહેર અસંતોષ વ્યકત કરતા શિસ્તબધ્ધ આબરૂના લીરા ઉડયા હતા. જોકે બે સિનીયર કોર્પોરેટરોએ બાજી સંભાળી લેતા અંતે 'ઘી'ના ઠામમાં 'ઘી' પડી ગયું હતું પરંતુ આમ છતાં અસંતોષના 'અંગારા' હજુ ઠર્યા નથી. કેમકે સામાકાંઠાના મહીલા કોર્પોરેટર સહિત કુલ ૬ જેટલા કોર્પોરેટરો શહેર ભાજપની વર્તમાન નીતિ-રિતીથી અસંતુષ્ટ હોવાનું અને આ છએય કોર્પોરેટરોની આજે સાંજે એક ગુપ્ત મીટીંગ મળનાર હોવાનું અને તેમાં આગામી સોમવારે હોદ્દાઓ ફગાવવા સુધીના નિર્ણયો લેવાનાર હોવાનું ભાજપના આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

ગત સપ્તાહે મળેલ મ્યુનિ. કોર્પોરેશનના જનરલ બોર્ડમાં નવા મેયરની નિમણૂક થઇ તે વખતે મેયર પદના સબળ દાવેદાર ગણાતા રૂપાબેન શીલુએ તેઓને મેયર પદ નહી મળતા નારાજગી વ્યકત કરી હતી અને રડી પડયા હતા. વોર્ડ નં. ૧ના કોર્પોરેટર બાબુભાઇ આહિર પણ નારાજ થયા હતા. વોર્ડ નં. ૧ના કોર્પોરેટર અને રાજકોટના એકમાત્ર ક્ષત્રિય નગરસેવક દુર્ગાબા જાડેજાને કોઇ સમિતિનું ચેરમેન પદ ન મળતા ક્ષત્રિય સમાજ નારાજ થયો હતો અને મવડી મંડળને ફરીયાદ પહોંચાડી હતી. બાદમાં ત્રણેય - ત્રણેય કોર્પોરેટરોને સીનીયર આગેવાનો દ્વારા સમજાવટથી ઘીના ઠામમાં 'ઘી' પડયું હતું અને રોષ પડતો મૂકયો હતો. દરમિયાન સામાકાંઠાના વોર્ડ નં. ૫ના કોર્પોરેટર દક્ષાબેન અરવિંદભાઇ ભેંસાણીયાને ચેરમેનના બદલે ૩-૩ સમિતિમાં વાઇસ ચેરમેન બનાવતા અસંતોષ વ્યકત કર્યો છે અને હોદ્દો નહી સંભાળવા જણાવ્યું હતું. માત્ર કોર્પોરેટર પદે જ કામ કરવાનો સંતોષ વ્યકત કર્યો હતો.

મ્યુનિ. કોર્પોરેશનમાં નવી ટર્મના પદાધિકારીઓની નિમણૂંકને આજે એક સપ્તાહ થયું છે ત્યારે ભાજપમાં શિસ્તના નામે શાંત કરવામાં આવેલ અસંતોષ વધુને વધુ વકરી રહ્યો છે. કોર્પોરેશનની લોબીમાં ચર્ચાતી વિગત મુજબ હજુ પાંચથી ૬ કોર્પોરેટરો નારાજ છે. આ તમામ નગરસેવકોની આજે ગુપ્ત જગ્યાએ બેઠક યોજાનાર છે. જેમાં નવા - જુનીના એંધાણ દર્શાય રહ્યા છે.(૨૧.૨૩)

(4:17 pm IST)