રાજકોટ
News of Friday, 22nd June 2018

અમીન માર્ગ વિસ્તારમાં બિલ્ડરે આખી શેરી દબાવી દીધીઃ ફરીયાદ મળતાં સ્ટે. ચેરમેનની સ્થળ તપાસ

નવા બની રહેલા ફલેટ માટે બંધ શેરીમાં પેવીંગ બ્લોક નાખી ઢાળીયો બનાવ્યોઃ વૃક્ષારોપણ કરી નાખ્યુઃ ઉદય કાનગડે ઇજનેરને સાથે રાખી સ્થળ તપાસ કરાવી આ ગેરકાયદે દબાણો દુર કરવા સુચના આપી

રાજકોટ તા. રર : શહેરનાં અમીન માર્ગ વિસ્તારમાં બિલ્ડરે આખી શેરી દબાવી દીધાની ફરીયાદ આજે બપોરે સ્ટેન્ડીંગ કમીટી ચેરમેનને મળતાં તેઓએ તાબડતોબ સીટી ઇજનેરને સાથે રાખી સ્થળ તપાસ કરી અને શેરીમાં થયેલ ગેરકાયદે દબાણ દુર કરવા સુચનાઓ આપી હતી.

આ અંગે ચેરમેન શ્રી કાનગડે જણાવ્યું હતું કે તેઓને અમીન માર્ગ વિસ્તારનાં તારીકા એપાર્ટમેન્ટ અને સ્નોહિલ એપાર્ટમેન્ટનાં રહેવાસીઓએ તેઓનાં અવર-જવર માટેનો એકમાત્ર રસ્તા સમાન બંધ શેરીમાં આ વિસ્તારમાં બની રહેલા નવા ફલેટનાં બિલ્ડરે દબાણ કરી શેરી બંધ કરી દીધી છે.

અને શેરીમાં ઉંચો ઢાળીયો બનાવી બિલ્ડરે તેના ફલેટની એન્ટ્રી બનાવી, પેવીંગ બ્લોક નાખી વૃક્ષારોપણ વગેરે કરી નાખતાં આ વિસ્તારનાં અન્ય બે એપાર્ટમેન્ટનાં રહેવાસીઓનો રસ્તો બંધ થઇ ગયો છે.

આમ પ્રકારની રજૂઆત સાથેનું આવેદન પત્ર લતાવાસીઓએ આજે બપોરે ચેરમેન શ્રી ઉદય કાનગડને આપતાં ચેરમેનશ્રીએ તમામ રજૂઆત કરનાર અરજદારોને સાથે લઇ જઇ તેઓની ફરીયાદનું તથ્ય તપાસવા સ્થળ તપાસ માટે સીટી ઇજનેર ભાવેશ જોષીને સાથે રાખી સ્થળ તપાસ કરાવી તો લતાવાસીઓની ફરીયાદ મુજબ બિલ્ડરે કોર્પોરેશનની આખે આખી શેરી દબાવી  કરોડોની બજાર કિંમતની હજારેક ફુટ સરકારી જગ્યામાં દબાણ કરી લીધાનું જોવા મળતાં ચેરમેન ઉદયભાઇ કાનગડે  સીટી ઇજનેરશ્રી જોષીને આ શેરીમાં થયેલ દબાણો તોડી પાડી રસ્તો ખુલ્લો કરાવવા સુચનાઓ આપી હતી. (પ-રપ)

(4:08 pm IST)