રાજકોટ
News of Friday, 22nd June 2018

સોમવારે અર્ધા રાજકોટમાં પાણી કાપ

રૈયાધાર, પોપટપરા, બજરંગવાડી, મવડી અને ચંદ્રેશનગર પમ્પીંગ સ્ટેશન હેઠળનાં વિસ્તારોમાં સોમવારે પાણી વિતરણ નહિં થાયઃ વાલ્વ બદલાવવાનું બહાનું ધરતાં તંત્રવાહકો

રાજકોટ તા. રરઃ મ્યુ. કોર્પોરેશનમાં નવા પદાધિકારીઓએ શાસન સંભાળતા અઠવાડિયામાંજ શહેરમાં પાણી કાપ ઝીંકવાનો નિર્ણય વોટર વર્કસ વિભાગને લેવાની ફરજ પડી છે.

આ અંગે વોટર વર્કસ વિભાગનાં કાર્યપાલક ઇજનેરશ્રીની સતાવાર યાદીમાં જણાવાયું છે કે, વોટર વર્કસ શાખાના રૈયાધાર ફિલ્ટર પ્લાન્ટ પર ૬૦૦ એમ.એમ. ડાયા.નો વાલ્વ બદલાવવાની કામગીરી, ન્યારા હેડવર્કસ પર સ્કાડા ફેઝ-૩ અંતર્ગત ફલોમીટર ઇન્સ્ટોલ કરવાની કામગીરી તથા ન્યારા-રૈયાધાર પાણી ટ્રાન્સફર પાઇપલાઇન પર ૯૦૦ એમ.એમ. ડાયા, વાલ્વ બદલવાની કામગીરી કરવા માટે તા. રપને સોમવારનાં રોજ રાજકોટ શહેરના વેસ્ટઝોન હેઠળનાં ૧ર વોર્ડનાં અર્ધા વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે. જેની જાહેર જનતાએ નોંધ લેવી.

જે વિસ્તાર અને વોર્ડમાં સોમવારે પાણી કાપ છે તેમાં રૈયાધાર ફિલ્ટર આધારિત ગાંધીગ્રામ તથા ૧પ૦' રીંગ રોડ વિસ્તારનાં પાર્ટ ૧ (પાર્ટ), ર (પાર્ટ), ૯ (પાર્ટ), ૧૦ (પાર્ટ) ત્થા ચંદ્રેશનગર હેડવર્કસ આધારિત વિસ્તારનાં વોર્ડ નં. ૧૧ (પાર્ટ), ૧૩ (પાર્ટ) અને પોપટપરા (રેલનગર) હેડવર્કસ આધારિત વિસ્તાર માટે વોર્ડ નં. ૩ (પાર્ટ), તેમજ બજરંગવાડી હેડ વર્કસ આધારિત વિસ્તારનાં વોર્ડ નં. ર (પાર્ટ), ૩ (પાર્ટ) અને મવડી (પુનીતનગર) હેડવર્કસ આધારિત બપોરના ર વાગ્યા પછીના વિસ્તારોનાં વોર્ડ નં. ૮ (પાર્ટ), ૧૦ (પાર્ટ), ૧૧ (પાર્ટ) એમ કુલ ૧ર અર્ધા વોર્ડમાં સોમવારે પાણી કાપ જાહેર કરવામાં આવ્યો છે. (૭.ર૬)

(4:11 pm IST)